વાંકાનેર પાલિકાનાં પ્રમુખ-ઉપપ્રમુખની આજે ચૂંટણી: રાજીનામા ધરી દેનાર ૧૬ સભ્યોને રીઝવવા આગેવાનો ઉંધા માથે

  • March 16, 2021 01:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાંકાનેર શહેર અને તાલુકામાં તાજેતરમાં જ નગરપાલિકા અને તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી સંપન્ન થયેલ જેમાં પ્રજાજનોએ ખોબલે-ખોબલે મત આપ્યા અને ભાજપને સ્પષ્ટ બહુમતી પણ આપી.


બીજીબાજુ શહેર ભાજપના અગ્રણીઓ અને મોરબી જિલ્લા ભાજપના અગ્રણીઓના વિચારો અને નિર્ણયો ચૂંટણી સમયથી જ સતત ચર્ચાના ચકડોળે રહેલા છે. ભાજપ અગ્રણી જીતુભાઈ સોમાણી અને રાજકોટનાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દલભજીભાઈ દેથરિયાના નિવેદનો-આક્ષેપો પ્રતિ આક્ષેપો-જવાબો ખુબ ચગ્યા હતા. ત્યાં વાંકાનેર નગરપાલિકાના ચૂંટાયેલા ભાજપના ૧૬ સભ્યોએ પક્ષના સભ્યપદેથી રાજીનામા આપી દેતા આજે તા.૧૬-૩-૨૧ના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની છે ત્યારેજ ભારે અપસેટ સર્જાયો છે.


અને રાજીનામા ધરી દેનાર સભ્યોને સમજાવવા શહેર ભાજપના અગ્રણીઓ ભારે પ્રયાસ કરી રહ્યા છે.નગરપાલિકાની યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં બેઠકોમાંથી ૨૪ સભ્યો ભાજપ અને ૪ સભ્યો બસપાના વિજેતા થયેલ ભાજપ દ્વારા પાંચ ટર્મથી સતત બહુમતી સાથે ચૂંટાયને નગરપાલિકાનું શાસન સંભાળે છે સાથે પ્રજાની પ્રાથમિક સુવિધાઓને પણ અગ્રતા આપે છે તો અમુક વિસ્તારોમાં કામ નહીં થતા હોવાની બુમરાડો પણ થતી પરંતુ સારી કામગીરીને નગરજનોએ સહર્ષ સ્વીકારી ૬ વોર્ડમાં મળી ૨૪ સભ્યો ભાજપે ઉભા રાખેલ તે તમામને જીતુભાઈ સોમાણીના નેતૃત્વ હેઠળના આ તમામ સભ્યો સારી લીડ સાથે ચૂંટાય આવ્યા હતા અને ફરી ભાજપને સતા ઉપર બેસાડવા પ્રજાએ ચૂકાદો આપ્યો હતો.


પરંતુ વાંકાનેર શહેર ભાજપના અગ્રણીઓ અને મોરબી જિલ્લા ભાજપના મુખ્ય અગ્રણીઓના એકબીજાના અહેમ અને સંકલનના અભાવે આ વર્ષ પ્રમુખ-ઉપપ્રમુખમાં મોઢે આવેલો કોળિયો કયાક જતો રહે તેવી દહેશત સેવાય રહી છે.વાંકાનેર ભાજપ દ્વારા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદના નામ માટે નગરસેવકોની બેઠક ત્રણ-ચાર દિવસ પહેલા શહેર ભાજપ દ્વારા યોજાયેલ અને જેમાં નવા પ્રમુખપદ મહિલા માટેનું હોય જેમાં જયશ્રીબેન જયસુખલાલ સેજપાલ અને ઉપપ્રમુખ પદ માટે ધર્મેન્દ્રસિંહ ગેલુભા જાડેજાનું નામ સર્વ સંમતીથી નક્કી થયેલ અને તમામ સભ્યોએ સહી કરી આ બન્ને નામ સાથે નો સંમતી પત્ર શહેર ભાજપના પ્રમુખ દીનુભાઈ વ્યાસને અર્પણ કરેલ આ પત્ર દિનુભાઈ વ્યાસે પાર્લામેન્ટ્રી બોડને સોંપવા મોરબી જિલ્લા ભાજપ સંગઠનને આપ્યો હોવાનું જાણવા મળે છે.


બીજીબાજુ મોરબી જિલ્લા ભાજપ સંગઠને આ નક્કી કરેલા બે નામો સિવાય અન્ય સભ્યોના નામ પણ પાર્લામેન્ટ્રી બોડને આપવામાં આવ્યા હોવાનું અને આજે તા.૧૬-૩-૨૧ના બપોરે પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટણીમાં જિલ્લા ભાજપ સંગઠને સુજવેલા નામના કોઈ ઉમેદવારનું મેન્ડેટ આવે તેવી દહેશતને પગલે તારીખ ૧૪-૩-૨૧ના નગરસેવકોમાં ફરી ગણગણાટ શરૂ થયેલો અને આ બાબતને પગલે ૧૬ સભ્યોએ ભજાપના સભ્યપદેથી રાજીનામા લખીને શહેર ભાજપને આપી દેતા ખળભળાટ સાથે દોડધામ મચી ગઈ હતી.


આ તમામ સભ્યોને સમજાવવા જીતુભાઈ સોમાણી ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ દીનુભાઈ વ્યાસ, ઈન્દુજા જાડેજા, મેરૂભાઈ સરૈયાએ પ્રયાસો કર્યા પરંતુ આ સભ્યોએ પોતાએ સૌએ નક્કી કરેલા નામનો જ આગ્રહ રાખ્યો હતો અને આ ૧૬ સભ્યો નહીં માનતા દિનુભાઈ વ્યાસ, ઈન્દુજા જાડેજા, મેરૂભાઈ સરૈયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા ગઈકાલે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલયે પહેંચ્યા હતા અને આ રાજીનામા અંગે જાણ કરેલ જો કે વેળાએ જિલ્લા ભાજપ પ્રમુખ કોઈપણ અર્થે બહાર હોય તેને ફોનથી જાણ કરી હોવાનું ઉપરોકત અગ્રણીઓએ જણાવેલ જયારે બપોરે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા ઘીના ઠામમાં ઘી પડશે કે પછી ભાજપને મોઢે આવેલો કોળિયો જતો રહેશે તેના ઉપર સૌની મીટ મંડાયેલી છે સ્થાનિક ભાજપ પણ આ સભ્યોને સમજાવવા ઉંધા માથે થયું છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ભાજપ આમા સફળ થશે? કે નેતાઓના અહંમ વચ્ચે સતત ૨૫ વર્ષથી સાસન કરી ભાજપની સતા આ ચૂંટણીમાં અપક્ષો કે અન્ય પક્ષના હાથમાં જતી રહેશે તેવો સવાલ અત્યારે સૌને સતાવી રહ્યો છે. આ લખાય છે ત્યારે સવારે નવાનવ વાગ્યે વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ દીનુભાઈ વ્યાસનો મોબાઈલ સ્વીચ ઓફ આવી રહ્યો છે. જયારે ઈન્દુભા જાડેજાનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ કે તમામ સભ્યોને સમજાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS