મગફળીકાંડ-2 સરકારનું ઈરાદાપૂર્વકનું ષડયંત્રઃ પરેશ ધાનાણી

August 6, 2018 at 11:28 am


નાફેડ, ગુજકોટ અને રાજ્ય સરકારને હચમચાવનારા મગફળી કૌભાંડની તપાસ આડે પાટે ચાલી રહી છે અને નાની માછલીઆેને પકડી મોટા મગરમચ્છને છૂટી જવાની તક આપવામાં આવી છે તેવો આક્ષેપ કરતાં વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે ‘આજકાલ’ સાથેની ખાસ મુલાકાતમાં સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે મગફળીકાંડ-2 એ ગુજરાતની ભાજપ સરકારનું ઈરાદાપૂર્વકનું ષડયંત્ર છે અને તેમાં ઘણા મોટા માથા મલાઈ તારવી ગયા છે. તેમણે કહ્યું હતું કે, જાન્યુઆરી મહિનામાં અને ત્યારપછીના સમયગાળામાં મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી પરંતુ તે પ્રñ મીડિયાએ ઉભો કરતાં સરકાર મુંઝવણમાં મુકાઈ ગઈ હતી અને તેને દબાવવા માટે આ મગફળીકાંડ-2 ઉભો કરવામાં આવ્યો છે. પરેશ ધાનાણી આ મગફળીકાંડમાં સાચા આરોપીઆેની ધરપકડ થાય તેવી માગ સાથે છેલ્લા ચાર દિવસથી અલગ અલગ ગોડાઉનની સામે સવારથી સાંજ ધરણા આપી રહ્યા છે. આજે પણ તેમણે રાજકોટમાં જૂના માર્કેટિંગ યાર્ડ પાસે સવારથી સાંજ ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો.

આજે સવારે ‘આજકાલ’ કાર્યાલયની મુલાકાતે આવેલા પરેશ ધાનાણીએ ગ્રુપ એડિટર ચંદ્રેશ જેઠાણી સાથે મગફળીકાંડ ઉપરાંત સરકારની જુદા જુદા મુદ્દે નિષ્ફળતા તેમજ કાેંગ્રેસના સંગઠન મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી હતી.

તેમણે કહ્યું હતું કે મગફળીના ગોડાઉનમાં જે આગ લાગી હતી તે આગ લોકોના હૃદયમાં હજુ સળગી રહી છે અને અમે તો તેની દવા શોધવા માટે નીકળ્યા છીએ. ચોરી અને લૂંટ વચ્ચે તફાવત હોવો જોઈએ. જે મગફળીકાંડ થયો છે તે સરકાર દ્વારા ચલાવવામાં આવેલી ઉઘાડી લૂંટ છે.

તેમણે કહ્યું હતું કે આ મામલાની તપાસમાં સરકારે પોલીસને મ્હોરું બનાવી દીધું છે. પોલીસે જેની ધરપકડ કરી છે તે માત્ર એક મંડળીના સભ્યો છે. ગુજરાતમાં આવી 400 મંડળીઆે છે અને અનેક મંડળીઆે દ્વારા મગફળી ખરીદવામાં આવી છે. ખેડૂતો પાસેથી ચાયણે ચણાવીને મગફળી લેવામાં આવી હતી પરંતુ ત્યારબાદ ભાડે રાખવામાં આવેલા ગોડાઉનમાં આખું કૌભાંડ રચવામાં આવ્યું હતું અને સારી ગુણવત્તાની મગફળી મળતિયા મીલરો પાસે પહાેંચી ગઈ હતી.

