હીરલબા જાડેજા અને 5 સાગરિતોએ ખોટા બેંક એકાઉન્ટો ખોલી અલગ અલગ રાજ્યના લોકોને ડિજીટલ એરેસ્ટ કરી લાખો રૂપિયા પડાવ્યા, કેવી રીતે ખેલ પાડ્યો?

  • May 15, 2025 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રૂ. ૭૦ લાખની લેતેદેતી પ્રશ્ને સૂરજ પેલેસ બંગલામાં ત્રણ લોકોને ગોંધી રાખી માર મારવાના ગુન્હામાં  હિરલબા જાડેજા જુનાગઢ જેલ હવાલે છે. ત્યારે તેમની સામે સાયબર ક્રાઇમનો એેક ગુનો દાખલ થતા ભારે ચકચાર જાગી છે અને સાયબર ફ્રોડ દ્રારા અલગ-અલગ રાજ્યના ભોગ બનનાર વ્યકિત પાસેથી છેતરપિંડીથી પડાવેલા રૂ. ૩૫ લાખ ૭૦ હજારનું ટ્રાન્ઝેકશન આ ખાતાઓમાં કરાવવામાં આવ્યું હોવાનું પોલીસની તપાસમાં ખૂલ્યુ હતું. 


આ બનાવમાં  સબ ઇન્સ્પેકટર વી.આર. ચાવડાએ હિરલબા જાડેજા તથા તેના માણસો હિતેશ ભીમા ઓડેદરા, પાર્થ સોંગેલા, મોહન રણછોડ વાજા, અજય મનસુખ ચૌહાણ અને હિરલબાના ડ્રાઇવર રાજુ મેર સામે અન્ય લોકોના બેન્ક ખાતાનો ખોટી રીતે ઉપયોગ કરી તેમના સહી  કરેલા ચેક મેળવી તેમના ખાતામાંથી રૂપિયા ઉપાડી એ રૂપિયા સગેવગે કરવા અંગેનો આઇ.પી.સી.ની કલમ ૧૨૦(બી), ૪૧૧,૪૧૩, ૪૨૦, તથા આઇ.ટી. એકટ–૨૦૦૦ની કલમ ૬૬૬૬(ડી) મુજબ ધોરણસર ફરિયાદ દાખલ થઇ છે. 


કોટક મહિન્દ્રા બેન્કના ૧૪ જેટલા શંકાસ્પદ ખાતાની માહિતી સબ ઇન્સ્પેકટર ચાવડાને મળી

પોરબંદરના સાઇબર ક્રાઇમ પોલીસમથકના સબ ઇન્સ્પેકટર વી.આર. ચાવડાએ જાતે ફરિયાદી બનીને ગુનો નોંધ્યો છે કે, પોરબંદરના સાયબર ક્રાઇમ પોલીસ મથક ખાતે પાંચેક મહિના પહેલા તા. ૨૨–૧૨–૨૦૨૪ના સાઇબર ક્રાઇમ સંબંધિત જાણવાજોગ નોંધ થઇ હતી, જેની તપાસ તેઓ કરી રહ્યા હતા. જેમાં સાઇબર ક્રાઇમ સંબંધિત સમન્વય પોર્ટલ દ્રારા તપાસ કરતા સમગ્ર જિલ્લામાં સાઇબર ક્રાઇમમાં ઉપયોગમાં લેવાતા હોય તેવા શંકાસ્પદ બેન્ક ખાતાની માહિતી મળી હતી. જેમાં કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતેથી સાઇબર ક્રાઇમ સાથે સંકળાયેલા હોવાની શકયતા ધરાવતા અન્ય શંકાસ્પદ ખાતાની યાદી અપાઇ હતી. જેમાં પોરબંદરના એમ.જી. રોડ પર આવેલ કોટક મહિન્દ્રા બેન્કના ૧૪ જેટલા શંકાસ્પદ ખાતાની માહિતી સબ ઇન્સ્પેકટર ચાવડાને મળી હતી. 


ટ્રાન્ઝેકશન થયું હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી

જે ૧૪ શંકાસ્પદ ખાતાની પોલીસે પ્રાથમિક તપાસ કરતા તે પૈકી પાંચ જેટલા ખાતામાં અલગ અલગ રાજયમાં નોંધાયેલા સાયબર ક્રાઇમના ગુના દ્વારા છેતરપિંડીથી મેળવેલ રૂપિયાનું ટ્રાન્ઝેકશન થયું હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી હતી. જેમાં અલગ અલગ રાજ્યમાં નોંધાયેલા સાઇબર ક્રાઇમના ગુના દ્રારા છેતરપિંડીથી મેળવેલ ૩૫ લાખ ૭૦ હજાર આ ખાતામાં આવ્યા હોવાનું ખૂલ્યું હતું. 


