શાપરમાં પરપ્રાંતીય યુવાનની ગળું કાપી ક્રુરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા કરી લાશ તળાવના કાંઠે ફેંકી દેતા શ્ર્વાને બચકા ભરી લીધા હતાં. આ બનાવનો ભેદ ઉકેલવા પોલીસ તપાસ ચલાવી રહી છે. પ્રાથમિક તપાસમાં યુવાનને કોઇ સાથે અણબનાવ હોય ન હોવાનું સામે આવતા યુવાનની હત્યાનુ રહસ્ય વધુ ઘેરાયું છે. બનાવનો ભેદ ઉકેલવા સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબીની ટીમ મથામણ કરી રહી છે.
શાપરમાં રામદેવનગર મફતીયાપરામાં રહેતા અંજુકુમારી કમલેશકુમાર રામ (ઉ.વ.૩૪) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તે પતિ કમલેશકુમાર તથા બાળકો સાથે રહી મજુરીકામ કરે છે. તેમને સંતાનમાં બે દીકરીઓ છે. પતિ કમલેશકુમાર શાપર (વેરાવળ) ગામમાં છુટક મજુરીકામ કરતા હતા. ગઈ તા.૨૮ ના સાંજના સાતેક વાગ્યે તે અને તેમના બાળકો ઓરડીએ હતા દરમિયાન પતિ કમલેશકુમાર મજુરીકામ કરીને ઓરડીએ આવ્યો અને બાદમાં તે પૈસા લઇને મટન લેવા માટે જવાનું કહીને ઓરડીએથી બહાર ગયો હતો.
પતિ મોડી રાત્રી સુધી ઓરડીએ આવી નહીં જેથી તે બાબતે આજુબાજુમાં તપાસ કરતા મળી આવ્યો ન હતો. ગઈકાલે સવારે પણ તેણી તેમના પતિ બાબતે તપાસ કરવા ઓરડીની આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતી હતી દરમિયાન સવારના નવેક વાગ્યે જાણવા મળેલ કે, રામદેવનગર તળાવના કાંઠા પાસે અવાવરૂ જગ્યામાં કોઇ વ્યકતીની લાશ પડી છે, જેથી ત્યાં જોવા જતા આ લાશ તેના પતિ કમલેશકુમારની હતી. પતિના ગળાના ભાગે ઇજા થયેલ અને લોહી નીકળેલ હોય અને ત્યાં થોડીવારમાં પોલીસ પણ આવી જતા મૃતદેહને શાપર સીવીલ હોસ્પીટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાંથી રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે પી.એમ. અર્થે ખસેડયા હતા.
પીએમના પ્રાથમિક રિપોર્ટમાં યુવાનનુ મોત ધારદાર વસ્તુ ગળાના ભાગે મારવાના કારણે થયેલ ઇજાથી મોત થયાનું માલુમ પડયુ હતું.
બનાવ અંગેની ફરીયાદ પરથી શાપર પોલીસે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી મોબાઈલ વાપરતો ન હતો તેમજ તેમને કોઈ સાથે અણબનાવ હોય તેવું પણ સામે નથી.ત્યારે હત્યાને લઇ રહસ્ય વધુ ઘેરાયુ છે. આ અંગે શાપર પોલીસ મથકના પીઆઇ આર.બી.રાણાની રાહબરીમાં ટીમ તપાસ ચલાવી રહી છે. ઉપરાંત એલસીબીની ટીમે પણ તપાસમાં ઝંપાલવ્યું છે.