ધોરાજીના સુપેડી ગામે સરદાર પટેલ સોસાયટીમાં રહેતા નિવૃત તલાટી કમ મંત્રીને મોબાઈલમાં લગ્નની કંકોત્રીની એપીકે ફાઈલ મોકલી તેમના એકાઉન્ટમાંથી રૂ.૬.૫૭ લાખ ઉપાડી લેવામાં આવ્યા હતાં. જે અંગે રાજકોટ રેન્જના સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.સુપેડી ગામે સરદાર પટેલ સોસાયટીમાં રહેતા નિવૃત તલાટી કમ મંત્રી જયંતીલાલ ભેસદડીયા (ઉ.વ.૬૯) ફરિયાદમાં જણાવ્યું છે કે, ૨૦૧૫ માં તેઓ તલાટી કમ મંત્રી તરીકે નિવૃત થયા હતા. ગઇ તા. ૧૪ના રોજ રાત્રે વોટ્સએપમાં ઝાંઝમેરમાં રહેતા પરિચીત વિજયભાઈ પરમારના મોબાઈલમાંથી લગ્નની કંકોત્રી આવી હતી. જે પાંચેક વખત પ્રયત્ન કરવા છતાં ખુલી ન હતી. જેથી વિજયભાઈને કોલ કરતાં કહ્યું કે, તમે કંકોત્રી ખોલતા નહીં, મારો મોબાઇલ ફોન હેક થઈ ગયો છે.તે સાથે જ વૃદ્ધએ વિજયભાઈનો ફોન કાપી મોબાઈલમાંથી લગ્નની કંકોત્રીની એપીકે ફાઇલ ડીલીટ કરી નાખી હતી. ત્યારબાદ બેંક એકાઉન્ટ ચેક કરતાં કોઈ ટ્રાન્ઝેક્શન નહીં થયાનું જોવા મળતાં હાશકારો થયો હતો. આ પછી ચારેક દિવસ સુધી સતત રોજના ચાર વખત બેંક એકાઉન્ટનું બેલેન્સ ચેક કરતાં રહ્યા હતા. પરંતુ કોઈ રકમ ઉપડી હોવાનું જણાયું ન હતું.ત્યારબાદ અચાનક ગઈ તા.૨૫ના રોજ ખાતામાંથી શરૂઆતમાં રૂા.૫૭ હજાર અને બીજી રકમનો ટ્રાન્ઝેક્શન થયાના મેસેજ આવવાનું શરૂ થઈ ગયું હતું. ખાતામાંથી કટકે કટકે રૂા.૬.૫૭ લાખ ઉપડી જતા ફરિયાદ નોંધાવી હતી. બેંક ખાતામાં કુલ ૬,૫૭,૪૩૫ જમા હતા. જેમાંથી હવે માત્ર રૂા.૪૩૫ જ બચ્યા હતા.