56 પ્રકારની વાનગીથી શણગારાયો ભગવાન શ્રીકૃષ્ણનો થાળ, ભક્તોએ કર્યા દર્શન
દ્વારકાધીશ જગત મંદિરમાં ભગવાન કાળિયા ઠાકરના ભવ્ય છપ્પનભોગ મનોરથ દર્શનનું આયોજન કરવામાં આવ્યું. પુષ્ટિમાર્ગની પરંપરામાં આ ઉત્સવનું વિશેષ મહત્વ છે.
વારાદાર પૂજારી દેવ ઠાકરના જણાવ્યા મુજબ, ભગવાન દ્વારકાધીશને છપ્પન પ્રકારની વાનગીઓ ધરાવવામાં આવી. આમાં થાબડી, સાટ્ટા, વેશનના લાડવા, ગુલાબજાંબુ અને જલેબી જેવી મીઠાઈઓ સામેલ હતી.
મૈસૂબ, રબડી અને મોહનથાળ જેવી વાનગીઓ પણ અર્પણ કરવામાં આવી.ભોગમાં ફરસાણ, પુરી-શાક, ભાત-કઢી અને ઢોકળા જેવી વાનગીઓ પણ સામેલ હતી. લાપસી, અમૃત પાક અને મગજીયા સહિત ગ્રીષ્મકાળને અનુરૂપ વિવિધ વ્યંજનો પણ ભગવાનને ધરાવવામાં આવ્યા.
છપ્પનભોગના દર્શન માત્રથી ભક્તો આનંદવિભોર બની ગયા. આ પ્રસંગે મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. શ્રી દ્વારકાધીશના દર્શનથી ભક્તોને શાંતિની અનુભૂતિ થઈ. આ ઉત્સવ ભક્તોની શ્રદ્ધા અને પ્રેમનું પ્રતીક બની રહ્યો.