BREAKING NEWS

શાપર-વેરાવળને નગરપાલિકા બનાવવા રાજકોટ જિ.પં.ની સામાન્ય સભામાં દરખાસ્ત

  • September 22, 2026 09:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણી બાદ પ્રથમ વખત વિકાસ કામો માટેની સામાન્ય સભા ગત તા. ૨૧ના રોજ યોજાઈ હતી. જેમાં શાપર વેરાવળને નગરપાલિકા બનાવવા દરખાસ્ત કરવામાં આવી હતી. તેમજ ગ્રામ પંચાયતમાં કાર્ય સમય દરમિયાન હાજર ન રહેતા તલાટી મંત્રીઓ સામે ફરિયાદો ઉઠતા પ્રમુખ પીપળીયાએ તપાસના આદેશ આપ્યા છે.
સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા કુલ ૨૫ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. નરશી સોજિત્રાએ પ્રશ્ન ક્રમાંક ૧થી ૪, અલ્પાબેન તોગડિયાએ ૫થી ૮, સુમિતાબેન ચાવડાએ ૯થી ૧૨, જસ્મીન પીપળીયાએ ૧૩થી ૧૬, આરતીબેન જેતાણીએ ૧૭થી ૨૪ અને અરુણાબેન ભાષાએ પ્રશ્ન ક્રમાંક ૨૫ રજૂ કર્યો હતો. બેઠકમાં નાણાપંચ અંતર્ગત વિવિધ વિકાસ કામોની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી હતી. ૧૫મા નાણાપંચના જિલ્લા કક્ષાના ૧૦ ટકા કામોમાં હેતુફેરથી ૮૧ કામો માટે રૂ.૫.૪૬ કરોડ અને વ્યાજની રકમમાંથી ૨૨ કામો માટે રૂ.૧.૧૫ કરોડના કામોનો સમાવેશ કરાયો છે. જ્યારે ૧૬મા નાણાપંચની નવી ગાઈડલાઈન મુજબ જિલ્લા કક્ષાના ૧૦ ટકા હેઠળ ૧૬૪ નવા કામો માટે રૂ.૧૧.૧૩ કરોડની દરખાસ્ત રજૂ થઈ હતી. તેમાં નવા આંગણવાડી ભવન, ગ્રામ્ય કક્ષાએ ઘન કચરાના નિકાલની વ્યવસ્થા, મધ્યાહન ભોજન શેડ સહિત સભ્યો દ્વારા સૂચવાયેલા વિવિધ વિકાસ કામોનો સમાવેશ થાય છે. અંતે જિલ્લા પંચાયત પ્રમુખે સ્વચ્છતા જાળવવા અપીલ કરી અને બેઠકનું સમાપન કરાયું. બેઠકમાં ઉપપ્રમુખ સામંત બાંભવા, કારોબારી ચેરમેન નરશી સોજિત્રા, શાસક પક્ષના નેતા પારૂલબેન કણસાગરા, દંડક અમરશી ચૌહાણ સહિત વિવિધ સમિતિના ચેરમેનો, સભ્યો અને જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application