૧૦ બેન્કખાતાનું એડ્રેસ એકસરખું જ સૂરજપેલેસ, ઝવેરી બંગલો, વીરસાવરકર માર્ગ હોવાનું ખૂલ્યું

વધુમાં ફરિયાદમાં જણાવાયું છે કે, કુલ સાત જેટલી ફરિયાદ જોતા અલગ અલગ રાજ્યના અલગ અલગ ભોગ બનાર વ્યકિત સાથે સાઇબર પોલીસ તરીકેની અને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરીટી તરીકેની ખોટી ઓળખ ઉભી કરી તથા વિવિધ ઓનલાઇન જોબ અને ઇન્વેસ્ટમેન્ટની લોભામણી જાહેરાતો કરી વિવિધ પ્રકારે સાઇબર ક્રાઇમ આચરી લોકોમાં ભય, લાલચ ઉભી કરી, ભોગ બનનારના એકાઉન્ટમાંથી આ પાંચ બેન્ક ખાતામાં ૩૫ લાખ ૭૦ હજારની રકમ ટ્રાન્સફર કરાવી હતી, આથી કોટક બેન્કના તમામ ૧૪ બેન્ક ખાતાની પોલીસે તપાસ કરતા અને તેમના કે.વાય.સી. અને બેન્કસ્ટેટમેન્ટ મેળવતા આ ૧૪ બેન્કખાતા ટૂંકાગાળામાં ખૂલ્યા હતા અને તેમાંથી ૧૦ બેન્કખાતાનું એડ્રેસ એકસરખું જ સૂરજપેલેસ, ઝવેરી બંગલો, વીરસાવરકર માર્ગ હોવાનું ખૂલ્યું હતુ.


બીજા લોકોના ડોકયુમેન્ટ અધૂરા હોવાથી બેન્ક શાખાએ આવવા કહ્યું હતું

પોલીસને ગરબડ ગોટાળો જણાતા તેમણે તાત્કાલિક તપાસ હાથ ધરીને કોટક મહિન્દ્રા બેન્કના પોરબંદર શાખાના ઓપરેશન મેનેજર ચેતનભાઇ લાધાભાઇ ખાણધર કે જેઓ યુબેલી મહારાજબાગ રોડ પર રહે છે તેમનું નિવેદન લીધું હતુ. તેમણે જણાવ્યું હતું કે, તા. ૨૮–૫–૨૪ના હિરલબા ભૂરાભાઇ જાડેજાએ તેમને ફોન કરી ઘરે બોલાવતા અમે બેંકના કર્મચારીઓ સાથે બંગલે પહોંચયા હતાં. ત્યાં આઠ–દસ જેટલા ગ્રાહકો હાજર હતા. જેમાં પાંચ લોકોના ડોકયુમેન્ટ બરાબર હતા. જેથી કુલ પાંચ વ્યકિતઓ કેવલ રામાભાઇ ઓડેદરા, હિતેશ ભીમાભાઇ ઓડેદરા, વિજય ભીમાભાઇ ઓડેદરા, પાર્થ સોંગેલા અને મોહનભાઇ વાજાના બચતખાતા ખોલ્યા હતા અને તમામ ગ્રાહકોના કોમ્યુનિકેશન એડ્રેસ હિરલબા જાડેજાના કહેવાથી સૂરજ પેલેસ દર્શાવેલ હતું અને બીજા લોકોના ડોકયુમેન્ટ અધૂરા હોવાથી બેન્ક શાખાએ આવવા કહ્યું હતું. 


બે ત્રણ દિવસ પછી ફરીથી ખાતા ખોલવાની કામગીરી થઈ 

ત્યારબાદ બે ત્રણ દિવસ પછી ફરીથી ખાતા ખોલવાની કામગીરી થઈ હતી. તા. ૩૦–૫–૨૪ થી તા. ૭–૬–૨૪ સુધીમાં વધુ નવ ખાતા અજય મનસુખ ચૌહાણ, કમલેશ ભકન દાસા, નિશાંત ગોવિંદભાઇ બઢ, વિનોદરાય વડેરા, બીપીન કારાવદરા, જયેશ ઢાંકેચા, કેશુભાઇ કડછા, વ્રજ મુકેશભાઇ ડાંગી અને ગોપાલ ભીખુભાઇ ઢાકેચાના ખાતા ખૂલ્યા હતા. 


હિરલબા જાડેજા અવારનવાર ફોન કરી પૂછપરછ કરતા

બેન્કના ૧૪ ખાતા ખોલાવ્યા બાદ હિરલબા જાડેજા અવારનવાર ફોન કરીને કેટલા ખાતા ખુલ્યા છે? તેમાં કેટલા રૂપિયા આવ્યા છે? તેની પુછપરછ કરતા અને તેમના માણસો કેસ વીથડ્રોલ માટે બેન્કે આવતા અને કેટલા એકાઉન્ટ ફ્રીઝ થયા છે અને શા માટે થયા છે? તેની પણ વિગત આપવામાં આવી હતી. આ પ્રકારે બેન્ક મેનેજરે નિવેદન પોલીસને આપ્યું હતું. 


