BREAKING NEWS

હાલારની સરકારી પ્રા.શાળાઓમાં વધુ એક પ્રયોગ, કર્મીઓને ખાનગી અહેવાલ ઓનલાઇન ભરવાનો રહેશે

  • October 03, 2026 02:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલારની સરકારી પ્રા.શાળાઓમાં વધુ એક પ્રયોગ, કર્મીઓને ખાનગી અહેવાલ ઓનલાઇન ભરવાનો રહેશે

પરિપત્ર: પ્રાથમિક શાળાઓના મોટાભાગના કર્મચારીઓ ઓફલાઇન સીઆર રિપોર્ટ ભરતા ન હોય ત્યારે ઓનલાઇન ભરશે કે કેમ તે સળગતો સવાલ 

ત્રણેય ભાગમાં ક્રમશ: અહેવાલ ઓનલાઇન સબમીટ અથવા સમયમર્યાદા પૂર્ણ થયા બાદ કોઇ માહીતી ઉમેરી કે સુધારા-વધારા કરી શકાશે નહીં 

હાલાર સહીત રાજયભરની સરકારી પ્રાથમિક શાળાઓમાં વધુ એક પ્રયોગ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. કારણ કે, કર્મીઓએ હવે ખાનગી અહેવાલ એટલે કે સીઆર રીપોર્ટ ઓનલાઇન ભરવાનો રહેશે. પરંતુ પ્રાથમિક શાળાઓના મોટાભાગના કર્મચારીઓ ઓફલાઇન સીઆર રિપોર્ટ ભરતા ન હોય ત્યારે ઓનલાઇન ભરશે કે કેમ તે સળગતો સવાલ ઉઠયો છે. ત્રણેય ભાગમાં ક્રમશ: અહેવાલ ઓનલાઇન સબમીટ અથવા સમયમર્યાદા પૂર્ણ થયા બાદ કોઇ માહીતી ઉમેરી કે સુધારા-વધારા કરી શકાશે નહીં તેમ પરિપત્રમાં જણાવાયું છે.

રાજયના પ્રાથમિક શિક્ષણ વિભાગના નાયબ શિક્ષણ નિયામકે જામનગર સહીત તમામ જિલ્લાના શિક્ષણાધિકારી, શાસનાધિકારી સહીતના અધિકારીઓને પ્રાથમિક શાળાઓના કર્મચારીઓના વાર્ષિક ખાનગી અહેવાલ પ્રક્રીયા ઓનલાઇન કરવા અંગે તા.૩૦ સપ્ટેમ્બરના પરિપત્ર પાઠવ્યો છે. જેમાં જણાવ્યાનુસાર સરકારી પ્રાથમિક શાળાઓમાં વિધાસહાયક, પ્રાથમિક શિક્ષક અને મુખ્ય શિક્ષક જેવા શૈક્ષણીક સંવર્ગના કર્મચારીઓ તથા સમગ્ર શિક્ષા ખાતે પ્રતિનિયુકિત હેઠળ સીઆરસી અને બીઆરસી,યુઆરસી કો ઓર્ડીનેટર તરીકે પ્રાથમિક શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. આ તમામ શૈક્ષણીક કર્મચારીઓના વાર્ષિક ખાનગી અહેવાલ હાલ ઓફલાઇન ભરવામાં આવે છે. આથી આ ખાનગી અહેવાલની જાળવણી કરવી મુશ્કેલ બને છે. તદઉપરાંત જિલ્લા ફેરબદલી થતાં ખાનગી અહેવાલની અદલા-બદલી પ્રક્રીયા જટીલ બની જાય છે. આ કારણે પ્રાથમિક અને મુખ્ય શિક્ષકોના ઉચ્ચતર પગારધોરણ મંજૂર કરવામાં વિલંબ થાય છે. જિલ્લાફેર બદલી સમયે પણ ખાનગી અહેવાલ મળવામાં વિલંબ થાય છે. સાથે સાથે ખાનગી અહેવાલમાં વિશિષ્ટ કામગીરીની નોંધ રાખવામાં  કે સેવાપોથીમાં તેની વિગતોની નોંધ અધતન રાખવામાં પણ મુશ્કેલી પડે છેે. આ સમસ્યાના નિવારણ માટે રાજય સરકારના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓના (પંચાયત સેવા સહીત) વાર્ષિક ખાનગી અહેવાલ કર્મયોગી પોર્ટલ ઉપર ઓનલાઇન  રીતે ભરવામાં આવે છે.

