BREAKING NEWS

રાજકોટમાં વિકાસ ક્યાંથી થાય...? વેસ્ટ ઝોનમાં 219, ઇસ્ટમાં 102, સેન્ટ્રલમાં 68 પ્લોટમાં દબાણો

  • September 24, 2026 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાને વિવિધ ટીપી સ્કીમો અંતર્ગત રિઝર્વેશનના કુલ ૧૬૯૧ પ્લોટ્સ પ્રાપ્ત થયા છે જે પૈકી ૩૮૨ પ્લોટ્સ દબાણ ગ્રસ્ત છે પરંતુ તેમાંથી દબાણો દૂર કરવાનું હાલના તબક્કે કોઇ આયોજન નહીં હોવાનો તંત્રએ એકરાર કર્યો છે. દબાણો ક્યારે દૂર કરશો ? તેવા સવાલના લેખિત પ્રત્યુતરમાં મહાપાલિકાના તંત્રવાહકોએ જણાવ્યું છે કે, જરૂર પડશે ત્યારે...! અગાઉથી દબાણગ્રસ્ત જમીનો મળ્યાનો બચાવ પણ રજૂ કરવા સાથે હાલ ચોમાસું હોવાનું બહાનું પણ આગળ ધર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે વિકાસકામોના કોઇ પણ મોટા પ્રોજેક્ટ્સ સાકાર કરવા માટે જમીનની જરૂરિયાત રહેતી હોય છે, જ્યાં સુધી જમીનો ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી નવા પ્રોજેક્ટસનું પ્લાનિંગ પણ તૈયાર થઇ શકતું નથી.

તાજેતરમાં મળેલી જનરલ બોર્ડ મિટિંગમાં શાસક પક્ષ ભાજપના કોર્પોરેટર દ્વારા પ્રશ્નકાળમાં એવા મતલબનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે રાજકોટની તમામ ટીપી સ્કીમ મુજબ મહાપાલિકા હદમાં આવતા ટોટલ કેટલા પ્લોટ ખાલી પડેલ છે ? તેમજ ટોટલ કેટલા પ્લોટમાં દબાણ છે ? દબાણગ્રસ્ત પ્લોટો ખાલી કરાવવા માટેનું શું આયોજન છે ? અને ક્યાં સુધીમાં આવા પ્લોટો ખાલી કરાવવામાં આવશે ?

જ્યારે આ પ્રશ્નના લેખિત પ્રત્યુતરમાં તંત્રવાહકોએ એવું જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં મંજુર થયેલ પ્રારંભિક નગર રચના યોજના તથા આખરી નગર રચના યોજના મળીને કુલ ૪૨ નગર રચના યોજના આવેલ છે. આ નગર રચના યોજનાઓ અંતર્ગત વિવિધ હેતુ માટેના ૩૦૩+ ૩૦૪+ ૧૦૮૪= કુલ ૧૬૯૧ અનામત પ્લોટો આવેલાં છે. જે પૈકી કુલ ૭૨+ ૭૦+ ૩૯૨= ૫૩૪ પ્લોટ ખાલી છે. તેમજ કુલ ૧૦૨+ ૬૧+ ૨૧૯=૩૮૨ પ્લોટમાં દબાણ છે. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ જુદી-જુદી પ્રારંભિક તથા આખરી નગર રચના યોજના અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાને પ્રાપ્ત થતાં જુદા-જુદા હેતુ માટેના અનામત પ્લોટોમાં આવેલાં મોટા ભાગના દબાણો નગર રચના યોજના અમલી થયા પહેલાના જણાય છે. તેમજ દબાણો રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગિક વગેરે પ્રકારના જુદા-જુદા હેતુ માટેના દબાણો આવેલા છે. જે પૈકી મોટા ભાગના દબાણો રહેણાંક હેતુના આવેલ હોવાનું જણાય છે. આવા દબાણો દુર કરવા એ એક સતત અને અવિરત પ્રક્રિયા છે. હાલ ચોમાસાની ઋતુ ચાલુ હોય, સવાલવાળા દબાણો દુર કરવા માટેની મર્યાદાઓ હોય, જે તમામ બાબતો ધ્યાને લઇ જાહેર હિતમાં સમયાંતરે દબાણો જાહેર જનતાની રજૂઆત તેમજ જરૂરીયાત ધ્યાને લઇને તેમજ વિકાસ કામગીરી માટે જરૂરીયાત ઉભી થાય ત્યારે દબાણો દુર કરવા માટેનું આયોજન હાથ ધરવામાં આવે છે. જે મુજબ નગર રચના યોજના અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાને પ્રાપ્ત થતાં સૌપ્રથમ રસ્તાઓ ઉપરના દબાણો અને ત્યારબાદ અનામત પ્લોટો ઉપરના દબાણોને પ્રાથમિકતા આપીને દુર કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application