જામનગરમાં આવેલ સેનાની ત્રણેય પાંખ સાથે જિલ્લા વહીવટી તંત્રની એક મહત્વપૂર્ણ બેઠક

  • May 09, 2025 06:56 PM 

રાજ્યના મહેસૂલ વિભાગના સેટલમેન્ટ કમિશનર બી.એ.શાહ દ્વારા આકસ્મિક સંજોગો સામે જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓની સમીક્ષા કરાઈ

જામનગરમાં આવેલ સેનાની ત્રણેય પાંખને જરૂર જણાયે મદદરૂપ થવા સરકાર અને સ્થાનિક તંત્ર સંપૂર્ણ સજ્જ; સેનાના ઉચ્ચ અધિકારીઓ સાથે શાહ દ્વારા ચર્ચા કરાઈ

રાજ્યના મહેસૂલ વિભાગના સેટલમેન્ટ કમિશનર બી.એ.શાહે કલેકટર કચેરીના સભાખંડ ખાતે જામનગરમાં આવેલ સેનાની ત્રણેય પાંખોના ઉચ્ચ અધિકારીઓ તેમજ જિલ્લાના વિવિધ વિભાગોના અગ્રણી અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વર્તમાન પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવાનો અને કોઇ આકસ્મિક સંજોગો સામે જિલ્લા વહીવટી તંત્રની સજ્જતાની સમીક્ષા કરવાનો હતો.

બી.એ.શાહે બેઠકની શરૂઆતમાં એરફોર્સ, આર્મી અને નેવીના અધિકારીઓને મેડીકલ સહાય, સાધનો તથા માનવબળ સહાય વિગેરે અંગે જિલ્લા વહીવટી તંત્ર તરફથી અપેક્ષિત મદદ તથા આકસ્મિક સંજોગોમાં નાગરિકોની સલામતી અને સુરક્ષા સંબંધે વહીવટી તંત્રના ધ્યાને મુકવા અંગેની કામગીરીની માહિતી મેળવી હતી. તેમણે જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા સેનાને કોઈપણ પ્રકારની મદદ કે સહાય પૂરી પાડવા માટે સંપૂર્ણ તત્પરતા દર્શાવી હતી. આ બેઠકની શરૂઆતમાં ઉપરોકત માહિતી મેળવી ઉપસ્થિત એરફોર્સ, નેવી, આર્મીના પ્રતિનિધિઓનો આભાર માની તેમને બેઠકમાંથી તુર્ત રજા આપવામાં આવેલ.

બેઠક દરમિયાન શાહે જિલ્લામાં ઉપલબ્ધ ફાયર ફાઇટર સહિતના સંસાધનો, હોસ્પિટલોમાં દવાઓ, બેડ, સ્ટાફ અને તબીબી સાધનોની પૂરતી વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી. તેમણે કોઈપણ પરિસ્થિતિમાં વીજ પુરવઠો જળવાઈ રહે તે માટેની તૈયારીઓ, જિલ્લાના માર્ગો પરિવહન માટે ખુલ્લા રહે તે સુનિશ્ચિત કરવા માટેની કામગીરી અને પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે લેવામાં આવેલા પગલાંની સમીક્ષા કરી હતી.

વધુમાં, ઇન્ટરનેટ અને ટેલિફોન સેવાઓ સતત કાર્યરત રહે, જરૂરી વાહનોની વ્યવસ્થા જળવાઈ રહે, દરિયામાં ગયેલા માછીમારોને પરત બોલાવવા અને તેમની યાદી તૈયાર કરવી, ડેમેજ હેલ્પલાઇનને તાત્કાલિક રિપેર કરવી, પાણી પુરવઠો પહોંચાડવો, ફૂડ પેકેટ અને જરૂરી ઇંધણની વ્યવસ્થા તેમજ એમ્બ્યુલન્સની ફાળવણી વગેરે જેવી બાબતો અંગે તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની માહિતી મેળવીને શ્રી શાહે સંતોષ વ્યક્ત કર્યો હતો અને ઉપસ્થિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે તમામ વિભાગોને કર્મચારીઓની રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી ફાળવવા અને જરૂર પડ્યે સેનાને મદદરૂપ થવા માટે સજ્જ રહેવા પણ સૂચન કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે સેટલમેન્ટ કમિશનરશ્રીને જિલ્લાની વર્તમાન પરિસ્થિતિથી અવગત કરાવ્યા હતા અને તમામ વિભાગોને પરસ્પર સંકલન જાળવીને અત્યંત જાગૃતિ અને તત્પરતા સાથે પોતાની ફરજો નિભાવવા ભારપૂર્વક જણાવ્યું હતું.

આ મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, અધિક કલેક્ટર બી.એન. ખેર, તેમજ આર્મી, એરફોર્સ, નેવી, સિક્કા થર્મલ પાવર સ્ટેશન, રિલાયન્સ, નયારા, આઈ.ઓ.સી. સહિત જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિતિ રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application