યુનાઇટેડ સ્ટેટસે ભારત સહિત ૨૦ દેશોમાંથી આયાત થતી કેટલીક ખાસ દવાઓ અને તેના પેટન્ટ પર શૂન્ય ટકા કર લાદવાની જાહેરાત કરી છે. આ દવાઓનો ઉપયોગ દુર્લભ રોગોની સારવાર માટે થાય છે. યુએસ વાણિય વિભાગે તેના ફેડરલ રજિસ્ટરમાં ૨૦ દેશોની યાદી બહાર પાડી છે, જેમાં વિશેષ દવાઓની કરમુકત આયાતની યાદી આપવામાં આવી છે. વર્લ્ડ કસ્ટમ્સ ઓર્ગેનાઇઝેશન અનુસાર, આ એડ વેલોરમ ટેકસ કરપાત્ર માલના નાણાકીય મૂલ્યનો એક નિશ્ચિત ટકાવારી છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ આજથી ચોક્કસ પેટન્ટ દવાઓ અને તેના સંબંધિત ઘટકોની આયાત પર ૧૦૦ ટકા કર લાદવાની તૈયારી કરી રહ્યું છે. હકિકતમાં, આ વર્ષની બીજી એપ્રિલે યુએસ રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પેટન્ટ કરાયેલી દવાઓ, બાયોલોજિકસ અને તેમના સંબંધિત ઘટકોની આયાત પર કર લાદવાની ઘોષણા કરી હતી. તે ઘોષણાના પ્રકાશમાં, ટ્રમ્પ વહીવટીતત્રં હવે આ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. સમાચાર એજન્સી ભાષાના અહેવાલ મુજબ, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ તરફથી શૂન્ય ટકા કર માટે પાત્ર ઉત્પાદનોમાં દુર્લભ રોગો માટેની બધી દવાઓ, વંધ્યત્વ સારવાર, સેલ થેરાપી, જનીન ઉપચાર, એન્ટિબોડી–ડ્રગ કન્જુગેટસ અને પશુચિકિત્સા દવાઓનો સમાવેશ થાય છે. આ દવાઓમાં વપરાતા ઘટકો પણ શૂન્ય ટકા કર દરને આધીન રહેશે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ અનુસાર, શૂન્ય–કર યાદીમાં ભારત ઉપરાંત, આર્જેન્ટિના, બાંગ્લાદેશ, કંબોડિયા, ઇકવાડોર, અલ સાલ્વાડોર, યુરોપિયન યુનિયન, ગ્વાટેમાલા, ઇન્ડોનેશિયા, જાપાન, જોર્ડન, મલેશિયા, ઉત્તર મેસેડોનિયા, દક્ષિણ કોરિયા, સ્વિટઝર્લેન્ડ, લિકટેંસ્ટાઇન, તાઇવાન, થાઇલેન્ડ, યુનાઇટેડ કિંગડમ અને વિયેતનામનો સમાવેશ થાય છે. નોટિસમાં જણાવાયું છે કે આ દેશોના લાયક ઉત્પાદનો શૂન્ય–કર દરનો લાભ મેળવી શકે છે કારણ કે તેમની પાસે હાલમાં યુએસ સાથે વેપાર અને સુરક્ષા ફ્રેમવર્ક કરાર છે અથવા ટૂંક સમયમાં થઈ શકે છે. ફાર્માસ્યુટિકલ્સ અને ફાર્માસ્યુટિકલ ઘટકોની આયાત પર વેપાર વિસ્તરણ કાયદાની કલમ ૨૩૨ હેઠળ આ મુકિત આપવામાં આવી રહી છે