રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ બ્રાન્ચ દ્વારા તાજેતરમાં વિજય પ્લોટ શેરી નં.૧૮માં આવેલા શ્રીનાથજી ટ્રેડર્સમાંથી લીધેલા લાલ મરચા પાવડર અને ધાણાજીરુંનું સેમ્પલ લઈ ફૂડ લેબમાં ચકાસણી માટે મોકલાયું હતું, દરમિયાન તાજેતરમાં તેનો ટેસ્ટ રિપોર્ટ આવતા તેમાં અખાદ્ય કલર, મકાઇના સ્ટાર્ચ અને તેલની ભેળસેળ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જન આરોગ્યના નિષ્ણાતોના મતે આ પ્રકારના પ્રતિબંધિત કલરયુક્ત પદાર્થો ખાવાથી કેન્સર થવાની સંભાવના રહે છે, આ કલરમાં રહેલા ઝેરી તત્વો કેન્સરના કોષોને ઉશ્કેરે છે.
વિશેષમાં મ્યુનિ.અધિકારીઓએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, તાજેતરમાં થોડા સમય પૂર્વે જ ફૂડ વિભાગ દ્વારા શ્રીનાથજી ટ્રેડર્સ વિજય પ્લોટ-૧૮ રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ લાલ મરચાં પાવડર લૂઝના નમૂનાની તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં પ્રતિબંધિત કલરિંગ મેટર તરીકે પિન્ક એન્ડ ઓરેન્જ કલર્ડ નોન પરમિટેડ ઓઇલ સોલ્યુબલ સિન્થેટીક ડાઈઝની હાજરી મળી આવેલ હોય-અનસેફ ફૂડ જાહેર થયું હતું. આ
નમૂનાનું સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા પરીક્ષણ કરતા જણાયું હતું કે, મરચાની લાક્ષણિક કચરા સાથે પુષ્કળ પ્રમાણમાં મકાઈના સ્ટાર્ચની ભેળસેળ જોવા મળે છે. મરચાના કણોની સાથે મકાઈનો સ્ટાર્ચ (મકાઈનો લોટ) મોટા પ્રમાણમાં ભેળવેલો મળ્યો હતો. નમૂનો અનસેફ તથા સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે પ્રોસિક્યુશન કેસ હેઠળ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.
તેમજ ઉપરોક્ત પેઢીમાંથી જ ધાણાજીરું પાવડર લૂઝનો નમૂનો લઈ લેબમાં મોકલ્યો હતો જેના પૃથ્થકરણ રિપોર્ટમાં પ્રતિબંધિત કલરિંગ મેટર તરીકે નોન પરમિટેડ ઓઇલ સોલ્યુબલ યેલો એન્ડ બ્લ્યુ કલર્ડ સિન્થેટીક ડાઈઝની હાજરી મળી આવેલ હોય અનસેફ ફૂડ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે પ્રોસિક્યુશન કેસ હેઠળ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.