ટ્રેનોમાં મુસાફરોની સમસ્યા ઉકેલવા સર્વિસ કેપ્ટનની નિમણૂક કરાશે

March 5, 2018 at 10:41 am


ટ્રેનમાં મુસાફરી કરનાર યાત્રીઓને થતી તકલીફોનું માટે હવે એક સરળ ઉપાય હશે. હવે માત્ર એક જ વ્યક્તિ તેનું સમાધન કરશે. સર્વિસ કેપ્ટનના નામે ઓળખાતી વ્યક્તિને રેલવે દ્વારા નિયુક્ત કરવામાં આવશે. ગત વર્ષે ડિસેમ્બરમાં રેલવે મંત્રી પીયૂષ ગોયલે ઝોનલ હેડ્સની સાથે મીટિંગ કરી હતી ત્યારે રેલવે કમિટિ પાસે અભિપ્રાયો માંગ્યા હતા. રેલવે કમિટિ દ્વારા સર્વિસ કેપ્ટન રાખવા સહિત અન્ય અભિપ્રાયો રેલવે બોર્ડને આપ્યા હતા.
રેલવે કમિટિએ પોતાના રિપોર્ટમાં અભિપ્રાયો આપ્યા છે કે, સર્વિસ કેપ્ટનને અલગ પ્રકારનો યુનિફોર્મ આપવામાં આવશે. જેના કારણે મુસાફરો તેની સરળતાથી ઓળખ કરી શકશે. તેને હેન્ડ ટૂલ અને ટૂલ કિટ પણ આપવામાં આવશે. તેમજ તેને તમામ કાર્યની યોગ્ય ટ્રેનિંગ પણ આપવામાં આવશે.
રેલવે કમિટિએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે, રેલવે મુસાફરોને મુસાફરી દરમિયાન ઘણી સેવાઓ આપવામાં આવે છે. જેના માટે હાલમાં દરેક સર્વિસ માટે અલગ અલગ વ્યક્તિનો સંપર્ક કરવો પડે છે. પરંતુ ટ્રેનમાં જો એક ઇન્ચાર્જ હશે તો મુસાફરોને પણ સરળતા રહેશે. સિંગ્લ સુપરવાઇઝર ટ્રેનમાં મળતી તમામ સુવિધાઓને જાતે જ કો-ઓર્ડિનેટ કરશે. જેથી તમામ સમસ્યાનું હલ એક જ વિન્ડો પર મળી જશે.

સર્વિસ કેપ્ટન મુસાફરી દરમિયાન સામાન ખોવાય જવો, સીટ, બારી, દરવાજાની તકલીફો અથવા કોચમાં વાંદા, ઉંદર હોવા અંગેની ફરિયાદોનો ઉકેલ લાવશે. તેમજ ટ્રેનની સાફ સફાઇનું નિરક્ષણ કરવાની જવાબદારી પણ તેની જ રહેશે. તે તમામ ઓપરેશન ટીમ સાથે કો-ઓડિનેટ કરી સમસ્યાનો ઉકેલ લાવશે. રેલવે કમિટિ અનુસાર સર્વિસ કેપ્ટન તમામ મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં રાખવામાં આવશે. હાલમાં રેલવે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ 4 ઝોનમાં 10 ટ્રેનોમાં સર્વિસ કેપ્ટન નિયુક્ત કરશે. જો કે મુસાફરોને આ સુવિધા રેલવે બોર્ડની મંજૂરી પછી જ મળશે.

Comments

comments

VOTING POLL