BREAKING NEWS

જામનગર: જોડિયા-પડાણામાં ખાણ-ખનીજ વિભાગે ૬ ડમ્પર જપ્ત કર્યા

  • September 30, 2026 12:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: જોડિયા-પડાણામાં ખાણ-ખનીજ વિભાગે ૬ ડમ્પર જપ્ત કર્યા 

૧.૯૦ કરોડનો મુદ્દામાલ કબજે : કુનડ નજીક રેતી વહન કરતા ચાર અને પડાણામાં બ્લેકટ્રેપના ઓવરલોડ બે ડમ્પર અટકાવ્યા

જામનગરના ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી ખાણ-ખનીજ વિભાગની ટીમ દ્વારા ગઈકાલે જિલ્લામાં ખનિજ વહન અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં જોડિયા બાદનપર રોડ પર કુન્નડ ગામ પાસે બિનઅધિકૃત રીતે સાદી રેતીનું વહન કરતા ચાર ડમ્પર તેમજ પડાણા સર્કલ વિસ્તારમાં બ્લેકટ્રેપ ખનિજનું વધુ જથ્થામાં વહન કરતા બે ડમ્પર મળી કુલ છ ડમ્પર અટકાવી જપ્ત કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ, જોડિયા બાદનપર રોડ પર કુન્નડ ગામ નજીક આકસ્મિક તપાસ દરમિયાન સાદી રેતીનું બિનઅધિકૃત રીતે વહન કરતા કુલ ચાર ડમ્પર મળી આવ્યા હતા. ખાણ-ખનીજ વિભાગની ટીમે ચારેય ડમ્પર જપ્ત કરી આશરે ૧.૩૦ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ ઉપરાંત પડાણા સર્કલ વિસ્તારમાં તપાસ દરમિયાન બ્લેકટ્રેપ ખનિજનું વધુ જથ્થામાં વહન કરતા બે ડમ્પર અટકાવવામાં આવ્યા હતા. બંને ડમ્પર સહિત આશરે રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી માટે પડાણા પોલીસ મથક ખાતે કબજો સોંપવામાં આવ્યો હતો.

આમ, ખાણ-ખનીજ વિભાગ જામનગર દ્વારા એક જ દિવસમાં કુલ છ ડમ્પર જપ્ત કરી આશરે ૧.૯૦ કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી ખાણ-ખનીજ વિભાગની તપાસ ટીમના નિખિલભાઈ, નૈતિકભાઈ અને આનંદભાઈ દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application