BREAKING NEWS

ગુજરાતમાં આજે ટેટ સેકન્ડરીની પરીક્ષા, 75 હજારથી વધુ ઉમેદવારોની કસોટી, 493 પરીક્ષા કેન્દ્રો

  • September 20, 2026 10:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે નિમણૂક મેળવવા માટેની અત્યંત મહત્વપૂર્ણ એવી શિક્ષક અભિરુચિ કસોટી (ટેટ સેકન્ડ)ની મુખ્ય પરીક્ષા અમદાવાદ સહિત રાજ્યના મુખ્ય શહેરોમાં શરૂ થઈ ગઈ છે. પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરનારા ૭૫,૦૦૦થી વધુ હોશિયાર ઉમેદવારો આ મુખ્ય કસોટીમાં બેસી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં કુલ ૪૯૩ પરીક્ષા કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પરીક્ષા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.


આજે સવારે ૧૦:૩૦ કલાકથી શરૂ થઈ રહેલા પ્રથમ પેપર માટે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં ઉત્સાહપૂર્વક પ્રવેશ અપાયો હતો. પરીક્ષા કેન્દ્રોની બહાર અંતિમ મિનિટોમાં પણ ઉમેદવારો પુસ્તકો અને નોટ્સ દ્વારા તૈયારી કરતા નજરે પડ્યા હતા. બે સેશનમાં યોજાતી આ પરીક્ષા અંતર્ગત પેપર-૧ સવારે ૧૦:૩૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી અને પેપર-૨ બપોરે ૩:૦૦ થી સાંજના ૬:૦૦ વાગ્યા સુધી યોજાઈ રહી છે.


અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી દ્વારા પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વ્યાપક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ૮૪ કેન્દ્રો પર ૧૫ હજારથી વધુ અને પશ્ચિમ વિસ્તારમાં ૮૭ કેન્દ્રો પર ૧૬ હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. અનિચ્છનીય ઘટના અટકાવવા કેન્દ્ર સંચાલકો, બ્લોક સુપરવાઇઝરો અને ઓબ્ઝર્વરોને ખાસ તાલીમથી સજ્જ કરાયા છે.


બીજી તરફ સુરત જિલ્લાના કુલ ૧૫,૯૫૮ ઉમેદવારો માટે ૮૪ બિલ્ડિંગમાં ૮૦૬ બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉમેદવારોને કોઈ અગવડ ન પડે તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે અને નિયત સમય પહેલાં કેન્દ્ર પર પહોંચવા અપીલ કરાઈ છે.

વડોદરા શહેરમાં કુલ ૬૩ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ રહી છે, જેમાં કુલ ૧૨,૫૪૬ ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે. વડોદરામાં પણ ઉમેદવારોને મુશ્કેલી ન પડે તે માટે જરૂરી વ્યવસ્થાઓ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ઉમેદવારોને અગાઉથી જ પરીક્ષા સ્થળની માહિતી ચકાસી લેવા અને જરૂરી દસ્તાવેજો સાથે રાખવા સૂચના અપાઈ હતી.

રાજકોટ જિલ્લામાં અંદાજે ૧૫,૦૦૦ ઉમેદવારો માટે ૮૫ કેન્દ્રો પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટમાં પ્રથમ પેપર માટે સવારે ૯:૩૦ કલાકથી જ એન્ટ્રી શરૂ કરી દેવામાં આવી હતી. પ્રશાસન દ્વારા પરીક્ષા કેન્દ્રોની આસપાસ શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે વિશેષ જાહેરનામું બહાર પાડીને મજબૂત સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application