BREAKING NEWS

અલ્પેશ દોંગાએ વધુ બે ખેડૂતની જમીન લખાવી લીધાની ફરિયાદ, વેકરી અને લોધિકાના ખેડૂત ભોગ બન્યા

  • September 29, 2026 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અલ્પેશ દોંગા આણી ટોળકી વેકરી અને લોધિકાના બે ખેડૂતની ૧૦ એકર જમીન ૧૦.૫૫ લાખમાં લખાવી લીધા અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે.આ ઉપરાંત કાલાવડમાં પણ આ ટોળકી સામે ત્રણ ફરિયાદ દાખલ થતા અલ્પેશ દોંગા સામે કુલ ૧૮ મી ફરિયાદ દાખલ થઇ છે.


મૂળ ગોંડલના વેકરી ગામના વતની અને હાલ રાજકોટના મોરબી રોડ પર નવા જકાતનાકા સામે જમના પાર્ક સોસાયટી શેરી નં.૦૬ માં રહેતાં

સવજીભાઈ બાબુભાઈ રાંક (સોજીત્રા) (ઉ.વ.૫૫) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પટેલ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસના ધારક અલ્પેશ ગોપાલ દોંગા,અભય મોલિયા, મનિષાબેન અભય મોલિયા, જયેશ રામજી ભાલાળા (રહે.તમામ રાજકોટ) ના નામ આપ્યા છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓનું મુળ વતન વેકરી ગામે વડિલો પાર્જીત હે. ૧-૬૧-૮૮ ખેતીની જમીન આવેલ હોય જેમાં ખેતીકામ કરે છે.

વર્ષ ૨૦૧૭ માં તેઓનું રાજકોટ ખાતે એક્સીડન્ટ થતા તેની સારવાર માટે સગા સબંધીઓ પાસે હાથ ઉછીના રૂપીયા લીધેલ હોય જે રૂપીયાના ચુકવવા માટે મારે રૂ.૨ લાખની જરૂરીયાત ઉભી થયેલ અને આ સમય દરમ્યાન ન્યુઝ પેપરમાં પટેલ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ રાજકોટ નાના મૌવા સર્કલ, વરૂડી એજન્સી ઉપર તે જાહેરાત જોઇ હતી જેમાં જમીનના ૭,૧૨ ઉપર ઓછા વ્યાજ દરે લોન કરાવી દેવાની જાહેરાત હતી.


જેથી તે જાહેરાતમાં જણાવેલ મોબાઇલ નંબર ઉપર ફોન કરતા સામેથી અલ્પેશ દોંગા વાત કરતા હોય જેથી તેમને લોનની જરૂરીયાત હોવાની વાત કરતા તેણે કહેલ કે, તમે તમારી જમીનના ૭,૧૨ તથા ૮-અ લઇને ઓફિસે આવો લોન થઇ જશે તેમ કહેતા ત્રણેક દિવસ બાદ પટેલ ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ નામની ઓફિસે ગયેલ અને ત્યાં અલ્પેશ દોંગા મળતા તેમને મારી ગોંડલના વેકરી ગામના સર્વે નં.૭૫ પૈકી ૪ ની હે.૧-૬૧-૮૮ ખેતીના ઉપયોગ માટેની જમીનના ૭,૧૨ તથા ૮-અ આપતા તેણે કહેલ કે, તમારી જમીન ઉપર ત્રાકુડા સેવા સહકારી મંડળીનો રૂ. ૧.૫૦ લાખનો બોજો છે.તેમજ કહ્યું હતું કે, આ બોજો ભરવા માટે રૂપીયાની વ્યવસ્થા અહીંથી થઇ જશે, લોન મંજુર થાય ત્યારે તમે તે રૂપીયા પાછા આપી દેજો.


આઠેક દિવસ બાદ અલ્પેશ દોંગાની ઓફિસે જતા તેણે કહેલ કે, તમારૂ સીબીલ ખરાબ છે, તમારી લોન મંજુર થવામાં ટાઇમ લાગશે તેમ કહી કહેલ કે, તમારે રૂપીયાની જરૂરીયાત હોય તો લોન મંજુર ન થાય ત્યાં સુધી મારી પાસેથી તમે રૂપીયા લઇ જજો, લોન મંજુર થાય ત્યારે તમને આપેલ રૂપીયા મને પાછા આપી દેજો. બાદમાં કટક કટકે રૂપીયા સહીત રોકડા રૂ.૪.૫૫ લાખ આપ્યા હતા અને વર્ષ ૨૦૧૮ ના એપ્રિલમાં ફરીયાદી દંપતિ અલ્પેશ દોંગાની ઓફિસે ગયા ત્યારે કે, તમારૂ સીબીલ ખરાબ છે, એટલે તમારા નામે લોન નહી થાય તેમ કહેતા અલ્પેશને કહેલ કે કાંઈ વાંધો નહી, મને જમીનના ૭,૧૨ અને ૮-અ પાછા આપી દો, હુ તમને તમારા નીકળતા રૂ.૪.૫૫ આપી દઈશ.


તો અલ્પેશ દોંગા ઉશ્કેરાઇ ગયેલ અને કહેલ કે, મે તમને રૂપીયા આપ્યા છે, તેની સીક્યુરીટી પેટે તમારે મને તમારી જમીનનો દસ્તાવેજ કરી આપવો પડશે, જે ના પાડતા અલ્પેશએ ફોન કરી જયેશ ભાલાળા તથા અભય મોલીયા નામના વ્યક્તિને ફોન કરી બોલાવેલ અને આ ત્રણેય જણાએ કહેલ કે, અમે ત્રણેય પાર્ટનર છીએ, તમને રૂ.૪.૫૫ લાખ આપ્યા છે, તેની સીક્યુરીટી પેટે તમારી જમીનનો દસ્તાવેજ અમને કરી આપવો પડશે કે જમીનની બજાર કિંમતના રૂ.૬૦ લાખ અમને આપવા પડશે નહિતર તમને તથા તમારા પરીવારને જાનથી મારી નાખીશુ તેમ કહી ગાળો આપી ત્રણેય જણાએ ઢીકાપાટુનો મારમાર્યો હતો. બાદમાં ફરિયાદીએ આ જમીન રાજીખુશીથી રૂ.૪.૫૫ લાખમાં મનીષાબેન મોલીયાને વેચા દસ્તાવેજ કરી આપેલ હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી પીએસઆઇ આર.જે.જાડેજા અને ટીમે તપાસ હાથ ધરી છે.


જે મામલે રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, અગાઉ અલ્પેશ દોંગા વિરુદ્ધ ૧૩ ફરિયાદ દાખલ થઈ ચૂકી છે, જે બાદ ગઈકાલે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ આજે લોધિકા પોલીસ મથકમાં પણ એક ખેડૂતની રૂપિયા 8 કરોડની બે એકર જમીન માત્ર 6 લાખમાં પડાવી દીધા અંગેની ફરિયાદ પણ નોંધાશે.


તેમજ કાલાવડ પંથકના ત્રણ ફરિયાદી પણ તેઓને મળવા આવ્યા હતા. જેમાં આ મામલે રેન્જ આઈજી નિર્લિપ્ત રાય મારફત જામનગર એસ.પી. સાથે સંપર્ક કરી કાલાવડ પોલીસ મથકમાં પણ અલ્પેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવા તજવીજ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application