રાજકોટ પોલીસની વર્ક પેર્ટન કાયદેસર કે ગેરકાયદે?

  • May 04, 2024 02:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેર પોલીસ સમયાંતરે કોઈને કોઈ કારનામાઓમાં વગોવાતી રહી છે. પહેલા અંગત હિતો, આર્થિક કૌભાંડોના આક્ષેપોમાં રાજકોટ પોલીસને દાગ લાગ્યા, હવે જાણે વર્ક પેટર્ન ચેન્જ થઈ હોય અને ન્યાયતત્રં ન્યાય તોળે એ પૂર્વે પોલીસ જ દંડાના કે કાંડાના જોર અથવા બેદરકાર બનીને લોકોના જીવ જાય ત્યાં સુધી વર્તી રહી હોય તેમ માત્ર પખવાડિયાના સમયમાં જ પોલીસ કસ્ટડીમાં ઉપરા છાપરી બનેલી મોતની ઘટનાઓ ચર્ચાનું કેન્દ્ર બની છે. ઉચ્ચ અધિકારીઓનો પોલીસ પર અંકુશ નથી રહ્યો કે પછી સ્ટાફ, નીચલા અધિકારીઓ પરનો અતિ વિશ્ર્વાસ વહાણ ડૂબાડી રહ્યા જેવું છે?

રાજકોટ શહેર માલવિયાનગર પોલીસ મથકની ગત તા.૧૪ની ઘટનામાં પાડોશીના ઝઘડામાં ગયેલી પોલીસ ગોપાલ ઉર્ફે હમીર દેવજીભાઈ રાઠોડને રાજુ ભગવાનજીભાઈ સોલંકી સહિતનાને પોલીસ મથકે લઈ આવે ત્યાં માર મારવામાં આવે સારવાર દરમિયાન બીજા દિવસે ગોપાલનું મૃત્યુ નિપજે છે. જે બનાવમાં પોલીસ સામે હત્યાનો ગુનો નોંધાય અને એક આરોપી તરીકે એએસઆઈ અશ્ર્વિન કાનગડની ધરપકડ થાય બે દિવસના રિમાન્ડ મેળવાય ત્યાં જ બીજા એક યુવક રાજેશ સોલંકીનું મૃત્યુ નિપજે છે.
બીજા યુવક રાજેશના મૃત્યુની ઘટનામાં પોલીસ પર માત્ર આક્ષેપો સુધી મામલો બની રહે છે માટે ઓનપેપર એક યુવક ગોપાલ ઉર્ફે હમીરનું જ પોલીસ કસ્ટડીમાં માર મારતા મોત નીપજયાનું બહાર આવ્યું છે. એ ઘટનાની સાહી સૂકાઈ નથી ત્યાં બે દિવસ પૂર્વે ગત તા.૨ના રોજ પોલીસ કમિશનરને સંબોધીને આનદં અમરશીભાઈ સિતાપરા નામના યુવકે લેખિત ફરિયાદ અરજી કરી છે. જેમાં તેના પિતા અમરશીભાઈને ગત તા.૧૨ના રોજ કુવાડવા પોલીસ ગૌરીદડ ખાતેથી પોલીસ વાનમાં ઉઠાવી ગઈ હતી.
આધેડ અમરશીભાઈની ત્યારબાદ બેડી ચોકડી પાસેથી ઈજાગ્રસ્ત અર્ધબેભાન હાલતમાં મળી આવ્યા હતા. સારવાર દરમિયાન તેઓએ માર માર્યાનું રટણ કયુ હતું. પાંચ દિવસની સારવાર અંતે તા.૧૮ના રોજ અમરશીભાઈ મૃત્યુ પામે છે. પુત્ર આનંદના એવા આક્ષેપ છે કે, સારવાર દરમિયાન કુવાડવા પોલીસે તેના પિતાનું વિસ્તૃત નિવેદન ન લીધું કે સાચી વાત કાને ધરી નહતી. પીએમ રિપોર્ટમાં અમરશીભાઈનું શારીરિક ઈજાઓ થતાં મોત થયાનું જણાવાયું છે. જેના પરથી પોલીસ લઈ ગયા બાદ ઈજાગ્રસ્ત હાલતમાં મળતા પોલીસના મારથી મોત થયાના આક્ષેપ કરાયા છે.

