જામનગરવાસીઓ કાલે બેંકનું કામ કરી લેજો, સોમવારથી ત્રણ દી હડતાળ
આર્થિક વ્યવહારો ખોરવાશે: સપ્તાહમાં પાંચ દી બેકીંગની માંગણી ન સંતોષાતા રાષ્ટ્રીયકૃત બેંકોનો કર્મીઓ તા.૨૮ થી ૩૦ કામગીરીથી અળગા રહેશે
શહેર-જિલ્લામાં ત્રણ દીવસમાં ૧૦૦૦ કરોડથી વધુનું કલીયરીંગ ખોરવાશે: સરકાર અને બેંક યુનીયનોની લડાઇમાં ગ્રાહકોનો ખો નીકળી રહ્યો છે
જામનગરવાસીઓ કાલે બેંકની તમામ કામગીરી કરી લેજો. કારણ કે, સોમવારથી ત્રણ દીવસ હડતાળના કારણે બેંકો બંધ રહેશે. સપ્તાહમાં પાંચ દીવસ બેંકીંગ કામગીરીની માંગણી ન સંતોષાતા રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ તા.૨૮ થી ૩૦ કામગીરીથી અળગા રહેશે. આથી શહેર-જિલ્લામાં ત્રણ દીવસમાં ૧૦૦૦ કરોડથી વધુનું કલીયરીંગ ઠપ્પ થશે અને આર્થિક વ્યવહારો ખોરવાતા ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે તેમાં બેમત નથી. સરકાર અને બેંક યુનીયનોની લડાઇમાં ગ્રાહકોનો ખો નીકળી રહ્યો છે.
તાજેતરમાં સરકારની કુટનીતિ અને સમાધાનના ભંગના વિરોધમાં રાષ્ટ્રીયકૃત બેંકોના ૭ યુનિયન દ્વારા ૧૧ સપ્ટેમ્બરે રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલનું એલાન આપવામાં આવ્યું હતું. જે અનુસાર જામનગરમાં પણ રાષ્ટ્રીયકૃત બેંકો બંધ રહી હતી. બેંક કર્મચારીઓએ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા બેંક કર્મચારીઓ અને અધિકારીઓના વિવિધ પડતર પ્રશ્ર્ને તથા અગાઉ થયેલી દ્રિપક્ષીય સમજૂતીઓના અમલ સરકાર દ્વારા ન કરવામાં આવતા હડતાલનું રણશીંગુ ફૂકવામાં આવ્યું છે. બેંક યુનિયનો દ્વારા સપ્તાહમા ૫ દીવસ બેંકીગ કામગીરી, સરકારની એકપક્ષીય અને ભેદભાવપૂર્ણ પીએલઆઇ યોજનામાં યુનિયનો સાથે ચર્ચા કરીને ફેરફાર કરવા તથા અન્ય પડતર માંગણી સંતોષવા માંગણી કરી છે. પરંતુ લાંબો સમય થવા છતાં સરકાર તરફથી મંજૂરી આપવામાં આવતી નથી.
આથી રાષ્ટ્રીયકૃત બેંકોના ૭ યુનિયનો દ્વારા તા.૨૮ થી ૩૦ સપ્ટેમ્બર ૩ દીવસ બેંક હડતાળનું એલાન આપ્યું છે. આથી આ તમામ પ્રશ્ર્નો અને માંગણીઓને અનુલક્ષીને દેશવ્યાપી બેંક હળતાળના પગલે જામનગરમાં પણ રાષ્ટ્રીયકૃત તથા અમુક ખાનગી બેંકોના કર્મચારીઓ સોમવારથી બુધવાર સુધી હડતાલ પાડશે. આથી બેંકોમાં બેકીંગ કામગીરી બંધ રહેશે. જેના કારણે ૩ દીવસમાં જામનગર શહેર-જિલ્લામાં ૧૦૦૦ કરોડથી વધુનું કલીયરીંગ ઠપ્પ થશે. આજે ચોથો શનિવાર હોય બેંકોમાં રજા હોય અને સોમવારથી ૩ દીવસની હડતાળ હોય રવિવારે બેંકો ચાલુ રાખવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આથી બેંકનું કામકાજ હોય તો આવતીકાલે પતાવી લેજો. કારણ કે, સોમવારથી સળંગ ૩ દીવસ સુધી બેંકો બંધ રહેશે. આથી બેંક ખાતેદારો અને ગ્રાહકોને પારવાર હાલાકીનો સામનો કરવો પડશે તેમાં બેમત નથી. સરકાર અને બેંક યુનીયનોની લડાઇમાં ગ્રાહકોનો ખો નીકળી રહ્યો છે. બેંક હડતાલમાં જામનગરની ૧૨ નેશનલ બેંકોની ૬૦ થી વધુ શાખાના કર્મચારીઓ જોડાશે.
