ગુજરાત એટીએસ દ્વારા ગઈકાલે આઈએસઆઈએસ સાથે જોડાયેલા ત્રણ આતંકવાદીઓને ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ત્રણેય પાસેથી ગુજરાત એટીએસએ ત્રણેય આતંકવાદીઓ પાસેથી ત્રણ વિદેશી બનાવટની પિસ્તોલ, 30 જીવતા કારતૂસ અને ચાર લિટર કેસ્ટર ઓઈલ કબજે કર્યું હતું. ત્રણેય આતંકવાદીઓમાંથી ડો. અહેમદ મોહ્યુદ્દીન સૈયદ વ્યવસાયે ડોક્ટર છે અને તે રાઈઝીન પોઈઝન તૈયાર કરી રહ્યો હતો અને હજારો લોકોને આ ઝેર આપી પોઈઝન એટેક કરવાનો પ્લાન હતો.
ગુજરાત એટીએસએ ઝડપેલા ત્રણ આતંકવાદીઓમાં અહેમદ મોહ્યુદ્દીન સૈયદ, આઝાદ સુલેમાન શેખ, મોહમ્મદ સુહેદ મોહમ્મદ સલીમનો સમાવેશ થાય છે. જ્યારે વોન્ટેડ આરોપી અબુ ખદીજાની પણ સંડોવણી ખુલી છે. આ તમામ આતંકવાદીઓ સામે ધ અનલોફુલ એક્ટિવિટીઝ(પ્રિવેન્શન) એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા તથા આર્મ્સ એક્ટ હેઠલની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે ઝડપાયેલા ત્રણેય આતંકવાદીઓને ગાંધીનગરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બેના 17 નવેમ્બર સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે.
ડો. અહેમદ મોહ્યુદ્દીન સૈયદ મૂળ હૈદરાબાદનો રહેવાસી છે અને ગુજરાત તે હથિયાર કલેક્ટ કરવા આવ્યો હતો. આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલ નામના યુપીના આતંકીઓએ રાજસ્થાનના હનુમાગઢથી હથિયારો મેળવીને ગાંધીનગરના કલોલ નજીકના એક કબ્રસ્તાનમાં છોડી દીધા હતા. જે ડો. અહેમદ સૈયદે કલેક્ટર કર્યા હતા. જો કે, તે હથિયારો લઈ પરત હૈદરાબાદ જાય તે પહેલા જ એટીએસએ તેને દબોચી લીધો હતો.
ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, હૈદરાબાદનો રહેવાસી ડો. અહેમદ મોહ્યુદ્દીન સૈયદ નામનો આતંકવાદી ગુજરાતમાં હુમલાને અંજામ આપવા માટે અમદાવાદ આવ્યો છે. જેના આધારે એટીએસની ટીમે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી હતી. ટેક્નિકલ એનાલિસિસ કરતા અમદાવાદ-મહેસાણા રોડ પર આવેલા અડાલજ ટોલ પ્લાઝા પાસે એક સિલ્વર કલરની ફોર્ડ ફિગો કારની તલાશી લેતા તેમાંથી ડો. સૈયદ મળી આવ્યો હતો. તેના કબજામાંથી બે ગ્લોક પિસ્ટલ અને એક બેરેટા પિસ્ટલ તથા 30 જીવતા કારતૂસ અને ચાક લીટર કેસ્ટર ઓઈલ મળી આવ્યું હતું.
