BREAKING NEWS

લોહીલુહાણ છતાં ગુજરાતી પાઇલટ હિંમત ન હાર્યો, પ્લેન ક્રેશ થતું રોકાવતા મોદીથી લઈ ટ્રમ્પ સુધી વિશ્વના નેતાઓ આફરીન: જાણો સ્મિત મચ્છર વિશે શું લખ્યું

  • October 01, 2026 04:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઈકાલે દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટ એક મોટી દુર્ઘટનામાં માંડ માંડ બચી ગઈ હતી. ઓમાનના કો-પાઇટલે ગુજરાતી પાઇલટ સ્મિત મચ્છર પર છરી વડે હુમલો કરી વિમાનને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના દરમિયાન સ્મિત મચ્છરે બહાદુરી દર્શાવી અને વિમાનમાં સવાર 180 લોકોના જીવ બચાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. કેપ્ટન સ્મિતની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈ ટ્રમ્પ સુધીના વિશ્વના નેતાઓ પણ સ્મિત મચ્છરની બહાદૂરી પર આફરીન છે. 

મોદીએ એક્સ પર પોસ્ટમાં કેપ્ટન સ્મિત મચ્છરને 'હીરો' ગણાવ્યા છે અને ઝડપથી સ્વસ્થ થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરી છે

ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સ્મિતની બહાદુરીની પ્રશંસા કરી, તેમને સાચા હીરો ગણાવ્યા હતા. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ભારતીય પાયલોટની પ્રશંસા કરી છે. ટ્રમ્પે કહ્યું કે તેમણે આ ઘટના વિશે નેતન્યાહૂ સાથે વાત કરી છે.

નેતન્યાહૂએ એક્સ પર લખ્યું, સ્મિત મચ્છરની અસાધારણ બહાદુરીને મારી સલામ છે. છરીથી ગંભીર રીતે ઘાયલ થયા હોવા છતાં, તેમણે હુમલાખોરનો સામનો કર્યો અને કોકપીટનો દરવાજો ખોલ્યો. આનાથી મુસાફરો અને ક્રૂ હુમલાખોર પર કાબુ મેળવી શક્યા અને હવામાં એક મોટી દુર્ઘટના ટળી. તેમણે ઇઝરાયેલી નાગરિકો સહિત 180 લોકોના જીવ બચાવ્યા હતા. હું કેપ્ટન મચ્છરને ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવું છું.

કેપ્ટન સ્મિત મચ્છરે ગઈકાલે ફ્લાયદુબઈ ફ્લાઇટના કોકપીટમાં કથિત હાઇજેકિંગના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. અહેવાલો અનુસાર, ફ્લાઇટ એફઝેડ 1073ના કોકપીટમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી જ્યારે એક ઓમાની પાઇલટે કથિત રીતે વિમાનને હાઇજેક કરવાનો અને તેને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો.

ઘટના દરમિયાન, બે પાઇલટ વચ્ચે ઝપાઝપી થઈ હતી અને કેપ્ટન મચ્છર પર છરાબાજી કરવામાં આવી હતી. તેમને ગંભીર ઈજા થઈ હતી. તેમ છતાં, તેમણે કોકપીટનો દરવાજો ખોલવામાં સફળતા મેળવી હતી, જેનાથી મુસાફરો અંદર પ્રવેશી શક્યા હતા અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. વિમાન તેલ અવીવમાં ઉતર્યા પછી, મુસાફરોએ ઇઝરાયેલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને ઘટના વિશે જાણ કરી હતી.

બે અન્ય પાઇલટ પણ વિમાનમાં હતા. ત્યારબાદ તેઓએ વિમાનનો નિયંત્રણ પોતાના હાથમાં લીધો, તેને સાઉદી અરેબિયા તરફ વાળ્યું અને ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. હુમલામાં ઘાયલ થયેલા કેપ્ટન સ્મિત મચ્છરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, તેમની હાલત સ્થિર છે. હુમલા બાદ, મુસાફરો અને ક્રૂ પાઇલટને કાબુમાં લેવામાં સફળ રહ્યા હતા. વિમાન ઉત્તરપશ્ચિમ સાઉદી શહેર તાબુકના એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું. વિમાનમાં સવાર મોટાભાગના મુસાફરો ઇઝરાયલી હતા. બાદમાં તમામ મુસાફરોને ખાસ ફ્લાઇટમાં તેલ અવીવ લઈ જવામાં આવ્યા હતા.

