- આપણા સંસાધનોનો યોગ્ય અને કરકસરપૂર્વક ઉપયોગને નૈતિક ફરજ સમજી રાષ્ટ્રનિર્માણ અને પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપીએ
પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લાવાસીઓને શુભેરછાઓ પાઠવતા જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ જણાવ્યું હતું કે, આપણી ભારતભૂમિ મહાત્મા ગાંધી અને સરદાર પટેલ સહિત રાષ્ટ્રની મહામૂલી આઝાદી માટે પોતાનું બલિદાન આપનારા લડવૈયાઓની ધરતી છે. જેમના બલિદાનો પછી આપણને સ્વંતત્રતા મળી છે ત્યારે આવા સ્વાતંત્ર્યવીરોને આજે આપણે નમન કરી તેઓની શહાદતને યાદ કરીએ છીએ. વર્ષ ૧૯૫૦માં આપણા ભારત દેશે પોતાનું આગવું બંધારણ સ્વીકારી પ્રજાનું સુશાસન પ્રાપ્ત કર્યુ તેની ગરીમાની ગાથા ગર્વભેર ગાવાનો આ પવિત્ર અવસર છે.
વધુમાં કલેકટરએ કહ્યું કે, ૨૬ જાન્યુઆરી ૧૯૫૦નો દિવસએ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે, કારણ કે આ દિવસે ભારતના બંધારણને અમલી બનાવી ભારતને ખરા અર્થમાં એક 'પ્રજાસત્તાક રાષ્ટ્ર' તરીકે સ્થાપિત કરવામાં આવ્યો હતો. ડો.બાબાસાહેબ આંબેડકર જેવા સંવિધાન નિષ્ણાંત અને વિદ્વાનો દ્વારા બનાવવામાં આવેલા આ શ્રેષ્ઠ બંધારણ થકી ભારતની પ્રજાસત્તાક લોકશાહી વધુ સુદ્રઢ બની છે. આપણા ભારતનું બંધારણ વિશ્વના લોકતાંત્રિક દેશો માટે પણ આદર્શરૂપ રહ્યું છે.
વધુમાં કલેકટરએ કહ્યું કે, ગણતંત્ર દિવસને માત્ર સંવિધાન લાગુ કરવાના રૂપમાં જોવા કરતા સંવિધાનમાં દર્શાવેલા કર્તવ્યો, અધિકારો અને સંરક્ષણો સાથે જોડવો જોઇએ. ૨૬મી જાન્યુઆરી, આ બસ એક તારીખ નથી, દેશની આત્મનિર્ભરતા, સ્વતંત્રતા અને લોકતંત્રના પ્રતિ આપણી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. આપણા ભારતનું સંવિધાન દુનિયાનું સૌથી મોટું લેખિત સંવિધાન છે. સંવિધાને દરેક નાગરિકને સમાનતા, સ્વતંત્રતાઅને ન્યાયનો અધિકાર આપ્યો છે. સાહસિકતા, અહિંસા, સત્યપ્રિયતા, ન્યાયપ્રિયતાએ ગુજરાતની પ્રજા અને ગુજરાતની ધરતીની આગવી ખાસિયત રહી છે અને વિશ્વભરમાં તેની પ્રતિષ્ઠા છે. અહિંસા એ કાયરતા નથી અને તેની શક્તિ કેટલી પ્રબળ હોય છે તે પણ આ જ ધરતી, અહીંના લોકોએ પૂરવાર કરી આપ્યું છે. નાગરિકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી તેને રચનાત્મક વિકાસની દિશામાં કામે લગાડી સહિયારા પુરૂષાર્થ દ્વારા સર્વાંગી પરિવર્તન આપણે સાધવું છે.
વધુમાં કલેકટરએ કહ્યું કે, વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રને સશક્ત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે અનેક પગલાંઓ લઈ સર્વાંગી વિકાસની પ્રેરણા પૂરી પાડી છે. હાલના આધુનિક સમયમાં સ્વદેશી વસ્તુઓના ઉપયોગ થકી આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આપણે સૌએ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ અને રાષ્ટ્રને આર્થિક રીતે મજબૂત બનાવવામાં યોગદાન આપવું જોઈએ.
