રાજકોટ શહેરના ભગવતીપરમાંથી મોરબીના શખસને રૂ.૨.૦૧ લાખના એમ.ડી ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. એસઓજી અને એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમે માદક પદાર્થનો જથ્થો,કાર અને વજન કાંટો, પ્લાસ્ટિક કોથળીઓ સહિત રૂ.૧૧.૨૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ શખસ અહીં કોને માલ સપ્યાલ કરવા આવ્યો હતો અને માલ કયાંથી લાવ્યો હતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલિક, ડીસીપી ક્રાઈમ જગદીશ અને એસીપી ક્રાઈમ બી.બી. બસીયા દ્વારા યુવાધન નશાના રવાડે ન ચડે તથા નાર્કોટિક્સ પદાર્થોનું વેચાણ અટકાવવા શે નો ટુ મિશન અંતર્ગત નશાકારક દ્રવ્યોનું વેચાણ અને સેવન કરનાર શખસો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે. જેને લઇ એસ.ઓ.જી.પી.આઈ એન.બી. ચૌધરીની રાહબરી હેઠળ એન્ટી નાર્કોટિક્સ વિંગના પીઆઈ બી.બી. જાડેજા તથા એસોજીના પી.એસ.આઇ આર.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ કરણભાઈ મારૂ, શબ્બીરખાન મલેકને એવી હકીકત મળી હતી કે, એનડીપીએસ કેસમાં નાસતો ફરતો આરોપી જગદીશ ઉર્ફે જીગર સફેદ કલરની ક્રેટા કાર નંબર જીજે ૧ એચ.વાય 6297 લઇ ભગવતીપરા શેરી નંબર 19 પાસે ચોકમાં આવવાનો છે અને તેની પાસે માદક પદાર્થનો જથ્થો છે આ બાતમીના આધારે પોલીસની ટીમે અહીં વોચ ગોઠવી હતી.
દરમિયાન શંકાસ્પદ ક્રેટા કાર નજરે પડતા પોલીસે કાર કોર્ડન કરી આરોપીને ઝડપી લઇ તેની અંગ ઝડતી લેતા તેની પાસેથી રૂપિયા 2.01 લાખની કિંમતનો 67.26 ગ્રામ એમ.ડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જેથી પોલીસે એમ.ડી ડ્રગ્સ, બે મોબાઈલ કાર, રોકડ, પોકેટ સાઈઝ વજન કાંટો, નાની મોટી પ્લાસ્ટિકની વેક્યુમ પેક કોથળીઓ સહિત રૂપિયા 11.26 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપી જગદીશ ઉર્ફે જીગર ઉર્ફે જીગો જીલુભાઇ ગોગરા (ઉ.વ. 31 રહે. લીલાપર રોડ, બોરીચાવાસ, યદુનંદન ગૌશાળા પાસે, મોરબી) વિરુદ્ધ એનડીપીએસ એટકની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ કામગીરીમાં એસ.ઓ.જી.પી.આઈ એન.બી. ચૌધરી, બી.બી. જાડેજા, એસ.ઓ.જી પીએસઆઇ આર.કે. ગોહિલ, એસ આઇ અરૂણભાઇ બાંભણિયા, હેડ કોન્સ્ટેબલ કરણભાઈ મારૂ, શબ્બીરખાન મલેક, કોન્સ્ટેબલ રવિરાજભાઈ ધગલ, જયપાલસિંહ ઝાલા, અનોપસિંહ ઝાલા, અનીશભાઈ કુરેશી, નરપતસિંહ જાડેજા, નિર્મળસિંહ તથા મહિલા કોન્સ્ટેબલ મોનાબેન બુશા સાથે રહ્યા હતા. માદક પદાર્થના જથ્થાના પ્રાથમિક પરીક્ષણ માટે એફએસએલ અધિકારી સમીર જોશીની મદદ લેવામાં આવી હતી.
મોરબીમાં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં જીગર નાસતો ફરતો હતો
પોલીસે જણાવ્યું હતું કે, એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલ જગદીશ ઉર્ફે જીગરનું નામ બે મહિના પૂર્વે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ કેસમાં ખુલ્યું હતું. જે ગુનામાં આરોપી નાસતો ફરતો હતો. દરમિયાન અહીં માદક પદાર્થની ડિલિવરી આપવા આવતા પોલીસની ઝપટે ચડી ગયો હતો.