BREAKING NEWS

ડીપીના વખાણ કરતા જ યુવતી મોહી ગઈ, પરિવારની મરજી વિરૂધ્ધ લગ્ન કરતા અંતે પસ્તાવનો વારો આવ્યો

  • September 23, 2026 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મૂળ બાબરાના રાણપર ગામની વતની અને હાલમાં રાજકોટમાં કોઠારીયા મેઇન રોડ પર દેવપરા ચોક પાસે રહેતી શીતલબેન (ઉ.વ.૨૮) નામની પરિણીતાએ મહીલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સુરતમાં મોટા વરાછામાં રાધે રેસીડેન્સીમાં રહેતા પતિ ધર્મેશ રમેશભાઈ ભાદાણી, સસરા રમેશભાઈ કનુભાઈ ભાદાણી, સાસુ હંસાબેન તથા જેઠ મંથન અને જેઠાણી હિનાના નામ આપ્યા છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે હાલ તેની બહેન જોશના સાથે રહે છે અને લીમડા ચોકમાં આવેલી ટુરીઝમની ઓફિસમાં નોકરી કરે છે તેણીએ બી.કોમ. નો અભ્યાસ કર્યો છે.


પરિણીતાએ જણાવ્યું હતું કે, વર્ષ 2023 માં તે તેની બહેન સાથે રહેતી હતી ત્યારે અલગ અલગ પરીક્ષાઓની તૈયારી કરતી હતી. દરમિયાન તા. 15-10-2023 ના તેના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો પરંતુ તેણે વાત કરી ન હતી બાદમાં વોટસએપ મેસેજ આવ્યો હતો અને પરિણીતાના ડીપી બાબતે સારા શબ્દો કહ્યા હતા. ત્યારબાદ થોડા દિવસ પછી પરિણીતાએ આ મોબાઈલ નંબર ધર્મેશભાઈ ભાદાણી હોવાનું માલુમ પડયુ હતું અને તેની સાથે ફોનમાં અવારનવાર વાતચીત થતી હતી. બાદમાં એક મહિના પછી ધર્મેશે રૂબરૂ મળવા બોલાવતા પરિણીતા રાજકોટથી સુરત ગઈ હતી અને ધર્મેશના ઘરના સભ્યો સાથે લગ્નની વાત કરી હતી બાદમાં પરિણીતાએ કહ્યું હતું કે કુટુંબ સાથે વાત કરી લગ્ન બાબતે જાણ કરશે. અને તે રાજકોટ આવી ગઈ હતી.


પરિણીતાના પરિવારજનો લગ્ન કરાવવા રાજી ન હોય જેથી તા. 9-12-2023 ના ધર્મેશ તેને રાજકોટથી લઈ ગયો હતો અને સુરત જતા રહ્યા હતા બીજા દિવસે તારીખ 10-12 ના રામનાથ મંદિર સુરત ખાતે લગ્ન કર્યા હતા અને તારીખ 12 ના તે રાજકોટ પરત આવી ગઈ હતી તેના લગ્ન બાબતે પરિવારને જાણ ન હતી. ધર્મેશને કહ્યું હતું કે, મારા ઘરના સભ્યો માની જાય પછી હું સુરત આવીશ બાદમાં પરિણીતાએ પરિવારના સભ્યોને લગ્ન બાબતે અવારનવાર કહેતા તેઓ લગ્ન કરાવવા રાજી ન હોય જેથી બે મહિના પછી ફેબ્રુઆરી 2024 માં ધર્મેશ લેવા આવતા તે બહેનના ઘરે રાજકોટથી સુરત જતી રહી હતી. અહીં પતિ ધર્મેશ, સસરા રમેશભાઈ, સાસુ હંસાબેન, જેઠ મંથન અને જેઠાણી હિના સહિતના સાથે રહેતી હતી. મંથનના પત્ની સગર્ભા હોય તે બાબતે અંદરો અંદર ઝઘડો થતો હોય જેથી પરિણીતા અને તેના પતિને બીજે રહેવા જવાનું કહેતા હતા. સાસુ-સસરાના મકાનમાં પાંચ મહિના રોકાયા હતા તે દરમિયાન પરિણીતાની તબિયત સારી ન હોય છતાં સાસુ તથા જેઠાણી ઘરના કામ કરાવતા હતા અને મેળાટોણા મારતા હતા તેમજ બોલાચારી કરતા હતા. સાસુ સસરા તથા જેઠે વાત કરી હતી કે, તમે હાલ બીજે રહેવા દેતા રહો હીના પ્રેગનેટ હોય તેથી બાળકના જન્મ પછી ઘરે પાછા આવી જજો. જેથી પરિણીતા પતિ સાથે સુરતના અમરોલીમાં ભાડે મકાન રાખી રહેવા જતા રહ્યા હતા. અહીં દોઢ વર્ષ રહ્યા હતા દરમિયાન સાસરા તથા જેઠ પતિની ચઢામણી કરતા હતા જેથી પતિ અવારનવાર ઝઘડો કરતો હતો.


જેઠાણીને ત્યાં બાળકનો જન્મ થતાં પરિણીતા સાસુ- સસરાના ઘરે એક મહિના રહેવા ગઈ હતી બાદમાં પરત ભાડાના મકાનમાં જતા રહ્યા હતા જેઠે કહ્યું હતું કે તમારે આ મકાનમાં આવવુ નહીં તમારે બીજું મકાન લઈ લેવું.


પરિણીતાએ ગાંધીનગર સરકારી નોકરી ભરતીની પરીક્ષાની તૈયારી કરવાની હોય તેથી જેથી તે ગાંધીનગરમાં પીજીમાં રહેતી હતી. પતિએ કહ્યું હતું કે તું પરીક્ષાની તૈયારી કરીશ ત્યાં સુધીમા હું તારી માટે કાર તથા નવું મકાન લઈ લઈશ તેમ વાત કરી હતી. તા. 10- 6- 2026 ના પરિણીતા સુરત ગઈ હતી ત્યારે પતિ બાબતે પોલીસ સ્ટેશન જઈ વાત કરતા પોલીસે પતિને બોલાવ્યો હતો ત્યારે જેઠ પતિ સાથે પોલીસ સ્ટેશન આવ્યો હતો અને પતિએ કહ્યું હતું કે, મારે છૂટાછેડા લેવા હોય તેમ કહી ઝઘડો કર્યો હતો પરંતુ સમાધાન થઈ જતા પરિણીતા પતિ સાથે હોટલમાં રોકાઈ હતી ત્યારે પતિના ફોનમાં કોઈ છોકરીને ફોન આવ્યો હતો જેથી આ બાબતે પતિએ પૂછતા ઝઘડો કરી ઢીકાપાટુનો મારમાર્યો હતો બાદમાં તારીખ 13-6 ના પરિણીતા બરોડા પરીક્ષા આપવા માટે ગઈ હતી અને તારીખ 14-6 ના પતિનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે હું જાઉં છું અને આજ પછી મને ગોતતી નહીં તેમ કહી ફોન કાપી નાખ્યો હતો ત્યારબાદ પ્રયત્ન કરતા પતિનો ફોન લાગતો ન હતો. બાદમાં જેઠે જણાવ્યું હતું કે ધર્મેશ થેલો અને કપડાં લઈને ક્યાંક જતો રહ્યો છે તમારે અમારા ઘરે આવવાનું નથી તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. બાદમાં પરિણીતા રાજકોટમાં આવી ગઈ હતી અને સુરત સ્થિત પતિ સહિતના સાસરીયા વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application