BREAKING NEWS

રાજકોટમાં અભણ શખ્સનું નકલી નોટ છાપવાનું કારસ્તાન, જાલીનોટ લોકમેળામાં વટાવી નાખ્યાનો ઘટસ્ફોટ

  • September 29, 2026 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેર એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે સંયુક્તપણે માંડા ડુંગર પાસેથી જાલી નોટ છાપવાના કારસ્તાનનો પર્દાફાશ કરી રીક્ષાચાલકને ઝડપી લીધો હતો પોલીસે તેની પાસેથી ૧૦૦ અને ૫૦૦ ના દરની જાલી નોટો કબજે કરી હતી. ઝડપાયેલા આ શખસની પૂછતાછ કરતા તેણે ૪૦ જાલી નોટ લોકમેળામાં વટાવી નાખી હોવાનો ઘટસ્ટોફ થયો છે. આ ઉપરાંત તેણે 50 નોટ તેના મિત્રને વટાવવા માટે આપી હતી પરંતુ મિત્ર આ નોટ પરત આપી હતી. બાદમાં આ નોટ અન્યત્ર વટાવે તે પૂર્વે પોલીસે તેને ઝડપી લીધો હતો. આરોપીને જાલી નોટ છાપવા માટેનો આઈડિયા આપનાર અને ટ્રિક શીખડાવનાર એમપીના શખ્સને ઝડપી લેવા પોલીસે તપાસ આગળ ધપાવી છે.


શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી ચૈતન્ય મંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી (ક્રાઇમ) ભરત બસીયા તરફથી શહેર વિસ્તારમાં ચાલતી કોઇપણ ગેર-કાયદેસર પ્રવૃતી વિરૂધ્ધ કડક કાયૅવાહી કરવા સૂચના આપી હોય જેને લઇ એસઓજી પીઆઈ એન.બી.ચૌધરી અને ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એ.એસ.ચાવડા, એમ.એલ.ડામોરની રાહબરી હેઠળ ટીમો તપાસમાં હતી. દરમિયાન એસઓજી પીએસઆઇ એમ.વી.જાડેજા અને ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઇ એ.એન.પરમારની ટીમોને ભાવનગર રોડ પર આવેલ માંડાડુંગર ગામમાં જાલીનોટ છાપવાનું કારસ્તાન ચાલી રહ્યું છે તેવી હકિકત મળતા માંડા ડુંગરમાં આવેલ શ્યામ કિરણ પાર્ક શેરી નં.૦૩ હિંગળાજ પ્રોવીઝન સ્ટોરની સામે આવેલ રહેણાંક મકાનમાં દરોડો પાડી ભારતીય ચલણની બનાવટી નોટો બનાવતા કીશન ભુપેન્દ્રભાઇ સોલંકી (ઉ.વ.૩૦) ને પકડી પાડ્યો હતો.


પોલીસે મકાનમાંથી બનાવટી ચલણી નોટ રૂપિયા ૧૦૦ ના દરની ૨૧૬, ૫૦૦ ના દરની નોટ ૩, એક સીપીયુ, એક મોનીટર વાયર સહીત, પ્રીન્ટર કમ સ્કેનર,લેમીનેટર હીટર મશીન,બટર પેપર, રૂ ૧૦૦ ના દરની પ્રીન્ટ વાળા કાગળો, એક આધારકાર્ડ અને મોબાઈલ મળી રૂ.૬૫૫૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપીની સઘન પુછતાછ શરૂ કરી હતી.


સૂત્રોએ જણાવ્યું હતું કે, પકડાયેલ શખસ રીક્ષા ડ્રાઇવિંગનું કામ કરે છે અને તેના પત્ની શાકભાજીનું ધંધો કરે છે. છ મહિના પહેલા તે રીલ્સ જોતો હતો ત્યારે ચલણી નોટ કેવી રીતે બનાવવી તે અંગેની રીલ્સ જોઈ હતી. જેથી તેને તેમાં મેસેજ કર્યો હતો,, જો કે સામેવાળાને મેસેજ કરનાર પોલીસ હોય તેવી શંકાના આધારે દોઢ મહિના સુધી મેસેજનો જવાબ આપ્યો ન હતો.


જોકે દોઢ મહિના બાદ સામેવાળા શખસે પોતાનું નામ દીપક આપી વાતચીત શરૂ કરી હતી. જે બાદ આ શખસે બનાવટી ચલણી નોટ કેમ બનાવી તે અંગે ટેલિગ્રામ મારફત વિડીયો અને પીડીએફ તેમજ સોફ્ટ ફાઈલો આરોપીને સેન્ડ કરી હતી, જે મારફત પકડાયેલ શખ્સે રાજકોટમાંથી અલગ અલગ જગ્યાએથી પ્રિન્ટર, કોમ્યુટર સહિતની વસ્તુઓ ખરીદી કરી હતી. તેમાં ફોટોશોપ એપ ડાઉનલોડ કરી જાલી નોટ છાપવાનુ શરૂ કર્યું હતું.


બનાવટી ચલણી નોટોમાંથી ૫૦ નોટ તેના રીક્ષા ચાલક મિત્ર અક્ષય કોળી નામના શખસને વાપરવા માટે આપી હતી. તેમજ આ દરમિયાન લોકમેળામાં પણ તેને ચાલીસેક નોટો વટાવ્યા હોવાની પ્રાથમિક કબુલાત આપી હતી. જ્યારે રીક્ષા ચાલક મિત્રને આપેલ નોટ તેણે પરત આપી હતી. હાલ પોલીસે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ લઈ તેને ટીપ આપનાર શખસને પકડવા તપાસ આગળ ધપાવી છે.


પકડાયેલ શખ્સ વિરુદ્ધ દારૂ સહિતના બે ગુના નોંધાયેલ છે. જે કામગીરીમાં

એએસઆઇ અરૂણભાઇ બાંભણીયા, ભરતસિંહ પરમાર, હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા યોગરાજસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ સાથે રહ્યો હતો.


એમ.પી. ના શખસે ૧૦ હજારના ૩ હજાર આપીશ કહેતા યુવાનને લાલચ જાગી

રીક્ષાચાલકને વીડિયો કોલ મારફત માર્ગદર્શન પૂરું પાડતા દીપકે જણાવ્યું હતું કે, હાલ તું જે સોફ્ટવેર પર કામ કરી રહ્યો છે, તે જૂનો છે, તેમાં થોડી મિસ્ટેક પણ રહે છે, જેથી થોડો સમય તું રાહ જો, એકદમ નવું વર્ઝન આવી રહ્યું છે, જે નવા વર્ઝનમાં અસલી જેવી જ નોટ છપાશે. જે નોટ છપાશે તેમાંથી ૧૦ હજારની નોટ હું તારી પાસેથી ખરીદી સામે હું તને 3000 રૂપિયા આપીશ. જેથી યુવાનને લાલચ જાગી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application