ફ્લાયદુબઈ વિમાનની ગંભીર ઘટનામાં પોતાની અદ્ભુત સૂઝબૂઝ અને અદમ્ય બહાદુરી દાખવીને અનેક મુસાફરોના પ્રાણ બચાવનાર પાઈલટ કેપ્ટન સ્મિત મચ્છરની પ્રશંસનીય હિંમતને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લા દિલથી બિરદાવી છે. રાજ્ય સરકારે પાઇલટ સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ'થી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. આ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરી છે.
મુખ્યમંત્રીએ લખ્યું છે કે, ઈઝરાયેલ જઈ રહેલ ફ્લાઈટના પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરના સાહસને આજે આખી દુનિયા સલામ કરી રહી છે. હુમલાના કારણે લોહીલુહાણ હોવા છતા તેમણે અદમ્ય સાહસ દાખવીને મુસાફરોના જીવ બચાવ્યા, એ વાત અત્યંત પ્રેરણાદાયી અને સરાહનીય છે.
વધુમાં લખ્યું છે કે, મૂળ ગુજરાતના આ વીર સપૂતે પોતાના શૌર્યથી સમગ્ર વિશ્વમાં ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. તેમની રગોમાં વહેતી ગુજરાતી ખુમારી પર આપણને સૌને અત્યંત ગર્વ છે. તેમના આ અસાધારણ શૌર્ય અને માનવતાના કાર્યને સન્માનવા માટે, ગુજરાત સરકાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે. સમગ્ર ગુજરાત તેમના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યું છે. દેશવાસીઓની સંવેદના અને પ્રાર્થના કેપ્ટન સ્મિત મચ્છરની સાથે છે.