ખંભાળીયામાં ટ્રકના ફિટનેસ સર્ટી માટે લાંચ લેતા ટેસ્ટીંગ સેન્ટરના બે કર્મી પકડાયા
ખંભાળીયામાં ટ્રકના ફિટનેસ સર્ટી માટે લાંચ લેતા ટેસ્ટીંગ સેન્ટરના બે કર્મી પકડાયા
October 01, 2026 04:00 PM
ખંભાળીયામાં ટ્રકના ફિટનેસ સર્ટી માટે લાંચ લેતા ટેસ્ટીંગ સેન્ટરના બે કર્મી પકડાયા
ખાનગી એજન્સી એમ.જે.એન્ટરપ્રાઇઝના બે શખ્સ ૨૧૨૦ની લાંચ લેતા એસીબી ત્રાટકી
એક જાગૃત નાગરિકને પોતાના ટ્રકનું ફિટનેસ (પાસિંગ) સર્ટીફિકેટ કઢાવવું હતું. આ માટે એમ.જે. એન્ટરપ્રાઇઝ ફિટનેસ સેન્ટર ખાતે મેન્યુઅલી ગાડી ચેકિંગનું કામ સંભાળતા ખીમાભાઇ રાયસુરભાઇ ધારાણી (ઉં.વ. ૩૩, રહે. સંજયનગર, ખંભાળીયા) દ્વારા નિયત ફી ઉપરાંત રૂ. ૨૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરવામાં આવી હતી. તેમજ વાહનનું પાસિંગ કરાવવા આવે ત્યારે ફી સહિત કુલ રૂ. ૩૫૦૦/- ચૂકવવા જણાવાયું હતું.
ફરિયાદી આ લાંચની રકમ ચૂકવવા માંગતા ન હોવાથી તેમણે સમગ્ર મામલે લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (એસીબી)નો સંપર્ક કરી વિધિવત ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે એસીબીની ટીમ દ્વારા ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ એમ.જે. એન્ટરપ્રાઇઝ ઓટોમેટેડ વ્હીકલ ટેસ્ટીંગ સેન્ટર ખાતે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.
ટ્રેપ દરમિયાન આરોપીઓએ ફરિયાદી પાસેથી સરકારી ફી ના રૂ. ૧૩૮૦/- તથા વધારાની લાંચ પેટે રૂ. ૨૧૨૦/- મળી કુલ રૂ. ૩૫૦૦/- સ્વીકાર્યા હતા. સેન્ટર ખાતે લાઇન ઓપરેટર તરીકે ફરજ બજાવતા કુલદિપસિંહ મહિપતસિંહ વાઢેર (ઉં.વ. ૧૯, રહે. સોડસલા ગામ, તા. ખંભાળીયા) તેમજ ખીમાભાઇ ધારાણી બંનેએ એકબીજાની મદદગારી કરીને લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે ત્રાટકીને તેમને રૂ. ૨૧૨૦/- ની લાંચની રકમ સાથે ઝડપી લીધા હતા.
આ સમગ્ર સફળ ટ્રેપ દેવભૂમિ દ્વારકા એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આઇ. મંધરા તથા જામનગર એસીબી સ્ટાફ દ્વારા પાર પાડવામાં આવી હતી. એસીબી દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.