વધુમાં કલેકટરએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના વિઝન અને મુખ્યમંત્રીના નેતૃત્વમાં વર્ષ ૨૦૩૦માં ગુજરાત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થનાર છે જે આપણા સૌ માટે ખૂબ જ ગૌરવની વાત છે. જેના પરિણામે આપણે સૌ રમત ગમત ક્ષેત્રે ખાસ રુચિ લઈ રમત ગમત ક્ષેત્રે જાગૃતતા કેળવાઈ અને કોમનવેલ્થ ગેમ્સમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વધુમાં વધુ ભાગીદારી સુનિશ્ચિત થાય તેવા પ્રયત્નો કરવાના છે.
વધુમાં કલેકટરએ કહ્યું કે, ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ દેવભૂમિ દ્વારકા જિલ્લો સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાં પૌરાણિક, ઐતિહાસિક, પુરાતત્વીય, સામાજિક, આર્થિક અને કૃષિક્ષેત્રે મહત્વનું સ્થાન ધરાવતો જિલ્લો છે. તેની આગવી ભાતીગળ લોકસંસ્કૃતિ અને લોકજીવનના કારણે વધુ ખ્યાતિ પામ્યો છે. છેલ્લા થોડા વર્ષોમાં દેવભૂમિ દ્વારકા શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ માનીતું આસ્થાનું કેન્દ્ર બન્યું છે. છેલ્લા થોડા વર્ષોમાં પ્રવાસીઓનો વધો પ્રવાહ દેવભૂમિ દ્વારકા જિલ્લાને ટૂરિસ્ટો માટે ફેવરિટ ડેસ્ટિનેશન બનવાની દિશામાં પ્રોત્સાહિત કરી રહ્યું છે. માત્ર પ્રવાસન જ નહીં કૃષિ, ઉદ્યોગ, રિન્યુએબલ એનર્જી સહિત તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસની દિશામાં જિલ્લો અગ્રેસર બની રહ્યો છે.
વધુમાં કલેકટરએ કહ્યું કે, હાલના સમયમાં વીજળીએ આપણી રોજિંદા જીવનનો અભિન્ન હિસ્સો બની ગયો છે ત્યારે મારો સૌ જિલ્લાવાસીઓને અનુરોધ છે કે આપણે સૌ જ્યારે જરૂર હોય ત્યારે જ વીજ વપરાશ કરીએ અને બિનજરુરી વીજ વપરાશ ટાળીએ. ઉપરાંત, વીજળી સાથે પાણીના સંગ્રહ અને કરકસરપૂર્વક ઉપયોગનો આગ્રહ રાખીએ.
વધુમાં કલેકટરએ કહ્યું કે, સાંપ્રત સમયમાં વિવિધ રોગોનું પ્રમાણ વધ્યું છે. આપણી જમીનો અતિરેક રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગના અરિનમે દૂષિત બની છે જેની સીધી અસર પર્યાવરણ પર દેખાઈ રહી છે. ત્યારે હવે આપણે પ્રાકૃતિક કૃષિ તરફ વળી આપણી જમીનને ફળદ્રુપ બનાવીને પર્યાવરણના સંરક્ષણમાં યોગદાન આપીએ. ઉપરાંત, વડાપ્રધાનએ મહાત્મા ગાંધીજીએ જેને પોતાનો જીવનમંત્ર બનાવ્યો એવી સ્વચ્છતાની આદતને અનુસરીને સ્વચ્છતા પ્રધાન આપી દેશવાસીઓને પ્રેરણા આપી છે તેને આપણે સૌ આપણા જીવનનો અભિન્ન ભાગ ગણી સ્વચ્છતા જાળવવી જોઈએ.