આ રીતે તમામ શૈક્ષણીક સંવર્ગના કર્મચારીઓના વાર્ષિક ખાનગી અહેવાલ સમગ્ર શિક્ષાના શિક્ષક પોર્ટલ પર ઓનલાઇન ભરવામાં આવે અને તેની ઓનલાઇન સમીક્ષા થાય તે માટે શિક્ષણ વિભાગની મંજૂરી મુજબ સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા વિધા સહાયક, પ્રાથમિક અને મુખ્ય શિક્ષક તથા સીઆરસી, બીઆરસી, યુઆરસી કોઓર્ડીનેટરોએ વર્ષ ૨૦૨૫-૨૬ના વાર્ષિક અહેવાલ લખવાની અને સમીક્ષા કરવાની પ્રક્રીયા ઓનલાઇન પોર્ટલ પર કરવાનું નકકી કરવામાં આવ્યું છે. આથી ઉપરોકત સરકારી પ્રાથમિક શાળાઓના કર્મચારીઓ વાર્ષિક ખાનગી અહેવાલ નિયત સમયમર્યાદામાં ઓનલાઇન ભરી આપે તે સુનિશ્ર્ચીત કરવા તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, શાસનાધિકારીઓ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને તાકીદ કરી છે. પરિપત્રમાં જણાવ્યાનુસાર ખાનગી અહેવાલના પ્રાથમિક માહીતી, મૂલ્યાંકન અને સમીક્ષા એમ ત્રણ ભાગમાં અહેવાલ લખવાની કામગીરી પૂર્ણ કરીને ત્રણેય ભાગ ક્રમશ: રીતે ઓનલાઇન સબમીટ કર્યા બાદ અથવા સમયમર્યાદા પૂર્ણ થતા કોઇપણ  ભાગની માહીતી ભરી શકાશે નહી કે સુધારા વધારા થઇ શકશે નહીં. 

પોર્ટલમાં ધાંધિયાના કારણે ખાનગી અહેવાલ નહીં ભરાય તો જવાબદાર કોણ?
રાજયના પ્રાથમિક શિક્ષણ વિભાગના નાયબ શિક્ષણ નિયામકે સરકારી પ્રાથમિક  શાળાઓના કર્મચારીઓને ઓનલાઇન વાર્ષિક ખાનગી અહેવાલ ભરવા માટે પરિપત્ર કર્યો છે. ત્યારે જે પોર્ટલ પર અહેવાલ ઓનલાઇન ભરવાનો છે તેમાં કોઇ કારણોસર ક્ષતિ કે ઘાંધિયા થયા અને નિયત સમયમર્યાદામાં અહેવાલ ન ભરી શકાય તો જવાબદાર કોણ તે સળગતો સવાલ સરકારી પ્રાથમિક શાળાઓના કર્મચારીઓમાં ઉઠયો છે.

ઓનલાઇન કામગીરીથી કથળી રહેલા શિક્ષણમાં જટીલ પ્રક્રીયામાં વધારો:
રાજયમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ ઓનલાઇન કામગીરીમાં ગુંચવાયેલું છે. કારણ કે, શિક્ષકો અને આચાર્યો પર ઓનલાઇન કામગીરીનું શિક્ષણ કરતા વધુ ભારણ છે. આ કપરી સ્થિતિથી શિક્ષણ દીનપ્રતિદીન કથળી રહ્યું છે. આ સ્થિતિમાં વાર્ષિક ખાનગી અહેવાલ ઓનલાઇન ભરવાના પરિપત્રથી જટીલ પ્રક્રીયામાં વધારો થતા સરકારી શાળાઓમાં શિક્ષણને માઠી અસર થશે તેમ તજજ્ઞોએ જણાવ્યું છે.

ઓનલાઇન સીઆર રીપોર્ટ માટે ૩૦ નવેમ્બર સુધીની મુદત: 
સરકારી પ્રાથમિક શાળાના વિધાસહાયક, પ્રાથમિક શિક્ષક, મુખ્ય શિક્ષક હાલના ખાનગી અહેવાલના નમૂના મુજબ વર્ષ ૨૦૨૫-૨૬ માટે સુધીના ખાનગી અહેવાલ ભરવા માટે ૩૦ નવેમ્બર સુધીની મુદત આપવામાં આવી છે. જેમાં ૧૫ ઓકટોબર સુધીમાં ઓનલાઇન ખાનગી અહેવાલ જનરેટ કરવાનો રહેશે. તા.૧૬-૧૦ થી ૩૧-૧૦ સુધીમાં પ્રાથમિક માહીતી ઓનલાઇન અપડેટ કર્મચારીએ સ્વયં કરવાની રહેશે. તા.૧-૧૧ થી ૩૦-૧૧ સુધીમાં ઓનલાઇન મૂલ્યાંકન અહેવાલ લખનારે કરવાનું રહેશે. તા.૧-૧૨ થી ૩૦-૧૨ સુધી સમીક્ષક દ્વારા ઓનલાઇન સમીક્ષા કરવામાં આવશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application