રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજકીય નેતા શંકરસિંહ વાઘેલા ફરી એકવાર કોંગ્રેસ પક્ષમાં જોડાય તેવી શક્યતાઓ પ્રબળ બની રહી છે. વર્ષ ૨૦૧૭માં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાના નવ વર્ષના લાંબા અંતરાલ બાદ તેમની પક્ષમાં 'ઘરવાપસી' માટેની તૈયારીઓ ચાલી રહી હોવાની પુષ્ટિ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કરી છે. આ સમાચાર બહાર આવતા જ રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે અને આગામી રાજકીય સમીકરણો બદલાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. આ અંગે શંકરસિંહ વાઘેલાએ પણ કોંગ્રેસમાં જોડાવા તૈયાર હોવાનું જાણવા મળ્યું છે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, શંકરસિંહ વાઘેલા સહિત અન્ય કેટલાક અગ્રણી નેતાઓને પક્ષમાં આવકારવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે સતત ચર્ચા-વિચારણા ચાલી રહી છે. દિલ્હી સ્થિત પક્ષના હાઇકમાન્ડ તરફથી આખરી સંકેત અને 'લીલીઝંડી' મળ્યા બાદ જ વાઘેલાના વિધિવત પ્રવેશ અંગેનો આખરી નિર્ણય જાહેર કરવામાં આવશે. ચાવડાએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં ભાજપની નીતિઓથી અસંતુષ્ટ ઘણા નેતાઓ અને લોકો એકજૂથ થઈને કોંગ્રેસને જ મુખ્ય વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે.
રાજકીય વ્યૂહરચના અંગે વાત કરતા પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે, શંકરસિંહ વાઘેલા પણ સતત ભાજપની નીતિઓ સામે ખુલ્લીને લડત લડી રહ્યા છે અને જાહેર નિવેદનો આપી રહ્યા છે. તેમની સાથે અને તેમની પાર્ટીના અન્ય સાથીઓ સાથે પણ વાતચીતનો દોર ચાલુ છે. ૨૦૨૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે તમામ વિરોધી તાકાતો એક થઈને પરિવર્તન લાવવાના સંકલ્પ સાથે આગળ વધી રહી છે. આગામી સમયમાં રાજ્યના ઘણા જાણીતા ચહેરાઓ અને નેતાઓ કોંગ્રેસના એક જ મંચ પર જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે, શંકરસિંહ વાઘેલાનો રાજકીય ઇતિહાસ ખૂબ જ રસપ્રદ રહ્યો છે. વર્ષ ૧૯૯૫માં તેમણે ભાજપ સામે બળવો કરીને 'રાષ્ટ્રીય જનતા પાર્ટી' (રાજપા) બનાવી હતી અને બાદમાં કોંગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી બન્યા હતા. ૧૯૯૮માં તેઓ વિધિવત કોંગ્રેસમાં જોડાયા હતા, પરંતુ ૨૦૧૭ની ચૂંટણી પહેલા તેમણે પોતાના જૂથના ધારાસભ્યો સાથે રાજીનામું આપી કોંગ્રેસમાં મોટું વિભાજન સર્જ્યું હતું. ત્યારબાદ તેમણે 'જનવિકલ્પ મોરચો' બનાવ્યો હતો, પરંતુ ૨૦૧૭ની ચૂંટણીમાં તેમને સફળતા મળી નહોતી.
ત્યારપછીના વર્ષોમાં, જાન્યુઆરી ૨૦૧૯માં તેઓ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)માં જોડાયા અને રાષ્ટ્રીય મહામંત્રી બન્યા, પરંતુ યોગ્ય માન-સન્માન ન મળતા એનસીપી પણ છોડી દીધી હતી. તાજેતરમાં નવેમ્બર ૨૦૨૪માં તેમણે પોતાના નિવાસસ્થાન 'વસંત વગડો' ખાતે સ્નેહ મિલન બેઠક યોજીને 'પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી'ની રચના કરી હતી. હવે બદલાતા રાજકીય પરિપ્રેક્ષ્યમાં નવ વર્ષ બાદ તેમની ફરી કોંગ્રેસમાં વાપસીની અટકળોએ રાજ્યના રાજકારણને નવો મોડ આપ્યો છે.