બેન્ક એકાઉન્ટ બીજાનું, પૈસા ચેકથી હિરલબા ઉપાડતા

પોલીસે ખાતાધારકોની પૂછપરછ કરતા જયેશ ઢાકેચાએ એવુ કહ્યુ હતુ કે દસ મહિના  પહેલા હિરલબાના બંગલે ગયા હતા અને હિતેશ ઓડેદરાએ બેન્ક ખાતુ ખોલાવવા કહ્યુ હતુ. જયેશે જણાવ્યુ હતુ કે એક ખાતુ છે તો હિતેશે 'બીજુ ખાતુ હશે તો કામ આવશે અને તારું સીબીલ સુધરશે અને ભવિષ્યમાં લોનની જરૂર પડશે તો મળશે. તેમ જણાવીને બેન્ક ખાતુ ખોલાવ્યુ હતુ. ત્યારબાદ બેન્કમાં ટ્રાન્સફર થયેલી રકમ અને ચેકમાં સહી કરીને રૂપિયા તેઓએ ઉપાડી લીધા હતા. અન્ય ખાતા ધારક કમલેશ ભકન દાસાની પૂછપરછ કરતા તેણે એવુ જણાવ્યુ હતુ કે 'ભુરાભાઇ જાડેજા જીવતા હતા ત્યારે કમલેશનો નાનો ભાઇ કિશન સૂરજ પેલેસ ખાતે કામ કરવા માટે જતો હતો તેથી હિરલબા જાડેજાના ડ્રાઇવર રાજુએ મોબાઇલ નંબર લઇને ખાતુ ખોલાવવાનું કહ્યુ હતુ. ફરિયાદીએ 'ખાતુ ખોલાવવુ નથી' તેમ કહેતા હિરલબાએ કાગળો લઇને બંગલે આવવાનું કહયુ હતુ અને પાર્થ નામની વ્યકિતને મળીને બેન્કનો વહીવટ અને ખાતુ ખોલાવી નાખ્યા હતા અને કોરા ચેકમાં સહી કરાવીને બેન્કમાંથી રૂપિયા તેના માણસો ઉપાડી લેતા હતા. એકપણ રૂપિયો ખાતાધારક કમલેશ દાસાને આપ્યો નથી તેમ પણ જણાવ્યુ હતુ. 


પાંચ રાજ્યમાંથી સાત ખાતામાં ૩૫ લાખ ૭૦ હજારનું સાઇબર ફ્રોડનું થયું ટ્રાન્ઝેકશન

પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસમથકના  પી.એસ.આઇ. વી.આર. ચાવડાએ નોંધેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે અલગ–અલગ સાત ખાતામાં ૩૫ લાખ ૭૦ હજારનું ટ્રાન્ઝેકશન થયુ છે જેમાં કર્ણાટકમાં ફ્રોડની રકમ અનુક્રમે પાંચ લાખ, ૧૨ લાખ અને ૨ લાખ ૮૦ હજાર છેતરપીંડીથી મેળવ્યા છે તે ઉપરાંત ઉતરપ્રદેશના ૯ લાખ, આંધ્રપ્રદેશના ૧ લાખ, ગુજરાતના ૭૭ હજાર અને તમીલનાડુના ૪ લાખ ૮૦ હજાર મળી કુલ ૩૫ લાખ ૭૦ હજારનું ટ્રાન્ઝેકશન છેતરપીંડી દ્રારા મેળવેલા રૂપિયાનું બહાર આવ્યુ હતુ. 


હિરલબા છે જૂનાગઢ જેલમાં

હિરલબા જાડેજાએ ૭૦ લાખની ઉઘરાણી પ્રશ્ને ત્રણ લોકોના અપહરણ કરાવી તેમના બંગલે ગોંધી રાખી માર મારવાના ગુન્હામાં હિરલબા જાડેજાને રીમાન્ડ બાદ જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા છે યારે તેમના એ ગુન્હાના બે સાગરીતો પૈકી એક હિતેશ ભીમા ઓડેદરા સામે સાઇબર ક્રાઇમનો આ ગુન્હો પણ નોંધાયો હોવાથી હવે પોલીસ બંનેની ધરપકડ સહિતની આગળની કાર્યવાહી કરશે તેવુ જાણવા મળ્યુ છે.


કરોડો રૂપિયાના ડીજીટલ એરેસ્ટ સહિતના ગુનામાં થયું હતું ટ્રાન્ઝેકશન

પોરબંદરના જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપતા જણાવ્યુ હતુ કે અલગ–અલગ રાજ્યયમાં ડીજીટલ એરેસ્ટ કરીને કરોડો રૂપિયા પડાવવામાં આવ્યા છે જેમાં આ ખાતામાં પણ અમુક પૈસા જમા થતા હતા અને જ્યારે પૈસા જમા થાય તે જ દિવસે હિરલબાના મળતીયાઓ મારફતે એ રકમ ખાતામાંથી ઉપાડી લેવામા આવતી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News