રાજકોટની ઐતિહાસિક ધર્મેન્દ્રસિંહજી આર્ટસ (ડી.એચ.) સરકારી કોલેજના આચાર્ય પરેશકુમાર નવતમલાલ રાવલને નાણાકીય છેતરપિંડી અને સત્તાના દુરુપયોગના ગંભીર આરોપો હેઠળ સેવાઓમાંથી તાત્કાલિક અસરથી ડિસમિસ (બરતરફ) કરી દેવામાં આવ્યા છે. કચ્છના રાપર અને ભુજ ખાતેની કોલેજોમાં ઇન્ચાર્જ આચાર્ય તરીકેની ફરજ દરમિયાન 'રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન' (રૂસા) હેઠળ ફાળવવામાં આવેલી રૂ. ૫૦ લાખની ગ્રાન્ટમાંથી રૂ. ૨૫.૩૬ લાખથી વધુ રકમની નાણાકીય ગેરરીતિ આચરવાનું તપાસમાં સાબિત થતાં રાજ્યપાલ દેવવ્રત આચાર્યના આદેશથી શિક્ષણ વિભાગ દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના ઉપસચિવ કે. આઈ. સોલંકી દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આદેશ મુજબ, આચાર્ય પરેશ રાવલ સામે ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો-૧૯૭૧ના નિયમ-૬ના પેટા નિયમ-(૭) હેઠળ 'રૂખસદ'ની સજા ફટકારવામાં આવી છે. આ ઓર્ડર અંતર્ગત તેઓ ભવિષ્યમાં કોઈ પણ સરકારી નોકરી માટે લાયક ઠરશે નહીં. રાવલ સામે પાંચમી ઓગસ્ટ ૨૦૧૧થી ૧૪ ડિસેમ્બર ૨૦૧૮ વચ્ચે કચ્છની રાપર સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ તેમજ ભુજની આર.આર. લાલન કોલેજમાં ફરજ દરમિયાન સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ, નિયમોનો અનાદર અને નાણાકીય ઔચિત્યના સિદ્ધાંતોનો ભંગ કરવાના કુલ છ ગંભીર આરોપો સરકારી તપાસમાં પૂરવાર થયા હતા.
તપાસ અહેવાલ મુજબ, પરેશ રાવલે વર્ષ ૨૦૧૬માં રૂસા યોજના હેઠળ મળેલી રૂ. ૫૦ લાખની ગ્રાન્ટમાંથી ખર્ચ કે ટૅન્ડરિંગની કોઈ પણ નિયમાનુસાર પ્રક્રિયા અનુસર્યા વિના જ મનસ્વી રીતે વર્ક ઓર્ડર્સ આપીને રૂ. ૨૫,૩૬,૭૭૨નો ખર્ચ કરી નાખ્યો હતો. ખરીદી અને વિકાસ કાર્યોની પ્રક્રિયામાં તેમણે ઉદ્યોગ અને ખાણ વિભાગની ખરીદનીતિના નિર્દેશોનો સરેઆમ અનાદર કર્યો હતો. આ ઉપરાંત, ભુજ ખાતેની ફરજ દરમિયાન હિસાબોમાં મોટાપાયે અનિયમિતતા, સરકારી રેકોર્ડ અને પી.એલ.એ. વાઉચર્સ ગુમ કરવા, ડેડસ્ટોક રજિસ્ટર કે કેશબુક ન લખવી તેમજ પસ્તી વેચાણની રકમ સરકારી ચલણથી જમા ન કરાવવા જેવી ગંભીર બેદરકારી દાખવી હતી.
આ ઉપરાંત તપાસમાં અન્ય ચોંકાવનારી ગેરરીતિઓ પણ સામે આવી હતી. 'ગ્રાન્ડ એજ્યુકેશન ફેર' દરમિયાન ૭૬ વિદ્યાર્થીઓ અને ત્રણ અધ્યાપકો માટે ભુજથી અમદાવાદ બસ ભાડે રાખવાના કિસ્સામાં એજન્સીના બિલ અને ટોલટેક્સ સ્લીપમાં બસ નંબરમાં સ્પષ્ટ વિસંગતતા હોવા છતાં ચકાસણી વિના જ ચૂકવણું કરી દેવાયું હતું. એટલું જ નહીં, ૨૯ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ જીમ પેટેના બિલનું ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ પી.એલ.એ. એકાઉન્ટમાંથી એક જ કામ માટે એક જ પાર્ટીને બે વાર ચૂકવણું કરી દેવાયું હતું. તેમજ ૨૦૧૪માં તિજોરી કચેરી દ્વારા અમાન્ય કરાયેલું ટીએ બિલ ૨૦૧૫માં નિયમો વિરુદ્ધ જઈને પી.એલ.એ. એકાઉન્ટમાંથી મંજૂર કરી ઊપાડી લેવાયું હતું.

સરકારી ધારાધોરણોનો ભંગ કરી સત્તાનો બેફામ દુરુપયોગ કરવા બદલ આચાર્ય પરેશ રાવલ સામે આ કડક શિક્ષાત્મક પગલું ભરવામાં આવ્યું છે. આ બરતરફીના પગલે રાજકોટની ડી.એચ. આર્ટસ કોલેજમાં આચાર્યની જગ્યા ખાલી પડતાં, શિક્ષણ વિભાગ દ્વારા રાજકોટની જ એ.એમ.પી. લો કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કમલેશ બુધ્ધભટ્ટીને ડી.એચ. કોલેજના આચાર્ય તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.