તેમણે કહ્યું હતંુ કે સરકાર ખેડૂતોની હામી હોવાના દાવા કરી રહી છે પરંતુ આજના દિવસે પાંચથી છ લાખ ટન મગફળી ખેડૂતો પાસે પડી છે છતાં સરકાર ટેકાના ભાવે ખરીદી કરતી નથી. મગફળીકાંડ મોટા ષડયંત્રનો ભાગ હોવાનો આક્ષેપ કરતાં પરેશ ધાનાણીએ કહ્યું હતું કે મગફળીની ખરીદી ગુજકોમાસોલ, ગુજકોટ અને અન્ય મંડળીઆે દ્વારા કરવામાં આવે છે. જે 7.64 લાખ મેટ્રિક ટન મગફળી છે તે પૈકીની 1.17 લાખ મેટ્રિક ટન મગફળી ગુજકોમાસોલ દ્વારા ખરીદવામાં આવી છે. ગુજકોમાસોલ પાસે સમગ્ર ગુજરાતમાં મોટું નેટવર્ક છે આમ છતાં તેના મારફત આેછી મગફળી ખરીદવામાં આવી છે. તેની સામે મેનેજિંગ ડિરેક્ટરથી લઈને પટ્ટાવાળા સુધીના માત્ર 6 લોકોનો સ્ટાફ ધરાવતાં ગુજકોટ પાસે 5.50 લાખ ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે. બાકી રહેલી મગફળી અન્ય સંસ્થાઆે મારફત ખરીદવામાં આવી છે.

તેમણે કહ્યું હતું કે સરકાર પોતે ગોડાઉન ભાડે રાખી શકે છે પરંતુ આ પ્રક્રિયામાં પણ વચેટિયાઆેને રાખવામાં આવ્યા હતા. જે 289 ગોડાઉન છે તેને ભાડે રાખવામાં વચેટિયાઆે મોટી મલાઈ ખાઈ ગયા છે. વધુમાં સરકારે આ ગોડાઉન ઉપર કોઈ પ્રકારની સુરક્ષા કે સીસીટીવીની સુવિધા આપી નથી. સરકારની આ લાપરવાહી જ બતાવે છે કે આ મોટું ષડયંત્ર છે. મગફળીકાંડના પૂરાવા અત્યારે જીવંત છે અને તેનો નાશ કરવા માટે હિલચાલ ચાલી રહી છે.

પરેશ ધાનાણીએ ખુલ્લાે આક્ષેપ કર્યો હતો કે 4000 કરોડ રૂપિયાની મગફળીના કૌભાંડના તાર મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહાેંચ્યા છે અને જો વ્યવસ્થિત તપાસ કરવામાં આવે તો અનેકના ચહેરા ઉપરથી નકાબ હટી જશે. રાજ્ય સરકારે ખેડૂતોના વિશ્વાસનો ભંગ કર્યો છે અને વાડે જ ચીભડા ગળ્યા છે ત્યારે બિચારી પ્રજા શું કરે ?

તેમણે કહ્યું હતું કે 2002થી 2014 સુધી ગુજરાતમાં નરેન્દ્ર મોદીનું શાસન હતું અને અત્યારે વિજય રૂપાણીનું શાસન છે. મગફળીના કૌભાંડમાં મોદી સરકાર મલાઈ તારવી ગઈ કે રૂપાણી સરકાર મલાઈ તારવે છે તેનો જવાબ ગુજરાતની પ્રજા સરકાર પાસે માગી રહી છે. ‘આજકાલ’ની મુલાકાત સમયે જીલ્લા કાેંગ્રેસના અગ્રણી મનોજ રાઠોડ સાથે હતા.

કાેંગ્રેસમાં એકતા નથી એવો ભાજપ દ્વારા ખોટો પ્રચાર કરાય છે

પરેશ ધાનાણીએ કહ્યું હતું કે કાેંગ્રેસમાં એકતા નથી અને નેતાઆે જૂથબંધીમાં રચ્યા પચ્યા રહે છે તેવી ખોટી વાતો ભાજપ દ્વારા ફેલાવવામાં આવે છે. વાસ્તવમાં કાેંગ્રેસ એક જ છે. જ્યાં સુધી મતભેદોનો પ્રશ્ન છે ત્યાં સુધી આવા પ્રશ્નો ઉભા થાય તો તેનો ઉકેલ પણ લાવી દેવામાં આવે છે.

