યુવતીને ઘરની બહાર બોલાવી છેડતી, હડધુત કરવાના ગુનાના ૩ આરોપીના જામીન મંજુર

  • May 14, 2025 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ શહેરમાં ગોકુલધામ વિસ્તારમાં યુવતી પાસે બિભત્સ માંગણી કરી છેડતી અને એટ્રોસિટી એકટના ગુનામાં ઝડપાયેલા ૩ આરોપીઓને જામીન મુક્ત કરવા કોર્ટે હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ રાજકોટમાં ગોકુલધામ વિસ્તારમાં રહેતી યુવતીને પૈસાની જરૂરીયાત ઉભી થતા જંગલેશ્વરમાં રહેતા પોતાના મિત્ર સોહીલને ફોન કર્યો હતો. જેથી સોહીલ તા. ૧૪/ ૦૧/ ૨૦૨૫ના રોજ રૂા.૧૦ હજાર આપવા માટે ઘરે આવ્યો હતો અને બન્ને પોતાના ઘરમાં બેઠા હતા. ત્યારે પરીક્ષિત ઉર્ફે પરીયો રાજુભાઈ બળદા, જૈવિક ઉર્ફે મોન્ટુ દિલીપભાઈ રોજાસરા અને મેટીયા ઉર્ફે હર્ષદિપ ઝાલાએ યુવતીને ઘર બહાર બોલાવી હતી. યુવતી ઘર બહાર આવતા મેટીયા ઉર્ફે હર્ષદિપ ઝાલાએ યુવતીનો હાથ પકડી બીભત્સ માંગણી અને ઝપાઝપી કરી ટી-શર્ટ ફાડી નાખ્યું હતું. ત્યારે મિત્ર સોહીલ બચાવવા વચ્ચે પડતા આરોપીઓએ છરી, ધોકા અને પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ અંગે માલવિયાનગર પોલીસ મથકમાં છેડતી, એટ્રોસિટી એકટ અને હુમલાની ફરિયાદ નોંધાઈ હતી. જે કેસમાં જેલ હવાલે રહેલા આરોપીઓએ પોતાના એડવોકેટ મારફત જામીન પર છુટવા જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે ત્રણેય આરોપીને જામીન મુક્ત કરતો હુકમ ફરમાવ્યો છે.

આ કેસમાં આરોપીએ વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા, યોગેશ એ.જાદવ તથા મદદનીશમાં અભય ચાવડા, વિશાલ રોજાસરા અને વિક્રમ કિહલા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application