જામ્યુકોનો મિલકત વેરા આવકનો ૨૦૦ કરોડનો લક્ષ્યાંક, ૬ મહીનામાં ૨૮ ટકા વસૂલાત..!
સળગતી સમસ્યા: ચાલુ વર્ષ સુધીમાં અધધધ...૫૬૦ કરોડથી વધુનો મિલકત વેરો બાકી, મન૫ા દ્વારા મિલકત સીલ, નળ જોડાણ કટ, અદાલતમાં દાવા સહીતની કડક કાર્યવાહી
વિકાસ કાર્યો માટે ગ્રાન્ટ પર આધાર રાખવો પડી રહ્યાની જાણ પદાધિકારીઓ અને નગરસેવકોને હોવા છતાં બાકી વેરા વસૂલાતમાં સહયોગ આપવામાં ઉદાસીનની ચર્ચા
જામનગર મહાનગરપાલીકાએ ચાલુ વર્ષે મિલકત વેરાની આવકનો ૨૦૦ કરોડનો લક્ષ્યાંક રાખ્યો છે. પરંતુ ૬ મહીનામાં ફકત ૨૮ ટકા વસૂલાત થતાં લક્ષ્યાંકની પૂર્ણતા સામે સળગતા સવાલ ઉઠ્યા છે. ચાલુ વર્ષ સુધીમાં અધધધ..૫૬૦ કરોડથી વધુનો મિલકત વેરો બાકી છે. ત્યારે બાકી વેરો વસૂલવા મનપા દ્વારા મિલકત સીલ, નળ જોડાણ કટ, અદાલતમાં દાવા સહીતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.બીજી બાજુ વિકાસ કાર્યો માટે ગ્રાન્ટ પર આધાર રાખવો પડી રહ્યાની જાણ મનપાના પદાધિકારીઓ અને નગરસેવકોને હોવા છતાં બાકી વેરાની વસૂલાતમાં સહયોગ આપવામાં ઉદાસીનતા દાખવી રહ્યાની ચર્ચા મનપાના પટાંગણમાં ચોમેર થઇ રહી છે.
જામનગર મહાનગરપાલીકાને મોટા ભાગના વિકાસ કાર્યો માટે ગ્રાન્ટ પર આધાર રાખવો પડતો હોવા છતાં દર વર્ષે બજેટમાં પછેડી કરતા વધુ સોડ તાણવાની કહેવતની જેમ મસમોટા વિકાસ કાર્યોના દીવા સ્વપ્ન શહેરીજનોને બજેટમાં દેખાડવામાં આવે છે. બીજી બાજુ મનપાના ચોપડે બાકી રહેલા કરોડો પિયાના વેરાની વસૂલાત કરવામાં આવે તો ઘણા વિકાસ કાર્યો માટે ગ્રાન્ટની જરૂર પડે નહીં તે વરવી વાસ્તવીકતા છે. ચાલુ વર્ષે એટલે કે વર્ષ ૨૦૨૬-૨૭માં રેન્ટ બેઇઝ અને કારપેટ બેઇઝ એટલે કે નવો અને જૂનો મળી કુલ રૂ.૫૬૦ કરોડથી વધુનો મિલકત વેરો મનપાના ચોપડે બાકી બોલી રહ્યો છે. ત્યારે ચાલુ વર્ષે મિલકત વેરાની વસૂલાત માટે મનપાએ રૂ.૨૦૦ કરોડનો લક્ષ્યાંક રાખ્યો છે. પરંતુ ચાલુ નાણાંકીય વર્ષને ૬ મહીના પૂર્ણ થઇ ગયા હોય અત્યાર સુધીમાં ફકત ૫૬ કરોડ મિકલત વેરાની વસૂલાત થઇ છે. જેમાં આસામીઓએ ભરેલા એડવાન્સ ટેકસ સહીતના વેરાની આવકનો સમાવેશ થાય છે. એટલે કે મનપા દ્વારા જે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે તેની સામે ફકત ૨૮ ટકા મિલકત વેરાની આવક થઇ છે. ત્યારે બાકીના ૬ મહીનામાં લક્ષ્યાંકના ૧૪૬ કરોડ એટેલે ૭૨ ટકાની વસૂલાત થશે કે કેમ તે એક સળગતો સવાલ ઉઠયો છે.