એટીએસની તપાસમાં જાણવા મળ્યું કે, ડો. અહેમદ સૈયદ હૈદરાબાદથી ગુજરાત હથિયાર લેવા માટે આવ્યો હતો. તેને હથિયારો કલોલ નજીકના એક કબ્રસ્તાનમાંથી મેળવ્યા હોવાની માહિતી આપી હતી. કલોલ સુધી હથિયારો કઈ રીતે આવ્યા તેની તપાસ શરૂ કરવામાં આવી હતી. ડો. અહેમદ સૈયદના ફોનમાંથી મળી આવેલા એક નંબરની તપાસ કરતા લોકેશન બનાસકાંઠાનું મળી આવ્યું હતું. એટીએસની એક ટીમ બનાસકાંઠા પહોચી હતી અને બે શકમંદોને લાવી હતી. તેની પૂછપરછ કરતા તેઓના નામ મોહમ્મદ સુહેલ અને આઝાદ શેખ હોવાનું જાણવા મળ્યું હતું. આતંકવાદી માનસિકતા ધરાવતા આ બંને ઈસમોએ રાજસ્થાનના હનુમાનગઢથી હથિયારો લીધા હતા. આ લોકોએ લખનૌ, દિલ્હી અને અમદાવાદના ઘણા સંવેદનશીલ સ્થળોએ રેકી કરી હતી.
ડો. મોહ્યુદ્દીન સિવાયના બે આતંકીઓ આ પહેલાં પણ ગુજરાત આવી ચુક્યા હતા. બન્નેએ અમદાવાદની સંવેદનશીલ અને ભીડવાળી જગ્યાની રેકી કરી હતી. બંને મદ્રેસામાં હાફિઝ છે. મોહ્યુદ્દીન આતંકવાદી પ્રવૃત્તિ કરવા માંગતો હતો. જેના માટે તેને રૂપિયા અને હથિયારોની જરૂર હતી એટલા માટે તે અબુ ખદીજાના સંપર્કમાં આવ્યો હતો. તેનો પ્લાન હતો કે જો બરાબર ફંડ અને હથિયાર મળી જાય તો એ પ્રોપર રિક્રુટમેન્ટ શરૂ કરી શકે.
મોહ્યુદ્દીને રાઈઝીન ઝેર બનાવવા માટે હૈદરાબાદથી એરંડાના 10 કિલો બીજ ખરીદ્યા હતા. આ બીજ સાથે લઇને તે અમદાવાદ આવ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પછી ટેલિગ્રામ અને વોટ્સએપ એમ બન્ને એપથી એકબીજા સાથે વાતો કરતા હતા. ઘણા મુસ્લિમોને એકઠા કરવાના છે, આપણે બદલો લેવાનો છે, આપણે કંઇ કરવું જોઇએ એવી વાતો કરતા હતા. આ ત્રણેય આતંકીઓએ પહેલાં આવી કોઇ પ્રવૃત્તિ કરી હોય, ફંડ ક્યાંથી આવ્યું હોય, ઘરે કંઇ રાખ્યું હોય તો તે અંગે તપાસ ચાલુ છે. આતંકવાદી પ્રવૃત્તિ કોઇ સ્થાનિક વ્યક્તિ મારફતે પણ કરાવી શકતા હતા પરંતુ તેવું કેમ ન કર્યું તેની પણ તપાસ થઇ રહી છે. હવે તેમની સાથે જોડાયેલા અન્ય લોકો અંગે તથા તેની સાથે બહારના દેશમાંથી કોણ કેવી રીતે કોન્ટેક્ટ રાખતું હતું. ઉપરાંત મોહ્યુદ્દીને ક્યાંથી કેટલું ફંડ મેળવ્યું હતું તે દિશામાં તપાસ આગળ વધશે. એટીએસની અલગ અલગ ટીમમાં 30થી વધુ લોકો જોડાયેલા હતા.
ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ કહ્યું હતું કે, હજી સુધી કોઈ લોકલ વ્યકિતની આ બાબતે સંડોવણી સામે આવી નથી. ત્રણેય પાસેથી ચાર મોબાઈલ ફોન અને બે લેપટોપ કબજે કરાયા છે. કોઈ લોકલ વ્યકિત સંકળાયેલું છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય એજન્સી અને અન્ય રાજ્યની પોલીસની પણ જરુર પડ્યે મદદ લેવામાં આવશે.
