ઓખા મંડળ વિસ્તારમાં સુરજકરાડી ખાતે રહેતા એક મહિલાના ઘરમાં રાત્રિના આશરે એકાદ વાગ્યાના સમયે પ્રવેશ કરી, આરંભડા ગામની સીમ વિસ્તારમાં રહેતા કમલેશ વીરાભાઈ ચાનપા નામના શખ્સ દ્વારા આ મહિલા સૂતા હતા ત્યારે તેણીની આબરૂ લેવાના ઈરાદાથી તેણીના પગ વારંવાર ખેંચી અને હુમલો કર્યાની તેમજ તેણીની છેડતી કર્યાની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ખંભાળિયામાં બે જુગારીઓ ઝડપાયા
ખંભાળિયા તાલુકાના ભાડથર ગામેથી પોલીસે કમલેશ રમેશ ચાનપા અને ધરમ રમેશ કેશરાણી નામના બે શખ્સોને ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા મુદ્દામાલ સાથે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.
ખંભાળિયામાં કારમાં હથિયાર સાથે નીકળેલો શખ્સ ઝડપાયો
ખંભાળિયાના જડેશ્વર રોડ પર આવેલી આહીર સમાજની વાડીની બાજુમાં રહેતા નિતેશ રામભાઈ મસુરા નામના 25 વર્ષના શખ્સને પોલીસે રાત્રિના દોઢ વાગ્યાના સમયે અહીંની જુની કોર્ટ પાસેના માર્ગ પરથી હોન્ડા અમેઝ મોટરકારની ડેકીમાં રબરની ગ્રીપ લગાવેલા લોખંડના પાઇપ સાથે નીકળતા ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્ટની કલમ 135 (1) હેઠળ કાર્યવાહી કરી હતી.