પ્રજાસત્તાક દિવસએ આપણા સૌ ભારતીયોમાં આનંદ, ઉલ્લાસ અને નવા વિચારોનો સંચાર કરે છે. તે દેશવાસીઓને પ્રતિજ્ઞા લેવા માટે પણ પ્રેરિત કરે છે કે, અમર શહીદોના બલિદાનને વ્યર્થ નહીં જવા દે અને પોતાની દેશની રક્ષા, ગૌરવ અને ઉત્થાન માટે હંમેશા સમર્પિત રહેશે. ત્યારે અહીં ઉપસ્થિત દરેક નાગરિક સ્વચ્છતા, પર્યાવરણ જાળવણી, પાણી-વીજળી બચાવ તથા પરસ્પર સદભાવના જાળવવાના કર્તવ્ય પાલનના શપથ લે તે જ આજના દિવસની સાર્થક ઉજવણી ગણાશે.
આ જ શબ્દો સાથે, હું ફરી એક વાર આપને અને આપના પરિવારના સભ્યો તથા સૌ દેવભૂમિ દ્વારકા વાસીઓને ગણતંત્ર દિવસ અને આપના સ્વર્ણિમ ભવિષ્ય માટે અનેકાનેક શુભકામના પાઠવું છું.
૭૭માંપ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પોલીસ, આરોગ્ય અને આઈ.સી.ડી.એસ, વાસ્મો, શિક્ષણ, સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર વિભાગ, વન વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, પ્રાકૃતિક કૃષિ અને આત્મા પ્રોજેક્ટ સહિત વિવિધ વિભાગના ટેબલોનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
૭૭માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં એસ.આર.કરમૂર માધ્યમિક શાળાના વિધાર્થીઓ દ્વારા સર્વાંગ સુંદર વ્યાયામ, ભાણવડ તાલુકા શાળા નં.૦૩ના વિધાર્થીઓ દ્વારા દેશભક્તિ અભિનય, વી.એમ.ઘેલાણી સરકારી હાઈસ્કૂલ,ભાણવડના વિધાર્થીઓ દ્વારા લોકગીત ફ્યુઝન તથા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખંભાળિયા વિધાર્થીઓ દ્વારા સ્કૂલ બેન્ડ સહિતની સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.
૭૭માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં શ્રેષ્ઠ પરેડ, શ્રેષ્ઠ ટેબ્લો, શ્રેષ્ઠ સાંસ્કૃતિક કૃતિ પ્રસ્તુત કરનાર તેમજ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓને કલેકટર સહિતના મહાનુભાવો હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ થકી જિલ્લા તથા રાજ્યને હરિયાળું બનાવવા માટે પ્રેરિત કર્યા હતા.
ભાણવડ ખાતે ૭૭માં પ્રજાસત્તાક પર્વની આન,બાન અને શાન સાથે થયેલી ઉજવણીમાં ધારાસભ્ય મુળુભાઇ બેરા, જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક હેતલ જોશી, નાયબ પોલીસ અધિક્ષક વિસ્મય માનસેતા, સાગર રાઠોડ, પ્રાંત અધિકારી કે.કે.કરમટા, નગરપાલિકા પ્રમુખ પ્રિયેશભાઈ અનડકટ, અગ્રણી સર્વે સગાભાઈ રાવલિયા, અજય કારાવદરા સહિત બહોળી સંખ્યામાં નાગરિકો, વિધાર્થીઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહાલારની સરકારી પ્રા.શાળાઓમાં વધુ એક પ્રયોગ, કર્મીઓને ખાનગી અહેવાલ ઓનલાઇન ભરવાનો રહેશે
October 03, 2026 02:22 PMપ્રાંત ૧ કચેરીમાં અશાંત ધારાની અટકી પડેલી ૮૦થી વધુ ફાઈલોનો નિકાલ
October 03, 2026 02:20 PMજામનગર: કાલાવડમાં નોંધાયેલી ફરીયાદોમાં અલ્પેશ દોંગાનો જેલમાંથી કબ્જો લેવાશે
October 03, 2026 02:15 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
