જીવન, આરોગ્ય અને સામાન્ય વીમાની પોલિસી ખરીદતા ગ્રાહકોને આગામી સમયમાં મોટી રાહત મળી શકે છે. ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ એટલે કે આઈઆરડીએઆઈએ વીમા કંપનીઓના મેનેજમેન્ટ ખર્ચ અને એજન્ટ તથા ડિસ્ટિ્રબ્યુટરને ચૂકવાતા કમિશનમાં મોટો ઘટાડો કરવાનો પ્રસ્તાવ મૂકયો છે. નવા નિયમો અમલમાં આવશે તો કેટલીક શ્રેણીમાં કમિશનમાં ૫૦ ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે અને તેનો લાભ ગ્રાહકોને ઓછી કિંમતની પોલિસીના સ્વપમાં મળવાની શકયતા છે. આઈઆરડીએઆઈએ ૨૩ સપ્ટેમ્બરે બહાર પાડેલા કન્સલ્ટેશન પેપરમાં વીમા કંપનીઓના એકસપેન્સ ઓફ મેનેજમેન્ટ એટલે કે ઈઓએમની મર્યાદા તબક્કાવાર ઘટાડવાની ભલામણ કરી છે. સાથે જ કઈ પોલિસી કયા માધ્યમથી વેચવામાં આવે છે તેના આધારે એજન્ટ અને અન્ય ડિસ્ટિ્રબ્યુટરને કેટલું મહત્તમ કમિશન આપી શકાય તેની મર્યાદા નક્કી કરવાની દરખાસ્ત પણ કરવામાં આવી છે. સામાન્ય વીમા કંપનીઓ માટે અત્યારે મેનેજમેન્ટ ખર્ચની મર્યાદા ૩૦ ટકા સુધી છે. પ્રસ્તાવ પ્રમાણે બે વર્ષમાં તેને ઘટાડીને ૨૫ ટકા અને પાંચ વર્ષમાં ૨૦ ટકા સુધી લાવવામાં આવી શકે છે. જીવન વીમા કંપનીઓ માટે પણ ઈઓએમની મર્યાદા બે વર્ષમાં ૧૫ ટકા અને પાંચ વર્ષમાં ૧૨.૫ ટકા સુધી લાવવાનો પ્રસ્તાવ છે. નવા નિયમોની ખાસ વાત એ છે કે હવે વીમા કંપની ડિસ્ટિ્રબ્યુટરને સીધું કમિશન ઓછું બતાવીને બીજા નામે લાભ આપે તો પણ તે કમિશનની ગણતરીમાંથી બહાર નહીં રહી શકે. રોકડ કમિશન ઉપરાંત ઇનામ, ઇન્સેન્ટિવ, માર્કેટિંગ સહાય, બ્રાન્ડ પ્રમોશન માટે અપાતી રકમ કે અન્ય કોઈ નાણાકીય લાભને પણ કમિશનનો જ ભાગ માનવાની દરખાસ્ત છે. અલગ અલગ વીમા પોલિસીમાં કમિશનની મર્યાદા પણ જુદી રાખવાનું સૂચવાયું છે. વ્યકિતગત નોન–લિંકડ અને લિંકડ પોલિસીમાં ઇન્ટરમીડિયરી માટે કમિશન લગભગ ૫થી ૨૦ ટકા અને એજન્ટ માટે ૬.૨૫થી ૨૫ ટકા સુધી રાખવાનો પ્રસ્તાવ છે. પ્યોર ટર્મ પ્લાનમાં પ્રથમ વર્ષે ઇન્ટરમીડિયરીને મહત્તમ ૨૫ ટકા અને એજન્ટને ૩૦ ટકા સુધી કમિશન મળી શકે છે. આરોગ્ય વીમામાં નવી પોલિસીના વેચાણ માટે ડિસ્ટિ્રબ્યુશન સંસ્થાને આશરે ૧૫ ટકા અને એજન્ટને ૨૦ ટકા સુધી કમિશન આપવાની મર્યાદા સૂચવાઈ છે. પોલિસીના રિન્યુઅલ વખતે આ મર્યાદા અનુક્રમે ૫ ટકા અને ૧૦ ટકા રાખવાની દરખાસ્ત છે. મોટર થર્ડ પાર્ટી વીમામાં ડિસ્ટિ્રબ્યુટરને કમિશન નહીં આપવાનો અને એજન્ટ તથા એસોસિયેટને મહત્તમ ૨.૫ ટકા સુધી આપવાનો પ્રસ્તાવ છે. આઈઆરડીએઆઈએ વીમો વેચવાની રીતમાં પણ ફેરફાર સૂચવ્યા છે. લોન કે ક્રેડિટ સાથે ગ્રાહકને ફરજિયાત વીમા પોલિસી લેવા માટે દબાણ કરવાની પ્રથા રોકવાની દરખાસ્ત છે. બેન્ક અને નોન–બેન્કિંગ ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓને કેટલી પોલિસી વેચી તેના આધારે ઇન્સેન્ટિવ આપવાની પદ્ધતિ પર પણ નિયંત્રણ લાવવાની વાત કરવામાં આવી છે. નવા નિયમોનો મુખ્ય હેતુ વીમા પોલિસીના વેચાણ પાછળ થતો ભારે ખર્ચ ઘટાડવાનો છે. વીમા કંપનીનો ખર્ચ અને ડિસ્ટિ્રબ્યુટર કમિશન ઓછું થાય તો કંપની માટે પોલિસીની કુલ કિંમત ઘટાડવાની જગ્યા ઊભી થઈ શકે છે. જોકે પ્રસ્તાવ અમલમાં આવ્યા પછી ગ્રાહકનું પ્રીમિયમ ખરેખર કેટલું ઘટશે તેનો કોઈ ચોક્કસ આંકડો હજુ આપવામાં આવ્યો નથી.