આતંકવાદ સામે ભારતનું મિશન! 'ઓપરેશન સિંદૂર' હેઠળ 33 દેશોમાં ગાજશે પાકિસ્તાનની કરતૂતો

  • May 18, 2025 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્ર સરકારે શનિવારે મોડી રાત્રે 59 સભ્યોના ડેલિગેશનની જાહેરાત કરી છે. આમાં 51 નેતાઓ અને 8 રાજદૂતોનો સમાવેશ થાય છે. એનડીએના 31 અને અન્ય 20 પક્ષોના સભ્યો છે, જેમાં કોંગ્રેસના 3 નેતાઓ પણ સામેલ છે.


આ ડેલિગેશન વિશ્વના મોટા દેશો, ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના સભ્ય દેશોની મુલાકાત લેશે. ત્યાં ઓપરેશન સિંદૂર અને પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ પર ભારતનું વલણ રજૂ કરશે. ડેલિગેશન ક્યારે રવાના થશે, તેની માહિતી હાલ સામે આવી નથી. જો કે, ડેલિગેશન 23 અથવા 24 મેના રોજ ભારતથી રવાના થવાની વાત કહેવામાં આવી રહી છે.


આ ડેલિગેશનને 7 જૂથોમાં વહેંચવામાં આવ્યું છે. દરેક જૂથમાં એક સાંસદને લીડર બનાવવામાં આવ્યો છે. દરેક જૂથમાં 8 થી 9 સભ્યો છે, જેમાં 6-7 સાંસદો, વરિષ્ઠ નેતાઓ (ભૂતપૂર્વ મંત્રીઓ) અને રાજદૂતોનો સમાવેશ થાય છે.


તમામ ડેલિગેશનમાં ઓછામાં ઓછો એક મુસ્લિમ પ્રતિનિધિ રાખવામાં આવ્યો છે, પછી ભલે તે રાજકારણી હોય કે રાજદૂત. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરને અમેરિકા સહિત 5 દેશોમાં જવા વાળા ડેલિગેશનની કમાન સોંપવામાં આવી છે.


જૂથ 1ની કમાન ભાજપના સાંસદ બૈજયંત પાંડા, જૂથ 2ની જવાબદારી ભાજપના રવિશંકર પ્રસાદ, જૂથ 3 જેડીયુના સંજય કુમાર ઝા, જૂથ 4 શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદે, જૂથ 5 શશિ થરૂર, જૂથ 6 ડીએમકેના સાંસદ કનિમોઝી અને જૂથ 7ની જવાબદારી એનસીપી-એસસીપીના સાંસદ સુપ્રિયા સુલેના હાથમાં છે.


કેન્દ્રીય સંસદીય મંત્રી કિરેન રિજિજુએ X પોસ્ટમાં લખ્યું- એક મિશન, એક સંદેશ, એક ભારત. 7 સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ ટૂંક સમયમાં ઓપરેશન સિંદૂર હેઠળ મુખ્ય દેશો સાથે મુલાકાત કરશે, જે આતંકવાદ સામે અમારા સામૂહિક સંકલ્પને દર્શાવે છે.


કોંગ્રેસના આપેલા 4 નામમાંથી માત્ર એકની પસંદગી
કોંગ્રેસે કેન્દ્રને 4 કોંગ્રેસી નેતાઓના નામ ડેલિગેશનમાં સામેલ કરવા માટે આપ્યા હતા. જેમાં આનંદ શર્મા, ગૌરવ ગોગોઈ, સૈયદ નાસિર હુસૈન અને અમરિન્દર સિંહ રાજા વારિંગના નામ હતા. કેન્દ્રએ માત્ર આનંદ શર્માને સામેલ કર્યા છે. સરકારના આ નિર્ણયની કોંગ્રેસે ટીકા કરી છે.


​​​​​​​કોંગ્રેસે કહ્યું- સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં પાર્ટી દ્વારા આપવામાં આવેલા 4 માંથી માત્ર એક નામ (નેતા)નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નરેન્દ્ર મોદી સરકારની સંપૂર્ણપણે નિષ્ઠાહીનતા સાબિત કરે છે અને ગંભીર રાષ્ટ્રીય મુદ્દાઓ પર તેના દ્વારા રમવામાં આવતા સસ્તા રાજકીય ખેલને દર્શાવે છે.

શનિવારે કોંગ્રેસના નેતા જયરામ રમેશે X પર લખ્યું હતું- શુક્રવારે (16 મે) સવારે સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે વાત કરી હતી. તેમણે વિદેશ મોકલવામાં આવનાર ડેલિગેશન માટે 4 સાંસદોના નામ માંગ્યા હતા. કોંગ્રેસે આનંદ શર્મા, ગૌરવ ગોગોઈ, ડો. સૈયદ નાસિર હુસૈન અને રાજા બરારના નામ આપ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application