રિલાયન્સ દ્વારા કોર્પોરેશને કરાયેલી ઓફરનો સૈદ્ધાંતિક સ્વીકાર કરાયો: સર્કલ પાસેની જગ્યા ટુંકી કરી વાહનો સારી રીતે ચાલી શકે તેવી વ્યવસ્થા કરવી જોઇએ: સુશોભન ઓછુ અને સુવિધામાં વધારો થાય તેવુ સર્કલ બનાવાય તો ઉપયોગી
જામનગર શહેરમાં છેલ્લા બે વર્ષથી વધુ સમયથી ટાઉનહોલ સર્કલની અવદશા જોવા મળી છે. દિનપ્રતિદિન સર્કલની દુર્દશા વધતી જાય છે, અસામાજિક તત્વોએ આ સર્કલને અડ્ડો બનાવીને સર્કલની દુર્દશા કરી નાખી છે ત્યારે આગામી સમયમાં રિલાયન્સ ઇન્ડ. દ્વારા આ સર્કલને ડેવલોપ કરવા માટેની દરખાસ્ત કરવામાં આવી છે જે તાજેતરમાં મળેલી સ્ટેન્ડીંગ કમીટીએ પાસ કરી દીધી છે. હવે આગામી દિવસોમાં આ જગ્યાએ નવુ સર્કલ આકાર લેશે પરંતુ ટ્રાફીક સમસ્યા ઘટાડવા સર્કલ પાસેનો થોડો ભાગ કાપી નાખીને વાહનો સારી રીતે ચાલી શકે તેવી વ્યવસ્થા કરવી જોઇએ તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે.
છેલ્લા કેટલાક સમયથી રિલાયન્સ દ્વારા આ ટાઉનહોલ સામેના ફુવારા વાળી જગ્યા ડેવલોપ કરવા માટે સતાધીશોને લેખિતમાં જણાવ્યું હતું. પરંતુ જયાં સુધી સ્ટેન્ડીંગ કમીટી નિર્ણય ન લે ત્યાં સુધી આ વાત આગળ વધી શકે નહિ. આખરે સ્ટેન્ડીંગ કમીટીએ ગઇકાલે રિલાયન્સની દરખાસ્ત મંજુર કરી દીધી છે પરંતુ હવે આ સર્કલ કેવી રીતે બનાવવામાં આવશે તે અંગે હજુ સુધી કોઇ સતાવાર માહિતી બહાર આવી નથી.
શહેર કેટલાક સ્થળો એવા છે કે ખોટેખોટા મોટા સર્કલ બનાવીને ટ્રાફીક સમસ્યા વધે તે રીતના આવા સર્કલો બનાવ્યા છે. તીનબતી પાસે પણ વળાંકમાં એક સર્કલ એવુ છે કે ત્યાં પણ ખોટી જગ્યા રોકે છે અને રોડ કપાતા વાહનચાલકોને મુશ્કેલી પડે છે. તે સમયના મ્યુ. કમિશનરના અણઘડ નિર્ણયના કારણે રામ ડેરી સામેના ભાગમાં આવેલ વળાંકમાં સર્કલને પણ ટુંકુ કરવુ જોઇએ.
હવે વાત રહી ટાઉનહોલ સર્કલની... અસામાજીક તત્વો માટે અડ્ડા જેવુ બની ગયેલુ આ સર્કલને ડેવલોપ કરવામાં આવશે ત્યારે શહેરની શોભામાં વધારો થશે. ફુવારા સર્કલની બાજુમાં જે જગ્યા આવેલ છે તે જગ્યા પહોળી કરીને ટ્રાફીક કરીને આ રસ્તો ખુલ્લો મુકાવો જોઇએ. અપના બજાર તરફથી આવતા વાહનો માટે વળાંક પાસેનો રસ્તો ખુબ જ નાનો છે જેનાથી વાહન ચાલકોને અવાર નવાર મુશ્કેલી થાય છે માટે વળાંક પાસેની વધારાની જગ્યા કાપીને આ સર્કલને ડેવલોપ કરવામાં આવે તો સુવિધા પણ વધશે અને સુશોભન પણ વધશે. ખાસ કરીને સુવિધામાં વધારો થાય અને સુશોભન થોડુ ઓછુ થાય તો પણ ચાલે.
ટાઉનહોલના સર્કલના રિલાયન્સે ડેવલોપ કરવાની વાત કરી છે તે ખુબ જ આવકારદાયક છે. મહાનગરપાલિકાને આ માટે કોઇ ખર્ચ થવાનો નથી. પરંતુ જયારે હવે નવુ સર્કલ બનવાનુ છે ત્યારે સર્કલ પાસેની જગ્યાનો સદઉપયોગ થાય અને ટ્રાફીક સમસ્યામાં ઘટાડો થાય તે રીતનો પ્લાન ઘડવો જોઇએ તેવું પણ લોકોમાં બોલાઇ રહ્યું છે. આગામી દિવસોમાં જયારે આ અંગેનો નકશો બને ત્યારે ઉપરોકત બાબત ઘ્યાનમાં રાખવી જોઇએ તેવુ લોકોનું કહેવુ છે.