કુખ્યાત નિઠારી હત્યાકાંડના આરોપી સુરેન્દ્ર કોલીએ હરિદ્વારમાં ચાની દુકાનમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. કોલી હરિદ્વાર શહેર પોલીસ સ્ટેશનના ભૂપતવાલા વિસ્તારમાં રહેતો હતો. તે છેલ્લા કેટલાક દિવસોથી આ જ વિસ્તારમાં ચાની દુકાન ચલાવતો હતો. આ સમય દરમિયાન તેણે ચાની દુકાન પર જ ફાંસી લગાવી લીધી હતી.
ઘટનાની માહિતી મળતાં, પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લીધો અને તપાસ શરૂ કરી હતી. સુરેન્દ્ર કોલી નિઠારી કેસનો આરોપી હતો અને તાજેતરમાં જ તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસ હવે તેના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ કરી રહી છે.
એસએચઓ કુંદન સિંહ રાણાએ જણાવ્યું કે સવારે ૧૧:૩૦ વાગ્યાની આસપાસ એક ફોન આવ્યો હતો. મૃતકના આઈડીની તપાસ કર્યા પછી જાણવા મળ્યું કે તનું નામ સુરેન્દ્ર કોલી હતું. એસએચઓના જણાવ્યા અનુસાર, મૃતક પાસેથી મળેલ આઈડી નિઠારીના સુરેન્દ્ર કોલીના આઈડી સાથે મેળ ખાતું હતું. દોરડું બાંધીને ફાંસી લગાવી હતી.
નિઠારી હત્યાકાંડ સંબંધિત અંતિમ કેસમાં સુરેન્દ્ર કોલીને સુપ્રીમ કોર્ટ તરફથી પણ રાહત મળી હતી. 11 નવેમ્બર, 2025ના રોજ કોર્ટે તેમને આ કેસમાં નિર્દોષ જાહેર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે કોલીને દોષિત ઠેરવવા અને સજા ફટકારવા માટે અગાઉની અદાલતો દ્વારા ઉપયોગમાં લેવાયેલા પુરાવા કાનૂની ધોરણોને પૂર્ણ કરતા નથી. કોર્ટના મતે, આ પુરાવા અમાન્ય, અવિશ્વસનીય અને વિરોધાભાસી હતા.
૨૦૦૫-૦૬ દરમિયાન નિઠારી વિસ્તારમાં બાળકો અને મહિલાઓના ગુમ થવાના બનાવોએ પોલીસની ચિંતા વધારી દીધી હતી. આ કેસોની તપાસ કરતા, પોલીસ ૨૯ ડિસેમ્બર, ૨૦૦૬ના રોજ સેક્ટર ૩૧ માં સ્થિત ઉદ્યોગપતિ મોનિન્દર સિંહ પાંધેરના નિવાસસ્થાન ડી-ફાઈવપર પહોંચી હતી. નિવાસસ્થાન અને આસપાસના વિસ્તારમાં શોધખોળ કરતાં અનેક માનવ ખોપરી, હાડકાં, કપડાં અને અન્ય વસ્તુઓ મળી આવી હતી.
આ શોધખોળો બાદ, મોનિન્દર સિંહ પાંધેર અને તેમના ઘરના નોકર સુરેન્દ્ર કોલીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ, જાન્યુઆરી ૨૦૦૭માં કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. પોલીસે ગુમ થયેલા વ્યક્તિઓ અને ગુનાઓ સંબંધિત કુલ ૧૯ અલગ અલગ એફઆઈઆર નોંધી હતી. સીબીઆઈએ આમાંથી ૧૬ કેસોમાં ચાર્જશીટ દાખલ કરી હતી. તપાસ દરમિયાન, સુરેન્દ્ર કોલી પર હત્યા, બળાત્કાર, અપહરણ અને પુરાવાનો નાશ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
આ કેસમાં સહ-આરોપી મોનિન્દર સિંહ પાંધેર પણ ઘણા વર્ષો જેલમાં રહ્યો હતો. આ કેસમાં નિર્દોષ જાહેર થયા બાદ, તેમને 20 ઓક્ટોબર, 2023ના રોજ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. 2006માં ધરપકડ સમયે સુરેન્દ્ર કોલીની ઉંમર 30 વર્ષ હતી. તેમને વિવિધ કેસો હેઠળ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.