પોરબંદરના કુતિયાણા નજીકથી પોલીસે પોરબંદર જિલ્લામાં ઘાતક હથિયારો સાથે ધાડ પાડવા આવેલા ભુજ પંથકના છ શખ્શોને પકડી પાડયા છે અને તેઓની પૂછપરછમાં એવી ચોકાવનારી કબુલાત કરી હતી કે તેઓ ભુજની જેલમાં હતા ત્યારે પોરબંદરના એક ઇસમના સંપર્કમાં આવ્યા હતા અને તેણે પોરબંદરમાં ચોરી અને લૂંટફાટ તથા ધાડ પાડવા માટે આવવાનુ નિમંત્રણ પાઠવ્યુ હતુ અને તેથી તેઓ અહીં આવ્યાનું કબુલતા પોલીસે તમામ છ શખ્શો સામે ગુન્હો નોંધીને ધરપકડ કરી છે તથા ૩ લાખ ૩૪ હજારથી વધુના મુદ્ામાલ સાથે પકડી પાડયા બાદ તેને અહીંયા બોલાવનાર પોરબંદરના શખ્શ સામે પણ ગુન્હો દાખલ થયો છે.
બ્લુ કારમાં છ શખ્શો આવતા હોવાની બાતમી
કુતિયાણા પોલીસમથકના કોન્સ્ટેબલ અક્ષયકુમાર જગજીતસિંહ ઝાલાએ એવી પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે તેઓ તથા કુતિયાણા પોલીસમથકના ઇન્સ્પેકટર વી.પી. પરમાર, હેડ કોન્સ્ટેબલ પી.આર. ઓડેદરા, વાય.એસ.વાળા તથા કોન્સ્ટેબલ અલ્તાફ હુસેનભાઇ અને જસવંતસિંહ રાયસીંગ મોરી વગેરે પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા ત્યારે ફરિયાદી અક્ષયકુમાર અને કોન્સ્ટેબલ જસવંતસિંહને એવી બાતમી મળી હતી કે કુતિયાણાના દેવંગી સર્કલ પાસેથી બ્લુ કલરની સ્વીફ્ટ કારમાં અમુક ઇસમો પ્રાણઘાતક હથિયારો સાથે ગુન્હો કરવાના ઇરાદે પસાર થવાના છે તેથી પોલી કાફલો તાત્કાલિક દેવંગી સર્કલ પાસે વાહનચેકીંગમાં ગોઠવાઇ ગયો હતો.
કારમાંથી મળ્યા ઘાતક હથિયાર
પોલીસ વાહન ચેકીંગમાં હતી ત્યારે એક સ્વીફટ કાર આવી હતી જેમાં છ ઇસમો હતા અને આ કારની તલાશી લેતા તેમાંથી લોખંડનો પાઇપ, બેઝબોલનો ધોકો, છરી, લોખંડનું પ્લાસ્ટિકની ગ્રીપવાળુ મોટુ કેબલ કટર, લોખંડ કાપવાની ત્રણ હેકસો અને આઠ હેકસો બ્લેડ જેવા ઘાતક હથિયારો મળી આવ્યા હતા આથી તેઓ કોઇ જગ્યાએ ધાડ પાડવાની તૈયારીમાં હોય તેવું જણાયુ હતુ. જેથી પોલીસે તમામની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી હતી.
