જામનગર શહેરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા પ્રિ-મોન્સુન સફાઈ કામગીરી નો ગઈકાલથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં અને ચોમાસા દરમિયાન તંત્ર દ્વારા વરસાદી પાણીની આવક અને જાવકના માર્ગો ખુલ્લા કરવાની કામગીરી હાથ ધરી તમામ નદી નાળા કેનાલ વગેરે ને સાફ કરવામાં આવશે.
મનપા દ્વારા રૂ.૪૮ લાખના ખર્ચે દર વર્ષે પ્રિ-મોન્સુન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે છે. આ માટે મહાનગરપાલિકાનું તંત્ર શહેરના ૯ ભાગ પાડીને વિવિધ ટીમો મારફત કામગીરી કરે છે. તંત્ર દ્વારા આ વર્ષે દરેડ તરફથી આવતી અને રણમલ તળાવમાં પાણી ઠાલવતી કેનાલના પવનચક્કીથી સાધના કોલોની અને ત્યાંથી આગળના ખુલ્લા બચેલા ભાગમાં કેનાલની સફાઈ કરવામાં આવશે. આ જ રીતે રણમલ તળાવના આઉટલેટ એવા સુમેર ક્લબ પાછળથી નીકળતી અને ખોડીયાર કોલોની તરફ જતી કેનાલ, સોનલનગર પાછળથી કેવડી નદી તરફ જતી કેનાલ, બેડેશ્વર વિસ્તારમાંથી પસાર થતી અને દરિયામાં જતી કેનાલની સફાઈ થશે.
આ જ રીતે ગુલાબનગરના તાડીયા હનુમાનથી વિભાપર થઈને ગાંધીનગરના પાછળના ભાગ તરફ જતી કેનાલ, ભીમવાસ, સ્વામીનારાયણનગર, સ્મશાન પાસેની કેનાલ સહિતની કેનાલોની સફાઈ પણ કરવામાં આવશે.
તંત્ર દ્વારા મોહનનગર પાછળના વિસ્તારમાંથી લઈને નવનાલા બ્રિજ નીચેથી તાડીયા હનુમાન મંદિર પાસેના બેઠા પુલ સુધી ગાંડી વેલની સફાઈ અગાઉથીજ કરાવી રાખવામાં આવી છે. આ વેલનો ફેલાવો છેક વિભાપર સુધી હોવાથી વરસાદી પાણીના નિકાલ ભાગમાં મહત્તમ સફાઈ કામગીરી કરવામાં આવશે. જેથી ઉપરવાસના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા નહીં રહે.