રૂા. ૧૭ હજારના દંડનો આદેશ કરતી સ્પેશ્યલ પોક્સો અદાલત
જામનગરમાં એક યુવકે સગીરા સાથે મિત્રતા કેળવ્યા પછી તેની સાથે મંદિરમાં ફૂલહાર પહેરાવીને લગ્ન કર્યા હતા. આ પછી તેણી સાથે અનેક વખત શરીર સંબંધ બાંધ્યો હતો. જે અંગેના કેસમાં અદાલતે આરોપીને ૧૦ વર્ષની સજા અને રૂા. ૧૭ હજારના દંડનો આદેશ કર્યો છે.
જામનગરમાં રહેતા એક પરિવારની ૧6 વર્ષની સગીર વયની પુત્રીને ગોકુલનગર વિસ્તારમાં રહેતો નયન કનુભાઈ પરમાર નામનો ૧૯ વર્ષના યુવાનએ મિત્રતા કેળવી હતી. આ સગીરા બાવળાવદર ગામે એક ધાર્મિક સ્થળે દર્શન કરવા ગઈ હતી ત્યાં આરોપી પણ આવ્યો હતો, અને આરોપીએ પોતાની સાથે ફ્રેન્ડશીપ કરવા જણાવી તેણીને મોબાઈલ આપ્યો હતો. આ પછી સગીરા અને યુવક અનેક વખત મોબાઈલ ફોનમાં વાતચીત કરતા હતા.
ગત તા. ૩૦ માર્ચ ૨૦૧૯ ના રોજ સગીરા બપોરે ભોજન કરીને પોતાના કારખાને જતી હતી, ત્યારે એ વખતે યુવકે તેને ફોન કરીને મળવાનું જણાવ્યું હતું, આ પછી યુવક સગીરાને પોતાના ઘરે લઈ ગયો હતો.
જ્યાંથી બીજા દિવસે જામનગર નજીક દરેડ ગામ પાસે આવેલ મંદિરમાં એકબીજાને ફૂલહાર પહેરાવીને લગ્ન કર્યા હતા, અને એ જ દિવસે સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. આ પછી પણ અલગ અલગ સ્થળે ફરવા લઈ ગયો હતો અને અનેક વખત શરીર સંબંધ બાંધ્યો હતો. આ અંગેની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડ્યો હતો અને જેલ હવાલે કર્યો હતો.
આ અંગેનો કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ વી.પી. અગ્રવાલ સમક્ષ ચાલી જતા સરકાર પક્ષે ૧૪ સાહેદો તપાસવામાં આવ્યા હતા, આ ઉપરાંત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. જે સાંભળ્યા પછી અદાલતે આરોપી નયન પરમારને ૧૦ વર્ષ ની સજા અને રૂપિયા ૧૭ હજારનો દંડ તેમજ ભોગ બનનાર ને રૂ.બે લાખ નું વળતર ચૂકવવા નો આદેશ કર્યો હતો. આ કેસમાં સરકાર પક્ષે વકીલ ભારતીબેન વાદી રોકાયા હતા.