છ શખ્શોની થઇ ઓળખ
કારમાં ડ્રાઇવીંગ સીટ પર બેસેલ ઇસમ ભુજના ભોજરડો ગામના તથા પશુપાલનનો ધંધો કરતા જુમા મીઠન ઠેબા ઉ.વ.૩૧ હોવાનુ જણાવ્યુ હતુ જ્યારે તેની બાજુની સીટમાં બેસેલ શખ્શ ભુજના નાનાવરનોરા ગામનો અસ્લમ સુમાર ત્રાયા ઉ.વ. ૨૫ હોવાનું જણાવ્યુ હતુ. કારની પાછળ બેસેલા ચાર ઇસમોમાં નાનાવરનોરાનો સુલ્તાન સુમાર મેર ઉ.વ. ૨૪ ભુજના ભીડ ગેઇટ વિસ્તારમાં રહેતો અબ્બાસ અલિમામદ કકલ ઉ.વ. ૩૧, નાના વરનોરાનો સધામ સુલેમાન મમણ ઉ.વ. ૨૦ અને નાના વરનોરાનો જેડ જુસબ ગગડા ઉ.વ. ૨૦ હોવાનું જણાવ્યુ હતુ અને આ ઇસમો પાસેથી મોબાઇલ ફોન પણ કબ્જે થયા હતા.
૩ લાખથી વધુનો મુદ્ામાલ કબ્જે
પોરબંદરની કુતિયાણા પોલીસે ૨૦ ા.નો પાઇપ, ૫૦ ા.નો બેઝબોલનો ધોકો, ૨૫ ા.ની છરી, ૫૦૦ ા.નુકેબલ કટર, ૫૦ ા.ની એક લેખે ત્રણ હેકસો અને ૧૦ ા.ની એક લેખે ૮૦ ા.ની હેકસો બ્લેડ તથા ૩ લાખ ા.ની કાર અને ૩૪ હજાર ા.ના છ મોબાઇલ સહિત કુલ ા. ૩ લાખ ૩૪ હજાર ૮૨૫નો મુદ્ામાલ કબ્જે કર્યો હતો.
ચોંકાવનારી કબુલાત
તમામ છ ઇસમોની ધરપકડ કરીને પોલીસે આકરી પૂછપરછ હાથ ધરતા અને પોરબંદર પંથકમાં કઇ બાજુ જતા હતા? તેના જવાબમાં તેઓએ ચોંકાવનારી કબુલાત આપી હતી. અબ્બાસ અલીમામલ કકલે જણાવ્યુ હતુ કે ત્રણ મહિના પહેલા જખૌ પોલીસ સ્ટેશનના પાંચ જેટલા કેબલચોરીના ગુન્હામાં તેને કચ્છની પાલારા જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો અને પોરબંદરનો સુભાષ રાણા રાતીયા નામનો ઇસમ કોઇ ગુન્હા અનુસંધાને પાલારા જેલમાં હતો ત્યારે સુભાષ અને અબ્બાસ વચ્ચે પરિચય થયો હતો. અને અબ્બાસ જેલમાંથી છૂટયો હતો ત્યારબાદ સુભાષ જેલમાંથી મુકત થયો હતો તેથી તેને લેવા માટે અબ્બાસ ગયો ત્યારે મોબાઇલ નંબરની આપ -લે કરી હતી અને સુભાષે તેને એવુ જણાવ્યુ હતુ કે ‘તમારે પોરબંદર બાજુ ચોરી કે લૂંટફાટ કરવા આવવુ હોય તો મને મોબાઇલ કરજો. હું તમને જગ્યાઓ બતાવીશ.’ આથી ત્યારથી બન્ને મોબાઇલ મારફતે સંપર્કમાં હતા અને થોડા દિવસો પહેલા સુભાષે ફોન કરીને થોડા માણસોને સાથે લઇને લૂંટફાટ આવવા માટે પોરબંદર આવવા નિમંત્રણ પાઠવ્યુ હતુ તેથી તે છ શખ્શો પોરબંદરમાં લૂંટફાટ કરવાના ઇરાદે આવતા હતા. કોઇ જગ્યાએ ધાડ પાડવાની તૈયારી સાથે એકત્ર થયા હતા. તેમ જણાવી પોલીસે આ તમામ ઇસમોની ધરપકડ કરી આકરી પૂછપરછ હાથ ધરી છે અને પોરબંદરના સુભાષ રાણા રાતીયા સામે પણ ગુન્હો દાખલ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech