રાજકોટમાં રાત્રે તોફાની પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે પોણો ઇંચ વરસાદ ખાબક્યો, જુઓ તસવીરો

  • May 06, 2025 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ગતરાત્રે તોફાની પવન અને ગાજવીજ સાથે માવઠું વરસતા શહેરમાં પોણો ઇંચ પાણી વરસી ગયું હતું અને બે સ્થળે વૃક્ષ ધરાશાયી થયા હતા. દરમિયાન હજુ પણ વરસાદની આગાહી હોય ફાયર બ્રિગેડ વિભાગને એલર્ટ મોડમાં છે.


રાજકોટ શહેરમાં ગત રાત્રે ૧૬ મીમી વરસાદ નોંધાયો હતો

રાજકોટ મહાપાલિકાના ફાયર બ્રિગેડ કન્ટ્રોલ રૂમના સૂત્રોના જણાવ્યા અનુસાર ગત રાત્રે સેન્ટ્રલ ઝોનમાં બે મીમી, વેસ્ટ ઝોનમાં ૧૨ મીમી અને ઇસ્ટ ઝોનમાં ૧૨.૧ મીમી વરસાદ નોંધાયો હતો. દરમિયાન હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં ગત રાત્રે ૧૬ મીમી વરસાદ નોંધાયો હતો.પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ માવઠાનો વરસાદ હોય કે ચોમાસાનો સીઝનલ વરસાદ હોય ફાયર બ્રિગેડ અને હવામાન વિભાગના વરસાદના આંકડામાં રાબેતા મુજબ તફાવત જોવા મળ્યો હતો.


મીની વાવાઝોડા જેવો તોફાની પવન ફૂંકાયો

જ્યારે મ્યુનિ.ગાર્ડન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગતરાત્રે મીની વાવાઝોડા જેવો તોફાની પવન ફૂંકાતા શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયાની તેમજ વૃક્ષો નમી ગયાની ફરિયાદો મળી હતી જેમાં વોર્ડ નં.૨માં રેસકોર્સ રિંગ રોડ ઉપર એરપોર્ટ રોડના છેડે આવેલી જનતા જનાર્દન સોસાયટીમાં કમલ મકાન પાસેનું વૃક્ષ ધરાશાયી થયું હતું. તદઉપરાંત વોર્ડ નં.૧૧માં નાના મવા સર્કલ નજીક ગોવિંદ રત્ન બંગલોની શેરીમાં આવેલા મિલેનિયમ ગ્લોરિયા બિલ્ડીંગ નજીક વૃક્ષ ધરાશાયી થયું હતું.


પ્રિ- મોન્સૂન કામગીરીના ભાગરૂપે હોર્ડિંગ બોર્ડનું ચેકિંગ શરૂ કરાશે

દરમિયાન મ્યુનિ.એસ્ટેટ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ગત રાત્રે માવઠા દરમિયાન અમદાવાદ તેમજ વડોદરા શહેરમાં હોર્ડિંગ બોર્ડ ધરાશાયી થવાની ઘટના બની હોય અગમચેતી દાખવી રાજકોટ શહેરમાં આજથી જ પ્રિ- મોન્સૂન કામગીરીના ભાગરૂપે હોર્ડિંગ બોર્ડનું ચેકિંગ શરૂ કરવામાં આવશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application