તેમણે કહ્યું હતું કે ચૂંટણી સમયે કે ત્યારપછી પણ જો કોઈ કાેંગ્રેસના કાર્યકરોએ કે નેતાઆેએ શિસ્તભંગ કર્યાનું ધ્યાનમાં આવે તો તેની સામે પગલાં લેવામાં આવે છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને તેમની ટીમ ઘણા સંકલનથી કાર્ય કરી રહી છે. નવું માળખું રચવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે અને ટૂંક સમયમાં સંગઠનના માળખાની જાહેરાત કરવામાં આવશે.

ભાજપ સરકારથી અઢારેય વરણ નારાજ છે

પરેશ ધાનાણીએ કહ્યું હતું કે લોકોને ખોટા સ્વપ્ન દેખાડીને સત્તા પર આવેલી ભાજપ સરકારથી અત્યારે રાજ્યના અઢારેય વરણ નારાજ છે. સરકારે જુદા જુદા મુદ્દે લોકોની આંખે પાટા બાંધવાનો પ્રયાસ કર્યો છે અને હજુ કરી રહી છે. સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ છે. સિંચાઈ માટે ખેડૂતોને નર્મદાનું પાણી સરકારે આપ્યું નથી અને ખેડૂતોના ઉભા પાકને રોઝડાથી પણ સરકાર બચાવી શકી નથી. મગફળીના ખરીદી કેન્દ્રાે પસંદ કરવામાં પણ સરકાર વ્હાલા-દવલાની નીતિ રાખે છે અને પોતાના મળતિયાઆેને ખરીદ કેન્દ્ર આપે છે.

ભારે વરસાદમાં પાક ધોવાઈ ગયો અને સરકારે મગફળીની ખરીદી પણ કરી

પરેશ ધાનાણીએ કહ્યું હતું કે સરકારમાં કેટલી હદે પોપાબાઈનું રાજ ચાલે છે તેનો એક દાખલો ધ્યાનમાં આવ્યો છે. બનાસકાંઠામાં ભારે પૂર આવ્યું હતું અને ખેતરોના ખેતરો ધોવાઈ ગયા હતા. એક પણ ખેડૂતનો પાક બચ્યો ન હતો આમ છતાં સરકારે બનાસકાંઠામાંથી મગફળીની ખરીદી કરી હોય તેવી જાહેરાત કરી હતી અને તેના રૂપિયા કોઈક ચાવી ગયું હતું. સરકારે પાકનું નુકસાન ગયાનું વળતર પણ ચૂકવ્યું હતું અને મગફળીની ખરીદી પણ કરી હતી.

મગફળીકાંડનો રેલો મુખ્યમંત્રી કાર્યાલય સુધી

પરેશ ધાનાણીએ 4000 કરોડ રૂપિયાના મગફળી કૌભાંડનો રેલો મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહાેંચી રહ્યાે છે તેવો ખુલ્લાે આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું છે કે જે રીતે મગફળી ખરીદીની પ્રક્રિયાથી ગોડાઉન સળગાવવા અને મગફળીની ગુણીમાંથી માટી, કાંકરા અને ઢેફા નીકળવા સુધીની પ્રક્રિયામાં વ્યવસ્થિત ષડયંત્ર કરવામાં આવ્યું છે અને જો નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો તેના તાર મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહાેંચી શકે છે.

તેમણે કહ્યું હતું કે રાજકોટમાં 17 કરોડ રૂપિયાના કોથળા સળગાવી દેવામાં આવ્યા હતા પરંતુ આજ દિવસ સુધી તેમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી. ગાેંડલના ગોડાઉનમાં જે આગ લાગી હતી તેમાં વેલ્ડરોની ધરપકડ કરી લેવામાં આવી હતી અને ધૂળ-ઢેફા પ્રકરણમાં મંડળીના સામાન્ય સભ્યોની ધરપકડ કરી લેવામાં આવી છે. શાપરના ગોડાઉનમાં જે આગ લાગી હતી તેમાં પણ કોઈ વ્યિક્તની ધરપકડ કરવામાં આવી નથી. આમ આ સમગ્ર મામલામાં સરકારની ભૂમિકા પહેલાંથી જ શંકાસ્પદ રહી છે.

Comments

comments