ખેડૂતોને તેમની ઉપજના પૂરતા અને પોષણક્ષમ ભાવ મળી રહે તેવા શુભ આશયથી ભારત સરકાર દ્વારા પ્રતિવર્ષ વિવિધ જણસીઓની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. ચાલુ વર્ષ ૨૦૨૬-૨૭માં ગુજરાતના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કપાસ પાકની ખરીદી માટે સરકાર દ્વારા નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા ઈચ્છુક ખેડૂત મિત્રો આગામી તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ સુધીમાં ભારતીય કપાસ નિગમ લિ. (CCI)ની “કપાસ કિસાન” એપ્લિકેશન પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં ખરીફ પાકોનું વાવેતર શરૂ થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ના ખરીફ પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત લંબતારી કપાસ માટે રૂ. ૮,૬૬૭ પ્રતિ ક્વિન્ટલ તથા મધ્યમ તારી કપાસ માટે રૂ. ૮,૨૬૭ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.
"કપાસ કિસાન" એપ પર નોંધણી કરાવવાથી ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ હેઠળની ખરીદી સેવાઓ, ખરીદી કેન્દ્રોની વિગત અને તેને સંબંધિત અન્ય તમામ માહિતી મેળવવામાં સુગમતા રહેશે. ખરીદી કેન્દ્રો તથા MSP અંગેની વધુ વિગતો માટે ભારતીય કપાસ નિગમ લિમિટેડ (CCI)ની સત્તાવાર વેબસાઇટ www.cotcorp.org.in ની મુલાકાત પણ લઇ શકાય છે. આ ઉપરાંત નોંધણી કરવામાં સહાય મેળવવા માટે ખેડૂતો વોટ્સએપ નંબર +91 9428237246 નો પણ સંપર્ક કરી શકે છે.
રાજ્યના તમામ કપાસ પકવતા ખેડૂત ભાઈઓ-બહેનોને ટેકાના ભાવે કપાસ વેચાણનો મહત્તમ લાભ લેવા માટે સમયમર્યાદામાં "કપાસ કિસાન" મોબાઇલ એપ પર સત્વરે પોતાની નોંધણી કરાવી લેવા રાજ્યની ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.