રાજકોટમાં ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી યુવતીને ગાળો ભાંડી, પોલીસ તપાસમાં આરોપી યુવતીનો પૂર્વ પ્રેમી નીકળ્યો

  • May 08, 2025 04:59 PM 

શહેરના મવડી વિસ્તારમાં રહેતી યુવતીનાં નામનું બોગસ ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી તે જ યુવતીને મેસેજ કરી આઇડી ધારકે બીભત્સ ગાળો આપી હતી.જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવામાં આવી છે. પોલીસે આઇડી ધારક અક્ષય સોરઠીયાની ધરપકડ કરતા તે યુવતીનો પૂર્વ પ્રેમી હોય યુવતીએ સંબંધ તોડી નાખતા આ કૃત્ય આચર્યાનું માલુમ પડયું હતું.


શહેરના મવડી વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષીય યુવતીએ સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તા. 1 એપ્રિલના રોજ મારા ઇન્સ્ટાગ્રામ આઈડી પર કોઈ અજાણ્યા ઇન્સ્ટાગ્રામ યુઝર આઈડીનો મેસેજ આવેલ હતો કે, તમારું આઈડી હેક થઈ ગયેલ છે અને આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં મારા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલમાંથી મારો ફોટો ચોરી કરી તેમાં મુકેલ હતો. વધુમાં યુવતીએ જણાવ્યું હતું કે, મેં આ બાબતે તેમાં વધુ ધ્યાન આપેલ નહીં પરંતુ અજાણ્યા ઇન્સ્ટાગ્રામ યુઝર આઇડીનાધારકે મને મેસેજમાં ચારિત્ર અંગે ગાળો આપી હતી. બાદ અજાણ્યા શખસે આ એકાઉન્ટનું યુઝર આઇડી બદલી નાખ્યું હતું. જેથી મેં તેને બ્લોક કરી દીધો હતો અને સ્ક્રીનશોટ લઈ આ બાબતે સાયબર હેલ્પલાઇનમાં અરજી કરી હતી.બાદમાં સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરતા એએસઆઇ દિપક પંડીતે ગુનો દાખલ કર્યો હતો.

દરમિયાન પીઆઈ એમ.એ. ઝણકાટ તથા તેમની ટીમે તપાસ કરતા ઇન્સ્ટાગ્રામ આઇડી જે મોબાઈલ નંબર પરથી ઓપરેટર કરવામાં આવી રહ્યું હતું. તેનાં પરથી આરોપી અક્ષય સોરઠીયાને ઉઠાવી લઈ પૂછપરછ કરતા અક્ષય સોરઠીયાએ કેફીયત આપી હતી કે, અગાઉ તે યુવતી સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો પણ બંને વચ્ચેના સંબંધમાં ખટાશ આવતા યુવતીએ સંબંધ તોડી નાખ્યો હતો. જેનો ખાર રાખીને અક્ષય સોરઠીયાએ જ યુવતીનાં નામવાળું બોગસ ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી યુવતીને મેસેજમાં ગાળો આપી હતી. પોલીસે અક્ષય સોરઠીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application