રવિવારના ચેક સંભવત: ગુરૂવારે કલીયર થશે, ખાતામાં નાણાં છતાં ગ્રાહકોને રઝળપાટ થશે:
જામનગરમાં સોમવારથી બુધવાર સુધી ૩ દીવસ બેંક હડતાળના પગલે તમામ કામગીરી ઠપ્પ થશે. રવિવારે બેંકો ચાલુ રાખવામાં આવી છે. આથી રવિવારે બેંકોમાં રજૂ કરેલા ચેક સંભવત: આ જ દીવસે કલીયર નહીં થાય. કારણ કે, અમુક બેંકોમાં ૫૦ ટકા સ્ટાફને બોલવામાં આવ્યો છે. તદઉપરાંત ચેક કલીયરનો આધાર ગ્રીડ ઉપર હોય રવિવારના ચેક સંભવત: ગુરૂવારે કલીયર થશે. આથી ખાતામાં નાણાં હોવા છતાં ગ્રાહકોને રઝળપાટ થશે.
એટીએમની મહતમ મર્યાદા રૂ.૧૦ થી ૧૫ લાખ, સો ટકા નાણાં ખૂટી જશે:
જામનગરમાં બેંકોના એટીએમની શું હાલત છે તે બાબતથી બેંક અધિકારીઓ અને ગ્રાહકો સારી રીતે વાકેફ છે. બેંક અધિકારીઓના જણાવ્યાનુસાર એટીએમમાં નાણાં નાખવાની મહતમ મર્યાદા રૂ.૧૦ થી ૧૫ લાખની છે. બેંકો બંધ હોય એક જ દીવસમાં આ નાણાં ખૂટી જશે. આથી બેંકોના એટીએમમાં ૧૦૦ ટકા નાણાં ખૂટી જશે તેમાં બેમત નથી. આથી ગ્રાહકોની મુશ્કેલી બેવડાશે.
બેંકો દ્વારા ગ્રાહકોને સંદેશાનો મારો, આવશ્યક સેવાના પ્રયાસના દાવા:
સોમવારથી રાષ્ટ્રવ્યાપી ૩ દીવસની બેંક હડતાળના પગલે બેંકો દ્વારા ગ્રાહકોને મોબાઇલમાં સંદેશાનો મારો ચલાવામાં આવી રહ્યો છે. જેમાં આવશ્યક સેવા મળી રહે તે માટેના પ્રયાસના દાવા કરવામાં આવ્યા છે. જે અનુસાર ગ્રાહકોને હડતાળ પૂર્વે જરૂરી બેંકીંગ કામગીરી પૂર્ણ કરવા, રોકડ નાણાં માટે એટીએમ અને એડીડબલ્યુએમનો ઉપયોગ કરવા, ગ્રાહક સેવા કેન્દ્રનો ઉપયોગ કરવા, ઇન્ટરનેટ બેંકીંગ, મોબાઇલ બેકીંગ, યુપીઆઇ અને અન્ય ડીજીટલ માઘ્યમનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
૨૮ સપ્ટેમ્બરના રણજીતનગરમાં બેંક કર્મીઓના દેખાવ-સૂત્રોચ્ચાર:
જામનગરમાં સોમવારથી ૩ દીવસની રાષ્ટ્રીયકૃત બેંકોની હડતાળના પગલે બેંક કર્મચારીઓ કામગીરીથી અળગા રહેશે. સોમવારે સવારે ૧૦.૩૦ કલાકે રણજીતનગરમાં આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયાની શાખા ખાતે બેંક કર્મચારીઓ એકઠા થઇ સૂત્રોચ્ચાર અને દેખાવ કરશે. જેમાં બેંક યુનીયનાના સભ્યોની સાથે જુદી-જુદી બેંકોના કર્મચારીઓ જોડાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application