BREAKING NEWS

બે બાઇક સામસામે ધડાકાભેર અથડાતા ત્રણ યુવકોના મોત, ૩ ગંભીર રીતે ઇજાગ્રસ્ત; આણંદ-બોરસદ માર્ગ પર ભીષણ અકસ્માત

  • September 28, 2026 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આણંદ-બોરસદ માર્ગ પર આવેલા વાંસખીલીયા ગામની સીમમાં નિજાનંદ રિસોર્ટ પાસેથી પસાર થઈ રહેલી બે બાઇકો સામસામે ધડાકાભેર અથડાતા એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ ભીષણ ટક્કર એટલી જોરદાર હતી કે બંને બાઇકોના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા અને બાઇક પર સવાર યુવાનો રોડ પર ફંગોળાઈ ગયા હતા. અકસ્માતના આ બનાવને પગલે આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા તથા ઘટનાની જાણ પોલીસ અને એમ્બ્યુલન્સને કરી હતી.


ત્રણ આશાસ્પદ યુવકોના અકાળે અવસાનથી પંથકમાં શોકનો માહોલ

આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા નાપા વાંટા ગામના ૧૯ વર્ષીય અરમાન રફીક રાણા, સમીર રાજેશ રાણા તેમજ બોરસદના અંસાર ઝુબેર બેલીમનું ગંભીર ઇજાઓના કારણે કરુણ મોત નીપજ્યું હતું. એક સાથે ત્રણ-ત્રણ આશાસ્પદ યુવાનોના અકાળે અવસાન થતાં તેમના પરિવારજનો તેમજ સમગ્ર પંથકમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. અચાનક ઘટેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગમગીની ફેલાઈ ગઈ છે.


ગંભીર રીતે ઘવાયેલા અન્ય ત્રણ યુવકો હોસ્પિટલમાં સારવાર હેઠળ

આ અકસ્માતમાં અન્ય ત્રણ યુવાનોને પણ શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં નાપા વાંટાના તનવીર રાણા તેમજ બોરસદના અસલમખાન અને ઝુબેર કાઝીનો સમાવેશ થાય છે. આ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે વધુ અને સઘન સારવાર અર્થે કરમસદ સ્થિત મેડિકલ કોલેજ અને આણંદની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલુ છે.


હોસ્પિટલ પરિસરમાં ઉમટેલા લોકોના ટોળાં અને પોલીસ તપાસ

અકસ્માતના સમાચાર મળતા જ મૃતકો અને ઇજાગ્રસ્તોના સગા-સંબંધીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ કેમ્પસમાં ઉમટી પડ્યા હતા. લોકોના મોટા ટોળાં એકઠા થઈ જવાથી હોસ્પિટલ પરિસરમાં ભારે ગમગીન અને હૃદયદ્રાવક માહોલ સર્જાયો હતો. આ ગંભીર બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે અને આ અકસ્માત કયા સંજોગોમાં અને કેવી રીતે સર્જાયો તે દિશામાં પ્રાથમિક તપાસ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application