મચ્છર મૂળ ગુજરાતી અને મુંબઈના ઘાટ કોપરના રહેવાસી

કેપ્ટન સ્મિત મચ્છર મૂળ ગુજરાતી અને મુંબઈના ઘાટ કોપરનો રહેવાસી છે. જૂન 2022થી ફ્લાયદુબઈમાં કેપ્ટન તરીકે સેવા આપી રહ્યા છે. આ પહેલા, તેમણે સ્પાઇસજેટમાં લગભગ 11 વર્ષ કામ કર્યું હતું, જ્યાં તેમણે સિનિયર કમાન્ડરનું પદ સંભાળ્યું હતું. મચ્છરે લાઇન ટ્રેનિંગ કેપ્ટન તરીકે પણ સેવા આપી છે. આ ભૂમિકામાં, તેમને તાલીમ, માર્ગદર્શન અને પાઇલટ્સની ક્ષમતાઓનું મૂલ્યાંકન કરવાનો અનુભવ છે. ગુજરાતી પાઇલટ સ્મિત મચ્છરે વેલિંગકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાંથી બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (બીબીએ) ડિગ્રી મેળવી છે. ઉડ્ડયન ક્ષેત્રમાં તેમના લાંબા અનુભવ દરમિયાન, તેમણે પાઇલટ તાલીમ અને માર્ગદર્શન સંબંધિત જવાબદારીઓ પણ નિભાવી છે.

સ્મિત તમે તો હીરો છો, ભારતને તમારા પર ગર્વઃ પીએમ મોદી

પીએમ મોદીએ એક્સ પર લખ્યું કે, કેપ્ટન સ્મિત મચ્છર તમે તો એક હીરો છો. ગંભીર જોખમનો સામનો કરતી વખતે અને ગંભીર રીતે ઘાયલ થયા હોવા છતાં તમે અપાર હિંમત અને અન્ય લોકોના જીવનનું રક્ષણ કરવાનો અદમ્ય સંકલ્પ દર્શાવ્યો હતો. તમારી બહાદુરીએ સેંકડો લોકોના જીવ બચાવવામાં અને મોટી દુર્ઘટના ટાળવામાં મદદ કરી હતી. ભારતને કેપ્ટન મચ્છર પર ગર્વ છે. તમારી ઝડપી સ્વસ્થતા, નવી શક્તિ અને સારા સ્વાસ્થ્ય માટે ઈશ્વરને પ્રાર્થના.

ઈઝરાયેલી પ્લમ્બરની ખાસ ભૂમિકાની ટ્રમ્પે પ્રશંસા કરી 

ટ્રમ્પે કહ્યું કે એક ઇઝરાયેલી પ્લમ્બરે પણ વિમાનનો નિયંત્રણ લીધો અને તેને ક્રેશ થતું અટકાવ્યું હતું. પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે સમજાવ્યું કે વિમાનને હાઇજેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એક ઇઝરાયેલી પ્લમ્બરે હુમલાખોરને તેની સીટ પરથી ખેંચીને નીચે ફેંકી દીધો હતો. ત્યારબાદ અન્ય મુસાફરોએ હુમલાખોર પર કાબુ મેળવ્યો હતો. ટ્રમ્પના મતે, પ્લમ્બરે વિમાનનો કબજો સંભાળી લીધો હતો. તેણે પહેલાં ક્યારેય ઉડાન ભરી ન હતી. તેણે વિમાનને ક્રેશ થતા બચાવ્યું હતું. તેવી મેં આ વાત સાંભળી છે. મને ખબર નથી કે તે સાચું છે કે નહીં. તેમાં 180 મુસાફરો સવાર હતા. બધા મુસાફરો ખાસ વિમાનમાં ઇઝરાયેલમાં સુરક્ષિત રીતે પહોંચ્યા હતા. ઇઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું.


હુમલાખોર એક ઇસ્લામિક ઉગ્રવાદી છે!

ડેઇલી મેઇલના અહેવાલ મુજબ હુમલાખોર ઓમાની નાગરિક અને ધાર્મિક ઉગ્રવાદી હોઈ શકે છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે હિંસક પાઇલટનું વર્તન ખૂબ જ વિચિત્ર હતું, ખાસ કરીને કડક ધાર્મિક રિવાજો બાબતે. તે ખૂબ નમાજ પઢતો રહેતો અને અને મહિલાઓ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો.ઇઝરાયલ ખાસ તપાસ કરી રહ્યું છે કે કેવી રીતે એક કટ્ટરપંથી ઓમાની પાઇલટ, જેણે મહિલાઓ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો, તેને ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી, અને જેણે સાથી પાઇલટને છરી મારીને વિમાન હાઇજેક કરવાનો પ્રયાસ કર્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application