માલવિયાનગર પોલીસ ત્યારબાદ કુવાડવા રોડ પોલીસ સામે પોલીસ કસ્ટોડિયલ ડેથના માછલા ધોવાયા છે. ત્યાંતો ફરી યુનિવર્સિટી પોલીસ મથકમાં જ ગઈકાલે આવી વધુ એક ઘટના બની છે. પોલીસ પણ હવે અંશમંજશમાં હશે કે આ ઘટનાને કસ્ટોડિયૂલ ડેથ કહેવું કે અન્ય પોલીસની મદદ કરવા જતાં બદનામીમાં આવ્યાનું ગણવું? કાયદાની પ્રક્રિયા મુજબ તો બન્ને પુખ્ત હતા કોઈ ગુનો ન હતો. ગુમની માત્ર નખત્રાણા પોલીસમાં નોંધ હતી તો બન્નેને કયાં ગ્રાઉન્ડ પર પોલીસ મથકે બેસાડી રખાયા હતા?
નખત્રાણા પોલીસમાં ગુમ સુધ્ધાની નોંધ હતી તેની જાહેરાતને ધ્યાને લઈને નખત્રાણાના વીરાણી ગામના એ પ્રેમીયુગલ પુજા ભદરૂ અને વિનોદ સતવારાને યુનિવર્સિટી પોલીસ મથકે લાવીને બેસાડી દેવાયા હશે. પણ આવું કર્યા બાદ બન્ને સાથે ભાગ્યા છે તો કયાંક પોલીસ, પરિવાર કે સમાજના ડરે કોઈ અજુગતુ પગલું ભરી ન લે એવું વિચાર્યા વિના કે ગંભીરતા રાખ્યા વિના બન્નેને એકલા એક રૂમમાં જયાં પોલીસનો પણ કોઈ પહેરો ન હતો કે હાજરી ન હતી અને એકલા બેસવા દેવાની છૂટ આપી દેવાઈ અને પોલીસ મથક અંદર જ વધુ એક આત્મઘાતી ઘટના બની.તાજેતરમાં ભકિતનગર પોલીસ મથકમાંથી પણ એક આરોપી પહેલા માળેથી નીચે પટકાયો સહિતની ઘટનાઓ માત્ર પખવાડિયાના અંતરની જ રહી છે. અગાઉ પણ પોલીસ મથકોમાંથી આરોપીઓ ભાગી જવા જેવું બન્યુું રહેતું. પણ હવે પોલીસ કસ્ટડીમાં મોત સુધીના બનાવો બનવા લાગતા પોલીસની વર્ક પેટર્ન ચેન્જ થઈ કે પછી કોઈને કોઈ અરજી, ફરિયાદ કે કયારેક તો કોલમાં પહોંચીને પોલીસ જ કાયદો હાથમાં લઈ લે છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ અતિ વિશ્ર્વાસ કે વધુ પડતી છૂટ પર કંટ્રોલ કરવો પડશે નહીં તો આવી ઘટનાઓ એક પછી એક બનવા લાગશે તો પોલીસને બદનામી મળશે અને પ્રજામાં પોલીસની આ રીતે કામ કરવાની પધ્ધતિ કોઈ ગુનાખોરી જેવી હોવાની છાપ ઉભી થયા વગર રહેશે નહીં.


જવાબદાર કોણ? કે એક બીજા પર ખો અને આખરે નાનો કર્મચારી દંડાય!
પોલીસ મથકો પર નજર રાખવાની પહેલી કે મુખ્ય જવાબદારી જે તે થાણા ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટરની બની રહે તેના પર એસીપીનું સુપરવિઝન હોય છે. જયારે ઝોનવાઈઝ તેમના પર ડીસીપી હોય છે. મુખ્ય ત્રણ અધિકારીઓનો પોલીસ મથકોની કાયદો વ્યવસ્થા વર્ક પેટર્ન પર મદાર બંધાયેલો રહેતો હોય છે. ત્રણેયમાં સૌથી મહત્વનો પોલીસ ઈન્સ્પેકટરનો બની રહે છે. રાજકોટ સિટીની વર્ક સ્ટાઈલના ચેન્જચમાં શું અધિકારીઓની પક્કડ ઢીલી પડી રહી છે? હોતા હે ચલતા હે જેવું છે કે, પછી લાખ કહો, દડં કરો, સજા કરો છતાં સ્ટાફ કંટ્રોલમાં રહેતો નથી? કયારેક ઓને ઓન કે ઉતાવળે કામ કરવા કરાવવા જતાં નીચલો અધિકારી, સ્ટાફ જ દોષી ઠરે છે. ઠીકરૂ છેલ્લ ે જે કામ કરવામાં ડાયરેકટ ઈન્વોલ્વ હોય તેના પર જ ફટ છે, દંડાય છે એ પણ એક નરી વાસ્તવિકતા જેવું છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application