ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદીલી ફેલાઇ છે ત્યારે પરિસ્થિતિને ઘ્યાનમાં લઇને હાલારનું તંત્ર એલર્ટ બની ગયું છે, ત્યારે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ૧૦૦ વધુ બેડ ખાલી કરી દેવામાં આવ્યા છે, એટલું જ નહીં સ્પેશ્યલ કંટ્રોલરૂમ ઉભો કરી દેવામાં આવ્યો છે, તમામ ડોકટરો અને તમામ કર્મચારીઓની રજા રદ્દ કરી દેવામાં આવી છે, આઇસીયુ, સર્જીકલ અને ક્રીટીકલ મેડીકલ વિભાગમાં વધુ સ્ટાફ મુકી દેવામાં આવ્યો છે, જરૂર પડ્યે જી.જી. હોસ્પિટલમાં પ૦ ટકાથી વધુ બેડ ખાલી કરી દેવામાં આવશે અને દર્દીને પણ કોઇપણ જાતની મુશ્કેલી ન પડે તે માટે સતત પ્રયાસો કરવામાં આવશે, મોડી રાત સુધી ડીન ડો. નંદિની દેસાઇ, અધિક્ષક ડો. દિપક તિવારી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
જાણવા મળતી વિગત પ્રમાણે પરિસ્થિતિને ઘ્યાનમાં લઇને સર્જીકલમાં ૪૦, ક્રીટીકલમાં ૪૦ અને મેડીસીનમાં ર૦ બેડ રાખી દેવામાં આવ્યા છે, જેમ જેમ જરૂર પડશે તેમ હોસ્પિટલમાં વધુ બેડની સંખ્યા કરવામાં આવશે, જુનો સ્વાઇન ફલુ વોર્ડ હતો, તે ક્રીટીકલનો વોર્ડ બનાવી દેવામાં આવ્યો છે, જામનગરના અધિકારીઓ રાજ્યના આરોગ્ય વિભાગ સાથે સતત સંપર્કમાં છે, જી.જી. હોસ્પિટલમાં દવાનો અને બ્લડનો સ્ટોક પૂરતા પ્રમાણમાં છે, કંટ્રોલ મમાં તેમજ અન્ય વોર્ડમાં વારાફરતી ડોકટરો અને સ્ટાફની નિમણુંક કરી દેવામાં આવી છે.
જી.જી. હોસ્પિટલના સિનીયર ડોકટરો, અધિક ડીન એસ.એસ. ચેટર્જી, ડો. મનીષ મહેતા, ડો. ભુપેન્દ્ર ગોસ્વામી, ડો. વસાવડા સહિતના તમામ ડોકટરો સતત ખડેપગે છે, કેટલાક સ્ટાફને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે, જામનગર જિલ્લામાં કોઇપણ દર્દીને હાલાકી ન થાય તેનું ખાસ ઘ્યાન રાખવામાં આવશે, ગંભીુર પ્રકારના દર્દીઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે, જી.જી. હોસ્પિટલમાં સ્ટાફ પણ પૂરતો છે, જેથી આવનારી પરિસ્થિતિને પહોંચી વળાશે.
જી.જી. હોસ્પિટલમાં બહારગામના દર્દીઓ પણ આવે છે, ત્યારે તેમના માટે પણ સુવિધા ઉપલબ્ધ છે, ત્યારે હોસ્પિટલનો સ્ટાફ કોઇપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે.
જી.જી. હોસ્પિટલમાં સ્વૈચ્છિક સેવા આપવા માંગતા કર્મચારીઓએ સંપર્ક કરવો
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલમાં ઉભી થયેલી પરિસ્થિતિને ઘ્યાનમાં લઇને સંસ્થાકીય આરોગ્ય સેવાઓ પહોંચી વળવા તેમજ ગમે ત્યારે આકસ્મિક સંજોગોમાં જરૂર પડ્યે ત્યારે તાત્કાલિક પોતાના ફરજના સમય બાદ પણ હાજર રહી આ પરિસ્થિતિમાં રેપીડ રીસપોન્સ આપી શકે તેવા સ્વૈચ્છિક રીતે ફરજ બજાવવા માંગતા કર્મચારીઓએ પોતાના નામ નર્સીંગ અધિક્ષકની કચેરી જી.જી.હોસ્પિટલ જામનગરને નોંધાવી દેવા, જેથી યુઘ્ધ જેવી પરિસ્થિતિમાં આકસ્મીક નર્સીંગ સેવાઓને પહોંચી શકાય.