BREAKING NEWS

પ્રાંત ૧ કચેરીમાં અશાંત ધારાની અટકી પડેલી ૮૦થી વધુ ફાઈલોનો નિકાલ

  • October 03, 2026 02:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ પ્રાંત-૧ કચેરીમાં લાંબા સમયથી અટવાયેલી મહેસૂલી કામગીરીને હવે વેગ મળ્યો છે. અશાંતધારા હેઠળની ૮૦થી વધુ પડતર ફાઈલોનો નિકાલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રેન્ટ, મેઇન્ટેનન્સ તેમજ લેન્ડ ગ્રેબિંગના કેસોમાં પણ કામગીરી તેજ થતાં લાંબા સમયથી રાહ જોઈ રહેલા અરજદારો અને વકીલોને રાહત મળી છે.

જાણવા મળતી માહિતી મુજબ, પ્રાંત-૧ કચેરીમાં અગાઉ લાંબા સમયથી મહત્વની કામગીરી અટકી પડેલી હોવાના કારણે જમીન સંબંધિત અરજીઓના નિકાલમાં વિલંબ થતો હતો. ખાસ કરીને અશાંતધારા હેઠળની અરજીઓમાં સુનાવણી અને નિર્ણયની પ્રક્રિયા ધીમી પડતાં અરજદારોને વારંવાર કચેરીના ધક્કા ખાવા પડતા હતા. પરિણામે વકીલો દ્વારા પણ કામગીરી ઝડપી બનાવવા રજૂઆતો કરવામાં આવી હતી. હવે કચેરીમાં અધિકારીની નિયમિત કામગીરી શરૂ થતાં વિવિધ મહેસૂલી કેસોની સુનાવણી અને નિકાલની પ્રક્રિયાને ગતિ મળી છે. અશાંતધારાની ૮૦થી વધુ ફાઈલોનો નિકાલ થવો તે આ દિશામાં મહત્વપૂર્ણ કામગીરી ગણાઈ રહી છે. સાથે જ રેન્ટ અને મેઇન્ટેનન્સ સંબંધિત કેસોમાં પણ જરૂરી કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે. લેન્ડ ગ્રેબિંગના કેસોમાં પણ સુનાવણી માટે તારીખો આપવામાં આવી રહી હોવાથી લાંબા સમયથી પેન્ડિંગ રહેલા કેસો આગળ વધી રહ્યા છે. જેના કારણે અરજદારો તેમજ આવા કેસોમાં રજૂઆત કરતા વકીલોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application