BREAKING NEWS

સીજેપી જેલ ભરો આંદોલન કરશેઃ મુંબઈમાં વિરોધ પ્રદર્શનને મંજૂરી ન મળતા જાહેરાત

  • September 28, 2026 12:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)એ ગઈકાલે જાહેરાત કરી કે મુંબઈ પોલીસે બીજી ઓક્ટોબરના રોજ યોજાનાર વિરોધ પ્રદર્શન માટે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો છે. સીજેપીના સ્થાપક અભિજીત દિપકેએ જણાવ્યું હતું કે જો વિરોધ પ્રદર્શન માટે પરવાનગી નહીં મળે, તો પાર્ટી ગાંધી જયંતિ પર મુંબઈમાં જેલ ભરો આંદોલન શરૂ કરશે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સીજેપી દ્વારા એક પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે મતદાન કરવાનો અધિકાર પછી, હવે તેનો વિરોધ કરવાનો અધિકાર છીનવાઈ રહ્યો છે.

અભિજીત દિપકેએ જણાવ્યું હતું કે, પોલીસનો આ નિર્ણય લોકોને તેમના વિચારો વ્યક્ત કરતા અટકાવવાનો બીજો પ્રયાસ હતો. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં વિરોધની જાહેરાત કરી હતી. દિપકેએ કહ્યું હતું કે, લોકોના અવાજને દબાવવાના આવા પ્રયાસો અસ્વીકાર્ય છે. જો અમને વિરોધ કરવાનો અધિકાર આપવામાં નહીં આવે, તો સીજેપી ગાંધી જયંતિ પર મુંબઈમાં જેલ ભરો આંદોલન શરૂ કરશે.

સીજેપીએ બીજી ઓક્ટોબરે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી. પાર્ટીએ જણાવ્યું હતું કે જો મુખ્ય ચૂંટણી કમિશનર (સીઇસી) 26 સપ્ટેમ્બર સુધીમાં રાજીનામું નહીં આપે તો તે 2 ઓક્ટોબરે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. ચૂંટણી પંચના કાર્ય અને નિર્ણયો પર પ્રશ્નો ઉઠાવાયા બાદ વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા. સીજેપીએ જણાવ્યું હતું કે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન મુંબઈથી શરૂ થશે.

મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે હાઈકોર્ટના ચોથી જાન્યુઆરી, ૨૦૧૩ના પીઆઈએલ ૧૧૬/૨૦૦૯ના નિર્ણય અને મહારાષ્ટ્ર સરકારના ૨૦ જાન્યુઆરી, ૨૦૧૬ના આદેશ હેઠળ શિવાજી પાર્કમાં મેળાવડાની પરવાનગી આપવાનો અધિકાર તેમની પાસે નથી. પોલીસ નોટિસમાં જણાવાયું છે કે અરજદાર અજિંક્ય શિંદેને આ અંગે જાણ કરવામાં આવી છે અને તેમને મુંબઈમાં બીજું સ્થાન શોધવા અને ત્યાં વિરોધ પ્રદર્શન કરવા માટે પરવાનગી માટે અરજી કરવાની સલાહ આપવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે અરજી પર નિયમો અનુસાર વિચારણા કરવામાં આવશે. પોલીસે એમ પણ જણાવ્યું હતું કે શિવાજી પાર્ક એક સાયલન્સ ઝોન અને રહેણાંક વિસ્તાર છે, ત્યાં વિરોધ પ્રદર્શન કરવાથી અવાજની સમસ્યા થઈ શકે છે.

બીજી તરફ કોકરોચ જનતા પાર્ટીના નેતા આશુતોષ રંકાએ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માને પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે આ તો સીજેપી માટે માત્ર શરૂઆત છે. રંકા ગઈકાલે ગુવાહાટી પહોંચ્યા હતા અને સીજેપીની બેઠક યોજવાના હતા. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પોલીસે તેમને બેઠક યોજતા અટકાવ્યા હતા. ત્યારબાદ રંકાની અટકાયત કરવામાં આવી હતી અને પછી છોડી દેવામાં આવ્યા હતા. સીજેપીના સ્થાપક અભિજીત દિપકેએ પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી હતી. હકિકતમાં, કસ્ટડીમાંથી મુક્ત થયા પછી, રંકાએ એક્સ પર એક પોસ્ટ શેર કરી હતી. તેણે લખ્યું, હિમંત બિસ્વા શર્મા, આસામના કોકરોચોએ હજુ તો શરૂઆત કરી છે. આશુતોષે આ પોસ્ટમાં એક ફોટો પણ શેર કર્યો, જેમાં તે કેટલાક લોકો સાથે ભોજન લેતા જોવા મળે છે.

રંકાએ એક્સ પર લખ્યું હતું કે પોલીસે તેને ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખ્યા પછી છોડી દીધા છે. દીપકેએ એક્સ પર લખ્યું હતું કે, હું પણ ગઈકાલે પોલીસ સ્ટેશનમાં વિરોધ પ્રદર્શનમાં તમારી સાથે જોડાવાનો હતો. પોલીસે દિવસની શરૂઆતમાં એક બેઠક પહેલા ચૌધરી ટીલ્લા ખાતે વિપક્ષી આસોમ રાષ્ટ્રીય પરિષદના નેતા કુંકી ચૌધરીના નિવાસસ્થાનેથી રંકા અને સીજેપીના 40થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. આ જૂથને શહેરના કાહિલીપાડા વિસ્તારમાં આસામ પોલીસની 10મી બટાલિયનના મુખ્યાલયમાં લઈ જવામાં આવ્યું હતું. જોકે, અધિકારીઓએ આ બાબતે કોઈ ટિપ્પણી કરી ન હતી.

આશુતોષ રંકાએ તેમની મુક્તિ પછી એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આસામ પોલીસે મને અને મારી ટીમને ગેરકાયદેસર રીતે અટકાયતમાં લીધી હતી. અમે પોલીસને પૂછ્યું કે અમને કયા આધારે અટકાયતમાં લેવામાં આવ્યા છે, પરંતુ તેઓએ કહ્યું કે તેમને ખબર નથી અને તેમને ઉચ્ચ અધિકારીઓ તરફથી આદેશ મળ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application