ઓછા વરસાદ વચ્ચે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ છલોછલ ભરાવાની આરે
ઓછા વરસાદ વચ્ચે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ છલોછલ ભરાવાની આરે
September 30, 2026 10:05 AM
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ હવે સંપૂર્ણ ભરાવાની અતિ નજીક પહોંચી ગયો છે. ડેમની જળ સપાટી સતત વધી રહી છે અને મંગળવારે સાંજે તે ૧૩૮.૫૯ મીટર પર પહોંચી છે. ડેમની મહત્તમ જળ સપાટી ૧૩૮.૬૮ મીટર છે, જે દર્શાવે છે કે ડેમ સંપૂર્ણ ભરાવાની સપાટીથી હવે માત્ર ૯ સેન્ટીમીટર જ દૂર છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે કેવડીયા પહોંચ્યા હતા અને તેમણે નર્મદા નીરના વધામણા કરશે. આગામી ગણતરીના કલાકોમા જ્યારે ડેમ છલોછલ ભરાઈને છલકાશે, ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા ડેમ ખાતે ઉપસ્થિત રહીને નર્મદાના નીરના વધામણા કરશે ,બપોરે ૪ વાગ્યે મુખ્યમંત્રી દ્વારા નર્મદાના નીરના વધામણા કરવા કેવડીયા પહોંચશે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. હાલમાં ડેમમાં ૪૯,૭૧૮ ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે, જેના કારણે ડેમમાં પાણીનો જથ્થો વધતા જળ સપાટી પણ સતત ઉપર જઈ રહી છે. હાલ નર્મદા ડેમ ૯૯.૬૦ ટકા ભરાઈ ગયો છે. આજે ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં ગુજરાત માટે પીવાના પાણીના સંદર્ભમાં મોટી રાહત રહેવાની આશા છે. રાજ્યના અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠો જાળવી રાખવામાં મદદ મળશે. આગામી સમયમાં ઉનાળા દરમિયાન પણ પાણીની ઉપલબ્ધતા જાળવવા માટે ડેમમાં સંગ્રહિત પાણી મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. બીજી તરફ, નર્મદા ડેમના કેનાલ હેડ પાવર હાઉસના ત્રણ ટર્બાઇન મારફતે વીજ ઉત્પાદન પણ કરવામાં આવી રહ્યું છે. આમ, નર્મદા ડેમમાંથી પાણીની સાથે વીજ ઉત્પાદનનો પણ લાભ નર્મદા યોજનાના સહયોગી રાજ્યોને મળી રહ્યો છે.