BREAKING NEWS

ગિફ્ટ સિટીમાં વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી: હર્ષ સંઘવીના હસ્તે ‘ગુજરાત પ્રવાસન વર્ષ’નો લોગો અને ફિલ્મ શૂટિંગ પોર્ટલ લોન્ચ

  • September 27, 2026 04:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ને ‘ગુજરાત પ્રવાસન વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં “વિશ્વ પ્રવાસન દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પ્રવાસન રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામિત ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે ‘ગુજરાત પ્રવાસન વર્ષ’નો અધિકૃત લોગો જાહેર કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓને શ્રેષ્ઠ સુવિધાઓ અને યાદગાર અનુભવ પૂરો પાડવા માટે પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ ભાગીદારોએ સામૂહિક ભાગીદારીથી કાર્ય કરવું પડશે. હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ, ટૂર ઓપરેટર્સ તેમજ ટેક્સી-રિક્ષા ચાલકો સહિતના તમામ સ્ટેકહોલ્ડર્સ જો 'સ્વચ્છતા', 'સ્વાસ્થ્ય' અને 'સોફ્ટ સ્પોકન સ્કિલ' એમ ત્રણ બાબતો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરશે, તો ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર બુલેટ ટ્રેન કરતાં પણ વધુ ઝડપે પ્રગતિ કરશે અને સરકાર આ માટે પૂરતો સહયોગ પૂરો પાડશે.

સોમનાથ, અંબાજી, પાવાગઢ અને દ્વારકા જેવા ધાર્મિક તથા આધ્યાત્મિક સ્થળો પર થઈ રહેલા મોટા પાયાના વિકાસ કાર્યોની સાથે સ્થાનિક કક્ષાએ સ્વચ્છતા અને નાગરિક ફરજોની જાળવણી એ એક સામાજિક ક્રાંતિ સમાન છે. દરેક સાંસ્કૃતિક કાર્યક્રમો કે તહેવારોને પ્રવાસન સાથે સાંકળવામાં આવે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ વૈશ્વિક રમતગમત અને પ્રવાસનને જોડતી મહત્વની જાહેરાત કરતા કહ્યું હતું કે, વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી સ્પોર્ટ્સ ઇવેન્ટ 'હાયરોક્સ'નું આયોજન આગામી તા. ૨૬ થી ૨૮ નવેમ્બર દરમિયાન ગાંધીનગરમાં થશે, જેમાં ૧,૦૦૦થી વધુ વિદેશી એથલીટ્સ સહિત કુલ ૧૦,૦૦૦ જેટલા પ્રવાસીઓ ભાગ લે તેવી શક્યતાઓ છે. આ ઇવેન્ટમાં ભાગ લેનારા ખેલાડીઓ માટે સાંજે વિશેષ ‘ભજન ક્લબિંગ’નું આયોજન પ્રવાસન નિગમ દ્વારા કરાશે. તે જ રીતે, આગામી તા. ૧૪ ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં આયર્નમેન/હાફ-આયર્નમેન ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે, જે ગુજરાતના સ્પોર્ટ્સ ટૂરિઝમને વૈશ્વિક નકશા પર નવું સ્થાન અપાવશે.

પ્રવાસન ક્ષેત્રે રોજગારી વધારવા માટે અંબાજી, સોમનાથ, દ્વારકા અને પાવાગઢ જેવા ધાર્મિક સ્થળોનો આધુનિક વિકાસ કરાઈ રહ્યો છે. નવી હોમસ્ટે નીતિ હેઠળ ૧૦૦ પસંદગીના ગામડાઓમાં પરંપરાગત શૈલી જાળવીને આધુનિક સુવિધાઓવાળા હોમસ્ટે વિકસાવાશે તથા કવાંટની હોળી, ઉત્તરાયણ અને નવરાત્રિ જેવા ઉત્સવો તેમજ ધરોઈ વોટર રિઝર્વોયર અને શિવરાજપુર જેવા ઈકો-ટૂરિઝમ સ્થળોએ વિદેશી પ્રવાસીઓને આકર્ષવા ટૂર ઓપરેટર્સને ગેપ ફંડિંગ આપવાની દિશામાં પણ રાજ્ય સરકાર રજૂઆતોના આધારે સકારાત્મક સહયોગ આપશે.