ત્રણેય આતંકીઓ છ નવેમ્બરની રાત્રે ગુજરાત આવ્યા
આ આતંકીઓ ગુજરાતમાં હથિયારોની આપ-લે કરવાના ઇરાદે છ નવેમ્બરની રાત્રે આવ્યા હતા અને તેમણે દેશના અનેક સ્થળો પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે આતંકીઓએ એક વર્ષ પહેલાં જ રેકી કરી હતી. એટીએસ હવે બીજા આરોપીઓની ઓળખ કરવા અને અન્ય રાજ્યોમાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરશે. ડો. સૈયદનો પૈસા એકત્રિત કરી અને આતંકી હુમલો કરવાનો પ્લાન હતો. ફંડ ક્યાંથી આવવાનું હતું અને કેવી રીતે આવવાનું હતું તેની તપાસ હાથ ધરાશે.
સાત નવેમ્બરે એટીએસને બાતમી મળી
સાત નવેમ્બર, શુક્રવારે સવારે ગુજરાત એટીએસ પાસે માહિતી આવી હતી કે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલો અહેમદ મોહ્યુદ્દીન સૈયદ નામનો એક શંકાસ્પદ શખસ ગુજરાત આવ્યો છે. જેના પછી એટીએસની ટીમે બાતમીને વેરિફાઇ કરી અને ટેકનિકલ એનાલિસિસ કરીને તેની મુવમેન્ટ ચેક કરી હતી. સવારથી રાત સુધી ચાલેલી આ મથામણમાં પહેલાં તો કોઇ ખાસ સફળતા ન મળી પણ રાત્રે નવ વાગ્યા આસપાસ અહેમદ મોહ્યુદ્દીનની મુવમેન્ટ કલોલ તરફ જોવા મળી. જેથી એટીએસની ટીમે તેને ઝડપી લેવાનો પ્લાન બનાવ્યો હતો. એક પીઆઇને તેમની ટીમ સાથે તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી અને થોડી જ વારમાં તેમને અડાલજ ટોલ પ્લાઝા ખાતે મોકલી દેવાયા કેમ કે મોહ્યુદ્દીનની કાર અડાલજ ટોલ પ્લાઝા તરફ જઇ રહી હતી. ટોલ પ્લાઝા પર પહોંચીને પીઆઇની ટીમે વોચ ગોઠવી દીધી હતી.
આતંકીની કારને ફસાવવા ત્રણ ટોલ ગેટ બંધ કરાવ્યા
વોચમાં રહેલા પીઆઇને આરોપીની કાર દેખાતા જ ત્રણ ટોલ ગેટ બંધ કરીને એક જ ચાલુ રખાવ્યો હતો, જેથી આરોપી ટ્રાફિકમાં ફસાઇ જાય અને થયું પણ પ્લાન મુજબ જ. ત્રણ ટોલ ગેટ બંધ થઇ જતાં ટ્રાફિક થઇ ગયો અને મોહ્યુદ્દીનની કાર આગળ-પાછળ અન્ય કાર વચ્ચે ફસાઇ ગઇ. પછી એટીએસની ટીમ સામાન્ય ચેકિંગના બહાને તેની કાર પાસે ગઈ અને કારની તપાસ કરવી છે તેમ કહ્યું હતું. આરોપી કંઇ સમજી શકે એ પહેલાં તો તપાસ શરૂ કરી દીધી હતી. એટીએસની ટીમને કારમાંથી એક ડબ્બો મળ્યો હતો. જે બહુ સારી રીતે પેક કરાયેલો હતો. ડબ્બામાં 3 હથિયારો હતા. ઉપરાંત કારમાં બિસ્લેરીનું દસ લીટરનું કન્ટેનર પણ હતું, જેમાં પાંચેક લીટર પ્રવાહી ભરેલું હતું. પાછળથી એટીએસને ખબર પડી કે એ કેસ્ટર ઓઇલ છે. કારમાંથી મોહ્યુદ્દીનના 2-3 પાનકાર્ડ પણ મળ્યા હતા. બાદમાં તેને એટીએસની ઓફિસે લાવીને પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે તે સાત તારીખે સવારે જ અમદાવાદ ખાતે આવ્યો હતો. તેને કહેવામાં આવ્યું હતું કે કલોલના એક કબ્રસ્તાન પાસેથી હથિયારો લેવાના છે.
