ભારત-પાકિસ્તાન વચ્ચે સરહદે યુઘ્ધના પગલે તંગદીલી વધતાં દ્વારકા જગતમંદિરમાં રાઉન્ડ ધી કલોક સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે, મંદિરના ખુણેખુણાનું બોમ્બ સ્કવોડ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે, યાત્રાળુઓની પણ તપાસ કરવામાં આવી રહી છે, યુઘ્ધની આફતની સ્થિતિને અનુલક્ષીને યાત્રાધામમાં સુરક્ષા વઘુ સઘન બનાવાઇ છે, અત્રે નોંધનીય છે કે, ૧૯૭૧ના યુઘ્ધમાં જગતમંદિર પર પાકિસ્તાનના હુમલા નિષ્ફળ રહ્યા હતાં.
યાત્રાધામ દ્વારકામાં આવેલું જગતમંદિર સપ્તપુરીમાની એક પુરી તથા દ્વારકા ચારધામ પૈકીનું એક યાત્રાધામ હોવાથી દરરોજ હજારોની સંખ્યામાં ભકતો આવે છે, વળી દેવભુમિ દ્વારકા જિલ્લો સુરક્ષાની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ હોય ભારત-પાકિસ્તાન વચ્ચે હાલમાં ચાલી રહેલી તંગદીલીને અનુલક્ષીને યાત્રાધામમાં સુરક્ષા-વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે,
ખાસ કરીને હાલની સ્થિતિને અનુલક્ષીને જગતમંદિરમાં રાઉન્ડ ધી કલોક સુરક્ષા જવાનો તૈૈનાત કરાયા છે, આટલું જ નહીં મંદિરના ખુણેખુણાનું દરરોજ સઘન ચેકીંગ બોમ્બ સ્કવોડ દ્વારા કરવામાં આવી રહ્યું છે, આ સાથે મંદિરે આવતા યાત્રાળુઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.
૧૯૭૧માં થયેલા ભારત-પાકિસ્તાનના યુઘ્ધમાં પાકિસ્તાની નેવી દ્વારા જગતમંદિર પર કરવામાં આવેલા હુમલાઓ નિષ્ફળ રહ્યા હતાં, આથી વર્તમાન યુઘ્ધની પરિસ્થિતિને અનુલક્ષીને યાત્રાધામની સાથે જગતમંદિરની સુરક્ષા વધારી ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હોટલો અને રેસ્ટોરન્ટોનું પણ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. દરિયા કિનારે અને કાઠાળ વિસ્તારના ગામડાઓમાં સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું છે. હાલની તંગદીલીને અનુલક્ષીને દેવભુમિ દ્વારકા જિલ્લામાં રહેતા નાગરીકો દ્વારા સ્વયં શિસ્ત દાખવવામાં આવી રહી છે.
કાઠાળ વિસ્તારોમાં એમટીએફ કમાન્ડો તૈનાત, શકમંદ લોકો પર વોચ રાખવામાં આવી રહી છે : જિલ્લા પોલીસવડા
ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદીલીને સ્થિતિને અનુલક્ષીને દ્વારકા જિલ્લામાં સુરક્ષા-વ્યવસ્થા અંગે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયએ જણાવ્યું હતું કે, દ્વારકા જિલ્લાના કાઠાળ વિસ્તારોમાં સુરક્ષા જવાનોની સાથે એમટીએફ કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે, શકમંદ શખસો પર વોચ રાખવામાં આવી રહી છે, પેટ્રોલીંગ પણ વધારવામાં આવ્યું છે, ખાસ કરીને જગતમંદિરની સુરક્ષા માટે ખાસ ટીમની રચના કરાઇ છે, તમામ પોઇન્ટ પર સુરક્ષા કર્મીઓ તૈનાત કરાયા છે અને સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
આવશ્યક ચીજવસ્તુઓની સંગ્રહખોરી ન કરવા અને ખોટી અફવાથી દુર રહેવા નાગરીકોને અનુરોધ
ભારત-પાકિસ્તાન વચ્ચેની તંગદીલીને સ્થિતિને અનુલક્ષીને દેવભુમિ દ્વારકા જિલ્લામાં નાગરીકોને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો સરળતાથી મળી રહે તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને ૩૮ આવશ્યક ચીજવસ્તુના ભાવનું સતત નિયંત્રણ અને નિરીક્ષક કરવામાં આવી રહ્યું છે, આથી વેપારીઓ તથા લોકોને આવશ્યક ચીજવસ્તુઓની સંગ્રહખોરી ન કરવા અને કોઇપણ પ્રકારની અફવાથી દુર રહેવા જિલ્લા વહિવટી તંત્રએ નાગરીકોને અનુરોધ કર્યો છે.