રાજ્ય સરકાર પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે પોલિસીઓ, તાલીમ અને ગેપ ફંડિંગ આપવા તત્પર છે. મંત્રીએ રાજ્યના ટૂર ઓપરેટર્સને માત્ર સરકાર પર નિર્ભર રહેવાને બદલે નવરાત્રિ, પતંગ ઉત્સવ અને છોટાઉદેપુરની કવાંટની હોળી જેવા અનોખા સાંસ્કૃતિક ઉત્સવો માટે આકર્ષક ટૂર પેકેજીસ બનાવી વિદેશી પ્રવાસીઓને આકર્ષવા અપીલ કરી હતી. આ ઉપરાંત ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં હોમસ્ટે કલ્ચર અને હાઇજિનિક વ્યવસ્થાઓને પ્રોત્સાહન આપવા નવી પોલિસીમાં સુધારા કરવા તેમજ ૧,૦૦૦થી વધુ નવા ટૂર ગાઇડ્સ તૈયાર કરવા સહિત સ્કીલ ડેવલપમેન્ટ પર ભાર મૂકવામાં આવ્યો છે, તેમ પણ મંત્રીએ જણાવ્યું હતું.

રાજ્યમાં સિનેમેટિક ટૂરિઝમ અને ડેસ્ટિનેશન પ્રમોશનને વેગ આપવા માટે નાયબ મુખ્યમંત્રીના હસ્તે ‘ગુજરાત ફિલ્મ શૂટિંગ પરમિશન પોર્ટલ’નું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સિંગલ વિન્ડો ડિજિટલ પોર્ટલ મારફતે ફિલ્મ શૂટિંગ માટેની વિવિધ મંજૂરીઓ અને NOC સરળ, ઝડપી અને પારદર્શક બનશે.

આ ઉપરાંત પ્રવાસન ઇકોસિસ્ટમને વધુ સુદ્રઢ બનાવવા માટે સ્પોર્ટ્સ, ટેક્નોલોજી, કૌશલ્ય તાલીમ અને શિક્ષણ ક્ષેત્રે ૦૮ MoU સંપન્ન કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ‘હાયરોક્સ/ આયર્નમેન’ સાથે સ્પોર્ટ્સ ટૂરિઝમ માટે, ‘બૂક માય શો’ સાથે ડિજિટલ ટિકિટિંગ માટે તથા કચ્છ યુનિવર્સિટી, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, SVNIT, કૌશલ્ય-ધ સ્કીલ યુનિવર્સિટી, ટાટા કોમ્યુનિટી ઇનિશિયેટિવ્સ ટ્રસ્ટ (ટાટા સ્ટ્રાઇવ) અને EDII સાથે કૌશલ્ય વિકાસ માટેની ભાગીદારીનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમ દરમિયાન ગીર સોમનાથના હોમસ્ટે સંચાલક પાર્થ હડિયા અને કચ્છના ટૂરિસ્ટ ગાઇડ કેતન ગિરી ગોસ્વામી જેવા સ્થાનિક સ્ટેકહોલ્ડર્સે પોતાની સફળતાની ગાથાઓ રજૂ કરી હતી. સાથે જ, રાજ્યના કેટલાક હોમસ્ટે સંચાલકો અને ટૂર ગાઇડ્સને ‘ટૂરિઝમ ચેમ્પિયન્સ’ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સમારોહમાં ‘Hospitality, MICE & Investment’ વિષય પર ઉચ્ચસ્તરીય પેનલ ચર્ચા યોજાઈ હતી તેમજ રાજ્યના કારીગરો દ્વારા મીનાકારી, કાષ્ઠકલા અને અકીક પથ્થરની કારીગરીનું જીવંત નિદર્શન પણ રજૂ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના પ્રારંભે પ્રવાસન સચિવ ડૉ. કુલદીપ આર્ય દ્વારા સમગ્ર કાર્યક્રમની વિસ્તૃત ભૂમિકા આપીને સૌનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાત પ્રવાસન નિગમના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. વિપિન ગર્ગ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજા સહિત વરિષ્ઠ અધિકારીઓ અને ઉદ્યોગજગતના અગ્રણીઓ સહિત પ્રવાસન ક્ષેત્ર સાથે જોડાયેલા નાગરિકો, હોટેલિયર્સ અને ટૂર ઓપરેટર્સ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application