દ્વારકાનો બનાવ
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વતની બચુભાઈ ધુળાભાઈ મોહણીયા નામના 25 વર્ષના આદિવાસી શ્રમિક યુવાનની છ વર્ષની માસુમ પુત્રી સોનલ મંગળવારે બપોરના સમયે દ્વારકા નજીકના સિધ્ધનાથ મહાદેવ મંદિર નજીકની એક બિલ્ડીંગના સાતમા માળેથી અકસ્માતે નીચે પડી જતા તેને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેના કારણે તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા બચુભાઈ ધુળાભાઈ આદિવાસીએ દ્વારકા પોલીસને કરી છે.
ઓખામાં અજાણ્યા યુવાનનું અપમૃત્યુ
ઓખામાં વિરમ આશા ઓફિસની પાછળના ગોડાઉન વિસ્તારમાંથી ગઈકાલે બુધવારે સાંજના સમયે એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આશરે 35 થી 40 વર્ષની ઉંમરના આ યુવાનનું હૃદયરોગના હુમલાના કારણે અથવા કુદરતી રીતે કે કોઈ અન્ય કારણોસર મૃત્યુ થયું હોવા અંગેની નોંધ ઓખા નગરપાલિકાના કર્મચારી હિતેશભાઈ બારીયા (ઉ.વ. 46) દ્વારા ઓખા મરીન પોલીસમાં કરાવાઇ છે. જે અંગે પોલીસે હાલ અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાર્યવાહી કરીને મૃતકના વાલી-વારસની શોધખોળ હાથ ધરી છે.
હોસ્પિટલે લઈ જવાતા વૃદ્ધાનું બાઈક પરથી પડી જતા મૃત્યુ
ખંભાળિયા તાલુકાના કાકાભાઈ સિંહણ ગામની સીમમાં રહેતા નાથીબેન પુંજાભાઈ સરસિયા નામના 70 વર્ષના વૃદ્ધાને અચાનક છાતીમાં દુખાવો ઉપાડતા તેમને મોટરસાયકલ પર બેસાડી અને ખંભાળિયાની હોસ્પિટલમાં લઇ જવામાં આવતા હતા. તે દરમિયાન તેમને એકાએક આંચકો આવતા નાથીબેન મોટરસાયકલ પરથી અકસ્માતે પડી ગયા હતા અને તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ તથા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ સોમાભાઈ લખુભાઈ સરસિયા (ઉ.વ. 23) એ ખંભાળિયા પોલીસને કરી છે.