ધોરાજીમાં નિવૃત શિક્ષક એકલતા દૂર કરવા જતા લુંટેરી દુલ્હનની જાળમાં ફસાયા હતાં. મહિલાએ વૃધ્ધ સાથે મૈત્રી કરાર કરી ત્રણ દિવસ સાથે રહ્યા હતી. બાદમાં સોનું- રોકડ સહિત રૂ.૩.૫૭ લાખની મત્તા લઇ નાસી જતા આ અંગે વૃધ્ધે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બનાવ અંગે ધોરાજીમાં નિલકંઠ સોસાયટી, ન્યુ મારુતી નગરની બાજુમાં વૈષ્ણવવાડીની સામે રહેતાં ચંદુભાઈ જમનાદાસ મકવાણા (ઉ.વ.૬૪) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે હેતલ દિપક યાદવ નામની મહિલાનુ નામ આપ્યું છે. વૃધ્ધે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ એકલા રહે છે અને પત્નિ કંચનબેનનું દસેક વર્ષ પહેલા કેન્સરની બીમારીના લીધે અવસાન થયુ છે. સંતાનમાં એક દિકરો જેવીન છે જે અલગ હિરપરાવાડીમાં પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ પેન્શનની આવકથી ગુજરાન ચલાવે છે.
ત્રણેક વર્ષ પહેલાં તેમનો પુત્ર પોતાના પરિવાર સાથે મારાથી અલગ રહેવા લાગ્યો હોવાથી તેઓ એકલવાયું જીવન જીવતાં હતાં. જેથી માનસિક તણાવમાં રહેતાં હોય જીવનસાથી તથા સહારાની જરૂરિયાત જણાતી હતી, દરમિયાન તેમણે ગોવિંદભાઈ વાઘજીભાઈ હદવાણી (રહે. ચોરડી, ગોંડલ) ને આ બાબતે વાત કરી હતી. બાદ ગોવિંદભાઈએ ફોન કરી જણાવ્યું હતું કે, મુક્તાબેન નામના મહિલા સંબંધ કરાવવાનું કામ કરે છે, તેના સંપર્કમાં એક વિધવાબેન છે, તો તેને લઈને તમારા ઘરે જોવા આવીશ.
બાદ તા.૧૫/૦૭ રોજ ગોવિંદભાઈ ઘરે વૃધ્ધના ઘરે આવ્યા હતા અને તેમની સાથે મુક્તાબેન તથા હેતલબેન યાદવ પણ આવ્યા હતા. ઘરે બેસીને વાતચીત તથા ચર્ચા થતાં હેતલબેન સાથે મૈત્રી કરાર કરવાનું નક્કી થયુ હતું. ત્યારે ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે, હવે તમે તથા હેતલબેન તમારી રીતે મૈત્રી કરાર કરી લેજો. ત્યારબાદ હેતલબેને જણાવેલ કે, સુરત ખાતે તેના ભાઈના મકાનમાં પાણી ભરાઈ ગયુ છે તથા હીરાના વ્યવસાયમાં મંદી હોવાથી તેનું ઘર ભાવનગર ખાતે બદલવાનું છે, જેથી હાલ તેને સુરત જવાનું છે. વધુમાં તેના ભાઈની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેને આર્થિક મદદ કરવા જણાવેલ અને તેના ભાઈ પાસે સગવડ થતાં પૈસા પરત આપી દેશે તેમ જણાવેલ હતું.
જેથી હેતલબેનને રૂ.૨૫ હજાર રોકડા આપ્યા હતા. ત્યારબાદ ગોવિંદભાઈ, મુક્તાબેન તથા હેતલબેન ઘરેથી ચાલ્યા ગયા હતા. બાદ તા.૨૧/૦૭ ના હેતલબેન ઘરે આવ્યા તે વખતે ટેક્ષીના ભાડા પેટે રૂ.૫ હજાર લીધા હતા અને ભાડું ચુકવ્યુ હતું. બીજા દિવસે તા. ૨૨ ના ફરીયાદી અને હેતલબેન વકીલ પાસે ગયા હતા અને ત્યાં મૈત્રી કરાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બે દિવસ નિવાસસ્થાને સાથે રહ્યા હતા. દરમિયાન હેતલને સોનાનું મંગળસુત્ર, બુટી, સોનાની ચાર બંગડી પહેરવા આપ્યુ હતુ અને બેડરૂમના લોકરમાં રાખેલ સોનાનો હાર બુટી સાથેનો તેને દેખાડેલ અને કહેલ કે, તારે જ્યારે આ સોનાનો હાર અને બુટી પહેરવા હોય ત્યારે આ લોકરમાથી લઈને પહેરજે.
બાદ હેતલબેને જણાવેલ કે, તેના કાકાની દીકરીનું શ્રીમંત પ્રસંગ હોવાથી તેને ભાવનગર જવાનું છે. અને પ્રસંગ હોવાથી મારે સોનાનો હાર અને બુટી પહેરી જવા છે, જેથી તેને હા પાડી હતી. બાદ તા.૨૪/૦૭ ના સવારે સાતેક વાગ્યાના અરસામાં જાગીને જોયું તો હેતલ ઘરે હાજર ન હતી. ઘરમાં તપાસ કરતાં લોકરમાં રાખેલા સોનાનો હાર અને બુટી જોવા મળેલ ન હતા. જેથી લાગેલ કે, હેતલ ઘરેણાં પહેરી ભાવનગર ખાતે પ્રસંગમાં ગઈ હશે. ત્યારબાદ તેને ફોન કરતા તે ફોન ઉપાડતી ન હતી, બાદ નંબર બ્લોક લિસ્ટમા નાખી દેતા છેતરપીંડી થયેલ હોવાનુ લાગતા તેઓ ભાવનગર હેતલની શોધખોળ કરવા ગયા હતા.
પરંતુ ભાવનગર પણ તેણી ક્યાંય મળી આવી ન હતી. આ વાતના પંદરેક દિવસ બાદ હેતલનો ફોન આવ્યો હતો કે, હું તમારી સાથે રહેવા માંગુ છું અને હું તમારી સાથે રહેવા ધોરાજી આવુ છું, મને હેરાન ન કરતા હું તમારુ બધુય સોનુ પાછુ આપી દઈશ મારી વિરુધ્ધ પોલીસ ફરીયાદ ન કરતા ત્યારબાદ પણ તે આજ સુધી પરત ન આવી અને રોકડ તથા સોનાના દાગીના મળી કુલ રૂ.૩.૫૭ લાખનો મુદામાલ લઈ નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી. જે અંગેની ફરીયાદ પરથી પોલીસે તપાસ હાથ ધરી હતી.