ટ્રેનમાં અમદાવાદ આવીને કલોલમાં હથિયાર મૂક્યાં
આકા તરફથી મળેલી સૂચના અનુસાર એ બન્ને છ નવેમ્બરે હનુમાનગઢ ગયા હતા અને સાત નવેમ્બરે ટ્રેનમાં હનુમાનગઢથી અમદાવાદ આવ્યા હતા. અમદાવાદ આવીને કલોલ ગયા હતા. જ્યાં તેમને અપાયેલા લોકેશન પર હથિયાર મૂકી આવ્યા હતા. જે જગ્યાએ હથિયાર મુક્યા હતા એ તળાવની બાજુમાં અવાવરું જગ્યા હતી. કલોલમાં હથિયાર મુકીને બન્ને પાલનપુર ગયા હતા. આ કામ બદલ બન્નેને પૈસા મળતા હતા. આ તરફ આતંકી ડો. મોહ્યુદ્દીનને તો પહેલેથી જ કહેવામાં આવ્યું હતું કે તેણે શું કરવાનું છે. તે સાત નવેમ્બરે અમદાવાદ આવ્યો પછી જુહાપુરામાં રોકાયો હતો. એ સમયે તેને ખબર નહોતી કે તેને ક્યાં જવાનું છે. મોહ્યુદ્દીનને એટલું જ કહેવાયું હતું કે હોટલમાં રોકાજે, તને આગળની જાણ કરવામાં આવશે.
ડો. એહેમદ સૈયદે ચીનમાં એમબીબીએસ કર્યું
ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, જે ત્રણ આતંકી ઝડપાયા તેમાંનો એક ડો. અહેમદ સૈયદ 35 વર્ષનો છે અને તેણે 2010માં ચીનમાં એમબીબીએસ કર્યું હતું. ભારતમાં ડૉક્ટર તરીકેની પ્રેક્ટિસ શરૂ કરવા માટે એમસીઆઈની પરીક્ષા આપવી પડે. જે તેણે આપી નહોતી એટલે પ્રેક્ટિસ શરૂ કરી શક્યો નહોતો. તે અનેક ભાષા જાણે છે. સોશિયલ મીડિયા પર ઘણી ફોરન એનટીટી ( નોટ ટેરિટોરિયલ ટેરેરિઝમ) સાથે જોડાયેલો છે. તેનું કનેકશન અબુ ખદીજા નામની એનટીટી સાથે મળી આવ્યું છે. ડો. અહેમદ સૈયદનો મોટું ફંડ એકત્ર કરી મોટો આતંકવાદી હુમલો કરવાનો ઈરાદો હતો. એટીએસનું કહેવું છે કે, ડો. અહેમદ સૈયદની વધુ પૂછપરછ અને તેના ફોનની તલાશી લેતા તે રાઈઝીન નામનું ઝેર બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેના માટે તેને કાચોમાલ, કેમિકલ અને સાધનો એકત્ર કરી લીધા હતા. જેને લગતા પુરાવાઓ તેના ફોનમાંથી પણ મળી આવ્યા છે. ભારતમાં મોટી આતંકી ઘટનાનો અંજામ આપવાનો હતો. ઘણા વિદેશીઓ સાથે સંપર્કમાં હતો. અબુ ખદીજા સાથે ટેલિગ્રામથી સંપર્કમાં હતો. જે અફઘાનિસ્તાનના આઈએસકેપી સાથે જોડાયેલો હોવાનું તે માને છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહાલારની સરકારી પ્રા.શાળાઓમાં વધુ એક પ્રયોગ, કર્મીઓને ખાનગી અહેવાલ ઓનલાઇન ભરવાનો રહેશે
October 03, 2026 02:22 PMપ્રાંત ૧ કચેરીમાં અશાંત ધારાની અટકી પડેલી ૮૦થી વધુ ફાઈલોનો નિકાલ
October 03, 2026 02:20 PMજામનગર: કાલાવડમાં નોંધાયેલી ફરીયાદોમાં અલ્પેશ દોંગાનો જેલમાંથી કબ્જો લેવાશે
October 03, 2026 02:15 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