બીજી બાજુ મનપા દ્વારા બાકી મિકલત વેરાની વસૂલાત માટે મનપાએ કમર કસી આકારા પગલા લેવાના શરૂ કર્યા છે. જે અંતર્ગત મનપાની મિલકત વેરા શાખા દ્વારા વોરંટ અને અનુસુચીની બજવણી બાદ પણ વેરો ન ભરનાર આસામીઓની મિલકત સીલ, નળ જોડાણ કટની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આટલું જ નહીં રહેણાંક મકાનોનો મિલકત વેરો બાકી હોય તે સીલ ન કરી શકાતા હોય આ કિસ્સાઓમાં અદાલતમાં દાવા કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. હાલમાં બાકી મિલકત વેરા વસૂલાતની કામગીરી માટે એક ટીમ કાર્યરત છે. પરંતુ ફકત એક ટીમથી બાકી મસમોટા વેરાની વસૂલાતની કામગીરી શકય ન બને તે સ્વાભાવિક છે. આથી ટીમ વધારવાની તાતી જરૂર છે. બીજી બાજુ મહાનગરપાલીકાના ચોપડે છેલ્લાં ઘણા વર્ષોથી મસમોટો મિલકત વેરો બાકી છે. જેની જાણ અધિકારીઓની સાથે તમામ ચૂંટાયેલા નગરસેવકોને છે. આટલું જ નહીં જો બાકી વેરાની વસૂલાત યોગ્ય રીતે થાય તો ઘણાં વિકાસ કાર્યો માટે સરકારમાંથી આવતી ગ્રાન્ટ પર આધાર રાખવો ન પડે તે પણ એક હકીકત છે. આમ છતાં બાકી મિલકત વેરાની વસૂલાતમાં ચૂંટાયેલા પદાધિકારીઓ અને નગરસેવકો પૂરતો સહયોગ આપતા ન હોય એટલે કે ઉદાસીનતા દાખવી રહ્યાની ચર્ચાઓ જોરશોરથી મનપાના પટાંગણમાં ચાલી રહી છે.આટલું જ નહીં બાકી મિલકત વેરાના ઘણાં કિસ્સાઓમાં રાજકીય ભલામણો પણ મુખ્ય અવરોધ બનતી હોવાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. ત્યારે જો આ જ સ્થિતિ રહી તો મનપાના ચોપડે બાકી રહેલા મિલકત વેરાની વસૂલાત અને તેના લક્ષ્યાંક કયારેય પૂર્ણ ન થાય તે પણ એક નરી વાસ્તવિકતા છે.
૨૦૦૦૦૦ મિકલતોનો વેરો બાકી, વ્યાજમાફી યોજના સૌથી મોટો અવરોધ:
જામનગરમાં વર્ષ ૨૦૨૬-૨૭માં એટલે કે ચાલુ નાણાંકીય વર્ષમાં અંદાજે ૨ લાખ મિલકતોનો મિલકત વેરો બાકી હોવાનું મનપાના ચોપડે બોલી રહ્યું છે. બાકી વેરાની ભરપાઇમાં મનપા દ્વારા જાહેર કરવામાં આવતી વ્યાજમાફી યોજના સૌથી મોટો અવરોધ બની રહી છે. કારણ કે, મોટા ભાગના બાકીદારો વ્યાજ માફી યોજના આવશે ત્યારે બાકી વેરો ભરશું તેવી માનસીકતા દાખવી રહ્યા છે. જેના કારણે બાકી મિલકત વેરો ભરતા જ નથી. નવાઇની વાત તો એ છે કે અન્ય મહાનગરપાલીકાઓમાં આ પ્રકારની કોઇ વ્યાજ માફી યોજના આપવામાં આવતી નથી. ત્યારે જામનગરમાં આ યોજના શા માટે દર વર્ષે જાહેર કરવામાં આવે છે તે સળગતા સવાલની સાથે તપાસનો વિષય બન્યો છે.
ઓ૫ન પ્લોટના બાકી વેરા મુદે બોજો દાખલ કરવાની કાર્યવાહી:
જામનગરમાં ઘણાં ઓપન પ્લોટનો મિલકત વેરો બાકી છે. આ બાકી વેરાની રકમનો આંકડો પણ ખૂબ મોટો છે. ઓપન પ્લોટના ઘણાં કિસ્સાઓમાં પ્લોટનું વેંચાણ એક કરતા વધુ વખત એટલે કે ઉતરોતર એક બીજા આસામીઓને કરવામાં આવ્યું હોય લોકો વેરો ભરપાઇ કરતા નથી. આટલું જ નહીં પ્લોટ ખરીદ-વેંચાણના ઘણાં કિસ્સાઓમાં આસામીઓને મનપાના બાકી વેરા મામલે જાણ પણ કરવામાં આવતી નથી. આથી હવે મનપા દ્વારા ઓપન પ્લોટના બાકી મિલકત વેરા મુદે સબ રજીસ્ટ્રાર કચેરીમાં બોજો દાખલ કરવાની કાર્યવાહી પણ શ કરવામાં આવી છે.
રેલવેના અધધધ..૧૬૦ કરોડ બાકી, અદાલતમાં કાનૂની જંગ:
જામ્યુકોના ચોપડે ચાલુ વર્ષ દરમ્યાન રેન્ટ અને કારપેટ બેઇઝ એટલે કે નવો અને જૂનો મળી કુલ રૂ.૫૬૦ કરોડથી વધુનો મિલકત વેરો બાકી બોલી રહ્યો છે.આ બાકી વેરામાં રૂ. ૧૬૦ કરોડનો રેલવે વિભાગના બાકી છે. આ મામલે રેલવે વિભાગ દ્વારા મિલકતનો વેરો ભરપાઇ કરીએ, ઓપન પ્લોટનો વેરો ભરપાઇ ન કરવા મુદે અદાલતમાં દાવો કર્યો હોય રેલવે વિભાગના બાકી વેરા મામલે કાનૂની જંગ ચાલી રહ્યો છે. જેમાં કાનૂની જંગના અંતે શું નિર્ણય આવે તે જોવાનું રહ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application